• રાજ્યની જેલોમાં રહેલી મહિલા કેદીઓ અને 60 વર્ષ કે તેથી વધુ વયના પુરૂષ કેદીઓને દિવાળીમાં 15 દિવસની પેરોલ મુક્તિ મળશે

  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ગંભીર ગુના સિવાયના કેદીઓ ઘર પરિવાર સાથે દિવાળી તહેવારો ઉજવી શકે તેવો ઉદાત્ત હિત ભાવ દર્શાવતા મુખ્યમંત્રી

  • 120 પુરૂષો, 61 મહિલા સહિત કુલ 181 કેદીઓને મળશે લાભ


ઝી મીડિયા/બ્યૂરો :દિવાળી પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (bhupendra patel) નો રાજ્યના કેદીઓ માટે સ્તુત્ય નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જેલોમાં રહેલા અને ગંભીર ગુના સિવાયના કેદીઓ પોતાના ઘર, પરિવાર સાથે દિપાવલી (Diwali) ના તહેવારો ઉજવી શકે તેવી સંવેદનાથી એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 


ભૂપેન્દ્ર પટેલે રાજ્ય (Gujarat) માં જેલ સુધારણા અને કેદીઓની (prisoners) કલ્યાણ પ્રવૃત્તિઓના ભાગરૂપે આ વર્ષે દિવાળીના તહેવારો નિમિત્તે કેદીઓ તેમના પરિવારજનો સાથે ખુશાલીથી તહેવારો ઉજવી શકે તે માટે રાજ્યની તમામ જેલોમાં સજા ભોગવી રહેલા પાત્રતા ધરાવતા તમામ મહિલા કેદીઓ તેમજ 60 વર્ષ કે તેથી વધુ વયના પુરૂષ કેદીઓને  ધનતેરસથી પંદર દિવસ માટે નિયમાનુસાર શરતો, જામીન લઇ પેરોલ મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે.


મુખ્યમંત્રીના આ ઉદાત્ત અભિગમના પરિણામે રાજ્યની જુદી જુદી જેલોમાં રહેલા 61 મહિલા કેદીઓ તેમજ 60 વર્ષથી વધુની વયના અંદાજે 120 પુરૂષ કેદીઓ સહિત કુલ 181 લોકોને પરિવાર સાથે દિવાળી ઉજવવાનો લાભ મળશે.  


આ નિર્ણયનો લાભ કેટલાક ચોક્કસ પ્રકારના ગંભીર ગુના હેઠળના કેદીઓને મળવાપાત્ર થશે નહિ. આવા ગુનાઓમાં એન.ડી.પી.એસ. એકટ હેઠળના ગુનાવાળા કેદીઓ, ટાડા તથા પોટા હેઠળના ગુનાવાળા કેદીઓ, હાઇકોર્ટમાં અપીલ કરી હોય તેવા કેદીઓ, એન.આર.આઇ. કેદીઓ, વિદેશી કેદીઓ, આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ કેદીઓ, સમાજ વિરોધી ગુનાના કેદીઓ સહિતના ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે.