ગાંધીનગરઃ વડાપ્રધાનના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેન માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જમીન સંપાદનને લઈને ઉઠેલા ખેડૂતોના વિરોધને પગલે સરકારે બમણા વળતરની જાહેરાત કરી છે. મહેસૂલ પ્રધાન કૌશિક પટેલની જાહેરાત પ્રમાણે હવે ગ્રામ્ય વિસ્તારમાં જમીન સંપાદન માટે ચાર ગણું વળતર ચુકવવામાં આવશે. જ્યારે શહેરી વિસ્તારમાં જમીન સંપાદીત કરનાર લોકોને બે ગણું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. જમીનની મૂળ કિંમતના 25 ટકા વધુ આપવાની જાહેરાત મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે મીડિયા સાથે સરકારે લીધેલા નિર્ણયોની વિગત આપતા જણાવ્યું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન માટે સમાવેશ થતા ગામડાઓએ રાજ્ય સરકારને વધુ વળતર ચુકવવા માટે રજૂઆત કરી હતી. તેમની આ રજૂઆતોને ધ્યાનમાં રાખીને રાજ્યસરકારે આ નિર્ણય કર્યો છે. 


આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન પ્રક્રિયા ઝડપથી થાય તે માટે શહેરી વિસ્તાર સત્તા મંડળ/શહેરી વિકાસ સત્તા મંડળને ગ્રામ્ય વિસ્તારનો લાભ મળશે. સાથે સાથે જે ખેડૂતોની જમીન સંપાદીત થશે ભારત સરકારની નીતિ મુજબ તેને બજાર કિંમતના શહેરી વિસ્તાર માટે બે ગણા અને ગ્રામ્ય વિસ્તાર માટે ચાર ગણી કિંમતનો વળતરનો લાભ મળશે. એજ રીતે સંમતિ એવોર્ડ માટે પણ જે મૂળ એવોર્ડની કિંમત હશે તેમાં વધારાના ૨૫ ટકા કિંમતના વળતરનો લાભ આપવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.


ભારત સરકારે દેશની પ્રથમ બુલેટ ટ્રેન શરૂ કરવા માટે જાપાન સાથે કરાર કર્યો છે. આ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડશે. પરંતુ ટ્રેનના રૂટ માટે જમીન સંપાદન કરવાને લઈને ઘણી જગ્યાએ ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ત્યારે રાજ્ય સરકાર આ નારાજ ખેડૂતોને વધારે વળતર આપવા માટે સરકાર તૈયાર થઈ છે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને પણ લાભ મળશે.