AAPના નેતાઓને કોર્ટમાં રજૂ કરાયા, નિખિલ સવાણી સહિત 9 કાર્યકરોને જ્યુડી.કસ્ટડીમાં મોકલ્યા
નોંધનીય છે કે ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક મામલે આમ આદમી પાર્ટી(AAP)ના નેતાઓ દ્વારા ગાંધીનગરમાં કરાયેલા વિરોધપ્રદર્શન મામલે 6 આગેવાન સહિત 70 જેટલા કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે.
બ્રિજેશ દોશી/ગાંધીનગર: આપના નેતા સહિત કાર્યકરોને આજે કોર્ટમાં હાજર કરાયા છે. આપના નેતા ઈશુદાન ગઢવી, પ્રવીણ રામ, ગોપાલ ઇટાલીયા સહિતના લોકોને SP કચેરીથી કોર્ટમાં રજૂ કરાયા છે. તમામનું મેડિકલ ચેકઅપ કરી કોર્ટ લઈ જવાયા છે. ગઈકાલે મોડી રાત્રે મહિલાઓને જજ સમક્ષ હાજર કરાયા હતા. પરંતુ મહિલાઓને જામીન ના મળતા સેન્ટ્રલ જેલ લઈ જવાયા હતા. નિખિલ સવાણી સહિત 9 કાર્યકરોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે.
આ વિશે જાણવા મળી રહ્યું છે કે ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક મામલે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું, જે મામલે 6 આગેવાન સહિત 70 જેટલા કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં છે. જ્યાં ઈસુદાન, પ્રવીણ રામ, ગોપાલ ઇટાલીયા સહિતના લોકોને કોર્ટમાં હાજર કરાયા હતા. જ્યાં તમામ લોકોના જામીન ના મંજૂર કરાયા અને તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકવામાં આવ્યા છે.
જાણો શું હતી સમગ્ર ઘટના?
ગુજરાત આપ દ્વારા ભાજપનાં હેડક્વાર્ટર કમલમ્ ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. જેના પગલે કમલમ ખાતે મોટા પ્રમાણમાં આપના કાર્યકરો ઉમટી પડ્યા હતા. ભાજપ વિરોધી સુત્રો પણ લગાવ્યા હતા. જો કે ભાજપનાં કાર્યકરો પણ મોટા પ્રમાણમાં ઉમટી પડતા ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. ઝપાઝપી અને બોલાચાલી થઇ હતી. જેના કારણે બંન્ને કાર્યકરો વચ્ચે વધી રહેલું ઘર્ષણ જોઇને પોલીસને બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી. સ્થાનિક પોલીસ દ્વારા વધી રહેલું ઘર્ષણ જોઇને બળપ્રયોગ કરવામાં આવ્યો હતો. આપ અને ભાજપના કાર્યકરોને તથા આપના કાર્યકરોને વિખેર્યા હતા. પોલીસના બળપ્રયોગથી થોડા સમય માટે ભાગા ભાગી અને દોડાદોડીનું વાતાવરણ સર્જાયું હતું. તો બીજી તરફ પોલીસે બાકી રહેલા આપના કાર્યકરોની અટકાયત કરી હતી. જો કે આ તમામ ઘટનાક્રમ વચ્ચે ભાજપના નેતા શ્રદ્ધા રાજપુતે આપના નેતા ઇસુદાન ગઢવી નશાની હાલતમાં હોવાનો આરોપ લગાવ્યો હતો.
શ્રદ્ધા રાજપુતે આરોપ લગાવ્યો કે, આપના નેતા ઇશુદાન ગઢવી નશાની હાલતમાં હતા. તેમણે નશાની હાલતમાં આ યુવા નેતાની છેડતી પણ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. જેના પગલે ચકચાર મચી ગઇ હતી. શ્રદ્ધા રાજપુતની અરજી મળતાની સાથે જ પોલીસે ઇસુદાન ગઢવીને ઉઠાવી લીધા હતા. તેમને સીધા જ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે ખસેડવામાં આવ્યા હતા. શ્રદ્ધા રાજપુતે ઇસુદાન ગઢવી દારૂનાં નશામાં ચકચુર હોવાનો આરોપ લગાવ્યો હતો. જેના પગલે હાલ રાજકારણ ગરમાયું છે.
AAPના નેતાઓ સામે પોલીસ દ્વારા અલગ અલગ કુલ 18 જેટલી કલમો લગાડી તેમની સામે ધરપકડ કરવામાં આવી છે. આ મામલે આમ આદમી પાર્ટી તરફથી હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. પરંતુ આજે જાણવા મળી રહ્યું છે કે આમ આદમી પાર્ટી પણ ફરિયાદ દાખલ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube