ગાંધીનગર : રાજ્યમાં કોરોના મહામારી દરમિયાન મૃત્યુ પામેલા કોવિડ દર્દીઓને સરકાર દ્વારા માત્ર 50 હજારની સહાય ચૂકવવાના નિર્ણયનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત આજે ગાંધીનગરમાં કોવિડ ન્યાય યાત્રા યોજીને મૃતકોના સ્વજનોને ચાર લાખની સહાયની માંગણી કરી હતી. જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપીને પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિતના કાર્યકરો પહોંચ્યા હતા. જો કે કલેક્ટર ડો. કુલદીપ આર્યએ ઉતાવળિયું વલણ અપનાવતા જગદીશ ઠાકોર બગડ્યા હતા. કલેક્ટરની વિરુદ્ધમાં જ સૂત્રોચારો શરૂ કરી દીધા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટનગર ગાંધીનગરમાં આજે કોંગ્રેસ દ્વારા કોવિડ ન્યાય યાત્રા કાઢીને ભારે સૂત્રોચારો સાથે સરકારનો વિરોધ કરાયો હતો. આ ન્યાય યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસના ધારાસભ્યો તેમજ મહિલા કાર્યકરો દ્વારા સત્યાગ્રહ છાવણીથી પદયાત્રા યોજીને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. 


આ સંદર્ભે કોંગ્રેસે માંગણી કરી હતી કે, સરકાર કોવિડ મહામારીના કારણે મોતને ભેટેલા મૃતકોના સ્વજનોને 50 હજાર સહાય ચૂકવી રહી છે, જે બહુ જ ઓછી છે. મૃતકોના સ્વજનોને ચાર લાખની સહાય મળી રહે તેવી અમારી માંગણી છે. ત્યારે આજે પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરની આગેવાનીમાં કોંગ્રેસના ધારાસભ્યો તેમજ આગેવાનો જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા હતા.


આ તબક્કે કલેક્ટર ડો. કુલદીપ આર્ય દ્વારા ઉતાવળિયું વલણ અપનાવવામાં આવ્યું હતું. જેનાં કારણે પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર એકદમ ઉભા થઈ ગયા હતા. કલેક્ટર પર બગડ્યા હતા. કલેક્ટરને હિન્દી ભાષામાં સંભળાવી દીધું હતું કે, 'રાજકોટ વાલી કરોંગે બેઠે બેઠે. દો વિધાયક આયે હૈ, કોંગ્રેસ કા પ્રેસિડેન્ટ આયા હુઆ હૈ ઔર આપ દો મિનિટ કા ટાઈમ નહીં દેતે. જલ્દી બતાયીયે યે ક્યાં હૈ. કહીને જગદીશ ઠાકોરે 'કલેક્ટર તેરી દાદાગીરી નહીં ચલેગી'નાં નારા લગાવતા જ કોંગ્રેસ કાર્યકરોએ કલેક્ટર વિરુદ્ધ નારા લગાવી કલેક્ટર કચેરી બહાર આવી ગયા હતા.