ગાંધીનગર: સામાજીક ન્યાય અને અધિકારીતા તથા આદિજાતિ વિકાસ વિભાગની રાજ્યસ્તરની તકેદારી અને મોનિટરીંગ સમિતિની બેઠકના અધ્યક્ષસ્થાને યોજાયેલી મીટીંગમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સામાજીક સમરસ્તાને વિકાસનો પાયો ગણાવ્યો હતો, અનુસૂચિત જાતિ-જનજાતિ, પીડિત, શોષિત, દલિત વર્ગો પર વિશેષ ધ્યાન આપી તેમને સામાજીક ન્યાય મળે, રક્ષણ મળે તે માટે તાલુકા કક્ષાથી રાજ્ય સ્તરીય સુધી સમગ્ર વ્યવસ્થાનું મોનિટરીંગ રાજ્ય સરકારની પ્રથમ ફરજ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગરમાં યોજાયેલી આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી, મંત્રીઓ, ગણપતસિંહ વસાવા અને ઇશ્વરભાઇ પરમાર, પ્રદિપસિંહ જાડેજા તેમજ સાંસદ વિનોદભાઇ ચાવડા અને રામસિંહ રાઠવા સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ પરના અત્યાચાર કનડગતને સરકાર કોઇ પણ સંજોગોમાં ચલાવી લેવાની નથી. આવા અત્યાચારોના કિસ્સામાં દોષિતોને સખત સજા થાય અને પીડિતોને સાચો ન્યાય-સુરક્ષા મળે તે સરકારની પ્રતિબદ્ધતા છે. આવા અત્યાચારોના કિસ્સામાં કન્વીકશન અને દંડ એ બે પેરામીટર્સ હોય છે તેનો વધુ ચુસ્તતા અને સખ્તાઇથી અમલ કરીને અત્યાચારોના કિસ્સામાં કન્વીકશન રેટ-સજાનો દર વધે તથા દોષીતોને સખત સજા દંડ થાય તે માટે સંબંધિત વિભાગો યોગ્ય પ્રબંધન ગોઠવે. 
 
પછાત-દલિત-શોષિત વર્ગો પર અત્યાચારો અટકે, તેમને સમાનતા મળે તે માટે સરકાર જ નહિં સૌ સાથે મળીને સામાજીક જવાબદારી નિભાવી એક બની-નેક બની સમરસતાનું વાતાવરણ નિર્માણ કરે તે આવશ્યક છે. બેઠકની ચર્ચાઓ દરમ્યાન જણાવવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકારે આવી જાતિઓ પરના અત્યાચારના બનાવોમાં સુધારેલ સહાયના ધોરણો જાહેર કર્યા છે. 


તદ્દઅનુસાર, અનુસૂચિત જાતિઓ પરના અત્યાચારના કિસ્સાઓમાં પાછલા બે વર્ષમાં રૂ. ૩૩ કરોડની સહાય ભોગ બનેલા વ્યકિતઓને ચુકવવામાં આવી છે. અનુસૂચિત જનજાતિઓના કિસ્સામાં રૂ. ૮ કરોડ ૯૦ લાખ સહાય અપાઇ છે. રાજ્યમાં અત્યાચારના કેસોમાં કન્વીકશન રેટ ૩.૭૮ ટકાનો પાછલા બે વર્ષમાં રહ્યો છે. રાજ્યમાં આવા અત્યાચારના કેસો માટે ૧૬ એકસલુઝીવ સ્પેશ્યલ કોર્ટની રચના કરવામાં આવી છે અને કેસોની સુનાવણી ઝડપી થાય, ગૂનેગારને ત્વરાએ સજા દંડ થાય અને પીડિતોને યોગ્ય ન્યાય મળે તે સરકારે સુનિશ્ચિત કર્યુ છે. 


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સામાજીક સમરસતા-સૌહાર્દ શાંતિ જળવાઇ રહે અને સમગ્ર રાજ્યનું વાતાવરણ વિકાસમય રહે તે માટે તાલુકા, જિલ્લા સ્તરે નિયમીત પણે સંબંધિત સૌ સાથે મળી બેઠકો યોજે તેવું પ્રેરક સૂચન કર્યુ હતું. તેમણે સોશિયલ મીડીયા પર પણ બાજ નજર રાખી આવી કોઇ ઘટનાઓ ધ્યાનમાં આવે કે તુરત જ ઓન ધ સ્પોટ પગલાં લેવા અને સ્થળ પર જઇ સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાય તેવી વ્યવસ્થા માટે જિલ્લા કલેકટરો, જિલ્લા પોલીસ વડાઓને સ્પષ્ટ સૂચનાઓ આપવા તાકીદ કરી હતી.