Gandhinagar કલોલના ખાતરેજ GIDCમાં મોટી દુર્ઘટના: કેમિકલ ફેક્ટરીના કૂવામાં 5 મજૂરોના દર્દનાક મોત
ખાતરેજ GIDCમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં પાંચ મજુરોના દર્દનાક મોત થયા છે. કેમિકલ ફેક્ટરીના કૂવામાં કેમિકલ વેસ્ટ નાખવા મજૂરો ઉતરતા એક બીજાને બચાવવા જતાં કુલ પાંચ મજૂરોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે
હિતલ પારેખ/ગાંધીનગર: કલોલના ખાતરેજ GIDCમાં આજે બપોર પછી એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ખાતરેજ GIDCમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં પાંચ મજુરોના દર્દનાક મોત થયા છે. કેમિકલ ફેક્ટરીના કૂવામાં કેમિકલ વેસ્ટ નાખવા મજૂરો ઉતરતા એક બીજાને બચાવવા જતાં કુલ પાંચ મજૂરોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનાની જાણકારી તાત્કાલિક ગાંધીનગર ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જેથી ફાયરની ટીમ દ્વારા આ કેમિકલ ફેક્ટરીના કૂવામાંથી મજૂરોને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું. પાંચે મજુરોના કૂવામાં મોત થઈ ગયા હતા. આ ઘટનાની જાણકારી પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને સમગ્ર ધટનાની તપાસ કરી રહી છે.
આ ઘટના વિશે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગાંધીનગર કલોલના ખાતરેજ GIDCમાં કેમિકલ ફેક્ટરીના કૂવામાં કેમિકલ પ્રક્રિયાના કારણે ગેસ ઉત્પન્ન થયો અને ગેસમાં આ પાંચે વ્યક્તિઓના ગૂંગળામણને કારણે મોત થયા હતા.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર જિલ્લાના કલોલની ખાત્રજ ખાતે દવા બનાવતી ફાર્મા કંપનીની કેમિકલ ફેક્ટરીના કૂવામાં કેમિકલ વેસ્ટ નાખવા કૂવામાં ઉતરેલા એક મજૂરને બચાવવા માટે એક પછી એક ચાર લોકો અંદર ઉતર્યા હતા. પરંતુ દુર્ભાગ્યવશ પાંચેય લોકોના દર્દનાક મોત થયા હતા. કલોલની ખાત્રજ જીઆઈડીસી પ્લોટ નંબર -10 બ્લોક નંબર 58માં દવા બનાવતી ફાર્મા કંપની આવેલી છે. કંપનીમાંથી નીકળતા દૂષિત પાણીને રિસાઈકલિંગ કરવા માટે અત્રે ETP પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. અહીં દૂષિત પાણીને પ્રોસેસ કરીને ફરી વખત ઉપયોગમાં લેવામાં આવે છે.
આજે પ્લાન્ટના કેમિકલના કૂવામાં કેમિકલ વેસ્ટ નાખવા માટે વિનયકુમાર નામનો મજૂર સીડી મૂકીને અંદર ઊતર્યો હતો. આ દરમિયાન અચાનક તેણે બૂમાબૂમ કરતાં સુનીલ ગુપ્તા તેના બચાવવામાં ઊતર્યો હતો. તેના પછી એક પછી એક દેવેન્દ્રકુમાર દિનેશભાઈ, રાજન કુમાર પપ્પુભાઈ અને અનિશકુમાર પપ્પુભાઈ પણ કૂવામાં ઉતર્યા હતા. પરંતુ થોડીવારમાં પાંચેય જણાની બૂમો શાંત થઈ ગઈ હતી. બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયરબ્રિગેડની ટીમ તરત ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને એક પછી એક પાંચેય લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે કંપનીના માલિક સહિતનો સ્ટાફ પણ સ્થળ પર દોડી આવ્યો હતો.
પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં ભોગ બનનાર પાંચેય વ્યક્તિના મૃતદેહોને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે તેવું પોલીસે જણાવ્યું છે. મરનારા પાંચેય લોકોની ઉંમર ત્રીસથી પાંત્રીસ વર્ષની આસપાસ છે. હાલમાં વધુ પૂછપરછ ચાલી રહી છે, જે પછી સમગ્ર ઘટના કેવી રીતે ઘટી એની વિગતો બહાર આવશે.
ભોગ બનનાર વ્યક્તિઓના નામ નીચે મુજબ છે.
1 વિનય કુમાર સંફજકુમાર
2 સુસી ભાઈ રામ પ્રકાસ ગુપતા
3 દેવેન્દ્ર કુમાર દિનેશ ભાઈ
4 અનીશ કુમાર પ્પપુ ભાઈ
5 રાજન કુમાર પ્પપુ ભાઈ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube