ગુમ થયેલા PSI મામલે આઈબીના વડાનું નિવેદન, માનસિક ત્રાસના આરોપ ખોટા, હાજર થઈ પોતાનો પક્ષ કરે રજૂ
એકબાજુ પીએસઆઈ અનિલે પત્ર લખીને ઉપરી અધિકારીઓ પર આરોપ લગાવ્યા છે, તો બીજી બાજુ આઈબી દ્વારા પીએસઆઈ પર આરોપ લગાવ્યો છે.
ગાંધીનગરઃ રાયસણના શુકન હાઈટ્સમાં રહેતા પીએસઆઈ અનિલ જોધભાઈ પરમાર મંગળવારે સવારે નોકરી પર જવાનું કરીને નીકળ્યા બાદ ગુમ થઈ ગયા હતા. આ મામલે તેમના પરિવારજનો દ્વારા ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. પીએસઆઈએ ઉપરી અધિકારીઓ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. ગુમ થયેલા ગાંધીનગર આઈબીમાં ફરજ બજાવતા પીએસઆઈ અનિલ પરમારના મામલે આઈબીના વડાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ગુમ થયેલા પીએસઆઈ અનિલ પરમારે ઉચ્ચ અધિકારીઓના ત્રાસના આરોપને આઈબીના વડા આર.બી બ્રહ્મભટ્ટે ખોટા ગણાવ્યા છે. આઈબીના વડાનું કહેવું છે કે, પીએસઆઈને કોઈ પણ પ્રકારનો માનસિક ત્રાસ આપવામાં નહતો આવતો. તેઓ 26મી જાન્યુઆરીની પરેડમાં ગેરહાજર રહ્યા હોવાથી દંડ કરાયો હતો. આ સિવાય કોઈ પગલાં કે નોટિસ અપાઈ નથી. સાથે જ વડાએ કહ્યું છે કે અનિલ પરમાર જ્યારે ખંભાળિયામાં ફરજ બજાવતા હતા ત્યારે તેમનું નામ ખાણ ખનીજ સાથે સંડોવાયું હોવાની ફરિયાદ મળી હતી. હાલ ફરિયાદના આધારે તેમની શોધખોળ ચાલી રહી છે.
આઈબીએ પીએસઆઈ પર લગાવ્યો આરોપ
એકબાજુ પીએસઆઈ અનિલે પત્ર લખીને ઉપરી અધિકારીઓ પર આરોપ લગાવ્યા છે, તો બીજી બાજુ આઈબી દ્વારા પીએસઆઈ પર આરોપ લગાવ્યો છે. પત્રકારો સાથે વાત કરતા આઈબીના વડાએ કહ્યું કે, પીએસઆઈ અનિલ ગેરકાયદે પ્રવૃતિઓ સાથે સંકળાયેલા હતા. આ કારણે તેમની બદલી કરવામાં આવી હતી. તેઓ જ્યારે ખંભાળિયામાં ફરજ બજાવતા હતા ત્યારે તેમને પૈસાની લેતી દેતી મામલે વિવાદ થયો હતો. આ માટે તેમની વિરુદ્ધ શો-કોઝ નોટિસ પણ પાઠવવામાં આવી હતી.
આઈબીના વડાએ કહ્યું કે, પીએસઆઈ અનિલ હાજર થઈને પોતાનો પક્ષ રજૂ કરી શકે છે. હાલમાં એલસીબી તેમની શોધખોળ કરી રહી છે.
ગુમ PSI અનિલ પરમારની અક્ષરસહ ચિઠ્ઠી
'ગોડફાધર હોય તેને કાંઈ નહીં, મારા જેવાને સામાન્ય વાતમાં સજા'
અમદાવાદ, બુધવાર
હુ આ ખાતામાં આવ્યો ત્યારથી જોવું છું કે જેના ગોડ ફાધર હોય છે. તે લોકો ગમે તે કરે તેને કાંઇ નહી, અને મારા જેવા કે જેનો કોઇ હાથ પકનાર ન હોય તેને સામાન્ય વાતમાં પણ મોટી સજા. કીડીને કોશનો ડામ આ ક્યાંનો ન્યાય, ઉપરી અધિકારીઓ તેમને આપેલ સત્તાનો દુરપયોગ કરે છે. અને કોઇની જિંદગી બરબાદ કરી નાંખે છે. જેમકે મારી જિંદગી સવાણી સાહેબ તથા હરિક્રૃષ્ણ પટેલ સાહેબે કરી નાંખી મને વાત વાતમાં નિયમો બતાવી ધમકાવવામાં આવતો અમારા એ.સી.આઈ. નિતાબેન દેસાઈ સાહેબે પણ મને માનસિક ટોર્ચર કરવાની એક પણ તક જતી નથી કરી કેમ કે ડીવાયએસપી જુલી કોઠીયા તેમની બેચ મેટ અને મિત્ર છે. ઓફીસમાં બધા જીન્સ પહેરી આવે તે ચાલે પણ હું પહેરૃ તો મને નિયમો બતાવી ધમકાવવામાં આવતો જાણે કે મારા એકલા માટે જ નિયમો બન્યા હોય અને કહે કે તમે ઓફીસ ટાઈમથી ત્રણ મિનિટ વહેલા નિકળી ગયા. આશા હું શું કરૃ આવું બધું સહન કરી કરી હવે હું થાકી ગયો છું. મને લાગતું મને ન્યાય મળશે પણ ન્યાય કરનાર જ અન્યાય કરે તો હું ક્યા જાવ.
'મને હેરાન કરનાર હરીકૃષ્ણ પટેલ, આર.જે. સવાણી, જુલી કોઠીયા અને નિતા દેસાઈ તેમજ ખોટી અરજી કરનારાઓ સામે કાર્યવાહી કરી ન્યાય અપાવજો'
આશા હું તને અધવચ્ચે છોડીને જાવ છું મને માફ કરે જ ને મારી કાળજાના કટકા જેવી દિકરી માહીનું ધ્યાન રાખજે. હું મારી દિકરીનો પણ ગુનેગાર છું કેમકે હું એવા સમયે તેને છોડી જાવ છું કે જ્યારે તેને મારા હાથની જરૃર છે. દિકરી તારા આ બાપને માફ કરજે. આશા મને ખબર છે કે તું એકલી હોઈશ તો તું આ આઘાત સહન નહીં કરી શકે એટલે મે જુનાગઢથી રાજેશભાઈને કામના બહાને બોલાવ્યા છે. હું કાઈ કાયર નથી પણ આ બધા અધિકારીઓએ મને એટલો હેરાન કર્યો છે કે હું મારા ઉપરનો કાબૂ ગુમાવી બેઠો છું. હું મારી દિકરીના સમ ખાય કવ છું કે મેં ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું. ઉપરના બધા આક્ષેપો ખોટા ને ઉપજાવી કાઢેલા છે જેમ મરનાર ખોટું ના બોલે તેમ હું પણ સાચુ કવ છું. મારા બધા પરીવારજનો મારા બાબતે દુઃખી ન થતા ધ્યાન રાખજો ને સમર્થ તું ભણવામાં ધ્યાન રાખજે ને મોટો થઈ પોલીસ ખાતા સિવાય ગમે તે નોકરી કર જે. મારા મોટાભાઈ, ભાભી હું તમારો ગુન્હેગાર છું મને માફ કરજો.
રાજુ તને મારી અરજ છે કે મને હેરાન કરનાર હરીકૃષ્ણ પટેલ, આર.જે. સવાણી, જુલી કોઠીયા અને નિતા દેસાઈ તેમજ મારી સામે ખોટી અરજી કરનાર કરશન જોગલ, ગોવિંદ સોલંકી તથા રામ મોડેદરા આ બધા સામે કાયદેસર કાર્યવાહી કરી મને ન્યાય અપાવવાની કોશિષ કરજે.
રાજુ મારી ખાતાકીય તપાસની ફાઈલમાં એક ચીઠી છે તે જો જે ને મને ન્યાય મળે તેવું કરજે. હું ફરી કવ છું કે હું કાયર નથી પણ આ લોકો વચ્ચે રહી મારે નોકરી કરવાની છે ને મને તેવો ક્યાક ને ક્યાક ફસાવતા જ જશે તો હું શું કરૃ? હું પણ મારા મિત્ર ASI શ્રી જાડેજાની જેમ નોકરી કરી શકું તેમ નથી. મને માફ કરજો. વધુ એક માળો વિખાય ગયો. આશા માહિનું ધ્યાન રાખજે. અલવિદા...
''તેરી દુનિયાસે હો કર મજબૂર ચલા મેં બહોત દૂર બહોત દૂર ચલા'' - અનિલ
ગાંધીનગર ખાતેથી ઇન્ટેલીજન્સ બ્યૂરોમાં ફરજ બજાવતા પીએસઆઇ અનિલ જોધાભાઇ પરમારે ચીઠ્ઠી લખી ગુમ થઇ ગયા છે, ચીઠ્ઠીમાં તેઓએ ઉપરી અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના આરોપ લગાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યા બાદ ઇન્ટેલીજન્સ બ્યૂરોના વડા આર બી બ્રહ્મભટ્ટ દ્વારા પત્રકાર પરિષદ યોજવાની ફરજ પડી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે પીએસઆઇ અનિલ પરમાર દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા છે.