ગુજરાતમાં બનેલી ઈન્વેસ્ટીગેટિવ વાન દેશભરમાં ગુનાઓના ભેદ ખોલશે
- ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબ દ્વારા તૈયાર કરેલી ખાસ 500 થી વધુ વાન દેશભરની પોલીસ ગુનો શોધવા માટે ઉપયોગ કરશે
હિતલ પારેખ/ગાંધીનગર :ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને ફોરેન્સિક સાયન્સ લેબના સંયુક્ત નિષ્ણાતો દ્વારા 2009 માં ગુજરાત પોલીસ માટે ખાસ ઇન્વેસ્ટિગેટિવ વાન બનાવવામાં આવી હતી. આ વાનમાં ગુનાહિત સ્થળે મહત્વના પુરાવાઓ એકત્રિત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી હતી. જેમાં આરડીએક્સ વિસ્ફોટથી લઈને ડ્રગ્સની ચકાસણી અને આરોપી સાથે જોડાયેલા પુરાવાઓ એકત્રિત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી હતી.
આ પણ વાંચો : ગુજરાતના વઢવાણમાંથી મળી દેશની સૌથી લાંબી ‘રૂપસુંદરી’
જોકે ગુજરાત પોલીસને આ વાનના કારણે મળેલી સફળતાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારની દરખાસ્ત ઉપર બીજી 55 તૈયાર કરવામાં આવી હતી. જે અત્યારે દેશભરમાં ગંભીર ગુનાઓ ઉકેલવામાં ઉપયોગી સાબિત થઇ રહી છે. હવે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને નેશનલનો દરજ્જો મળ્યો છે. તેના કારણે દેશભરમાં અતિઆધુનિક ટેક્નોલોજીથી સજ્જ 500 વાન તૈયાર કરવાની તૈયારી ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીએ બતાવી છે.
સામાન્ય રીતે એક વાર આ વાન તૈયાર કરવામાં ઓછામાં ઓછા 25 લાખથી વધુનો ખર્ચ થાય છે. આ વાનમાં બ્લડ રિપોર્ટથી માંડીને રાજ્ય સરકાર દ્વારા ડ્રગ્સની ગુણવત્તા કે આરડીએક્સની તીવ્રતા પણ પ્રાથમિક રીતે નક્કી કરી શકાય છે.
આ પણ વાંચો : ભાવનગર વલ્લભીપુર હાઈવે પર જોરદાર અકસ્માત, કાર-રીક્ષા બંન્ને ભાંગીને ભુક્કો થયા
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે જ ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. દેશના અનેક બનાવો કે આતંકવાદી હુમલાઓમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સ લેબનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માત્ર દેશમાં જ નહિ, અનેક દેશો સાથે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કામગીરી કરી રહી છે.