પોલીસ ભરતીના નિયમોમાં કરાયેલા ફેરફારથી ઉમેદવારો નારાજ, મેરીટ લિસ્ટને લઈને ઉઠાવ્યા સવાલ
PSI - ASI ની 1382 પદો પર ભરતી પ્રક્રિયાને લઈ યુવાનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. માર્ચ 2021માં પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી જાહેર કરાઈ હતી. હાલ મેદાન પર પુરુષ અને મહિલા ઉમેદવાર માટે મહત્વપૂર્ણ એવી દોડ માટે ઉમેદવારો પરસેવો પાડી રહ્યા છે. ત્યારે ભરતીના નિયમોમાં કરાયેલા ફેરફારને લઈ ઉમેદવારોમાં નારાજગી વ્યાપી છે. 25 મિનિટમાં 5 કિમિ. દોડ પૂર્ણ કરનાર પુરુષ ઉમેદવારો અને 9.30 મિનિટમાં 1600 મીટર દોડ પૂર્ણ કરનાર મહિલા ઉમેદવારોનું મેરીટ લિસ્ટ બનાવાશે, જેનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે.
અતુલ તિવારી/અમદાવાદ :PSI - ASI ની 1382 પદો પર ભરતી પ્રક્રિયાને લઈ યુવાનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. માર્ચ 2021માં પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી જાહેર કરાઈ હતી. હાલ મેદાન પર પુરુષ અને મહિલા ઉમેદવાર માટે મહત્વપૂર્ણ એવી દોડ માટે ઉમેદવારો પરસેવો પાડી રહ્યા છે. ત્યારે ભરતીના નિયમોમાં કરાયેલા ફેરફારને લઈ ઉમેદવારોમાં નારાજગી વ્યાપી છે. 25 મિનિટમાં 5 કિમિ. દોડ પૂર્ણ કરનાર પુરુષ ઉમેદવારો અને 9.30 મિનિટમાં 1600 મીટર દોડ પૂર્ણ કરનાર મહિલા ઉમેદવારોનું મેરીટ લિસ્ટ બનાવાશે, જેનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે.
અગાઉ દોડમાં પાસ થનાર ઉમેદવારોનું મેરીટ લિસ્ટ નહતું બનાવાતું. તેમનો સીધો સમાવેશ આગામી કસોટી માટે કરાતો હતો. જો કે આ વખતે યોજાનારી ભરતીમાં કુલ જગ્યા કરતા 15 ગણા ઉમેદવારોને જ દોડમાં પસંદ કરી આગામી લેખિત કસોટી માટે પસંદગી કરાશે તેવો નિર્ણય લેવાયો છે. ઝી 24 કલાક સાથે વાત કરતા ઉમેદવારોએ કહ્યું કે, કુલ ભરતીની જગ્યા સામે 15 ગણા ઉમેદવારોને જ શારીરિક કસોટી બાદ મેરીટમાં લેવાશે. આવું ના હોવું જોઈએ, શારીરિક કસોટીમાં જે સમય નિશ્ચિત કરાયો છે એ સમયમાં જે પણ પાસ થાય છે એમને લેખિત કસોટી માટે તક આપવી જોઈએ. માત્ર શારીરિક ક્ષમતાથી જ મેરીટ બનાવાશે તો નોલેજેબલ ઉમેદવારો મળવા મુશ્કેલ બનશે, નિશ્ચિત સમયમાં દોડ પૂર્ણ કરનાર તમામ ઉમેદવારો સક્ષમ જ હોય છે.
આ પણ વાંચો : તમારી ગર્લફ્રેન્ડને ગાંધીનગરમાં ફરતા લઈ જતા પહેલા સાવધાન, કુંવારા રહી ગયેલા યુવકે એવો ત્રાસ મચાવ્યો કે...
જે પુરુષ ઉમેદવાર 20 મિનિટમાં દોડ પૂર્ણ કરશે તેમને 50 માર્ક આપવામાં આવશે. એ જ રીતે મહિલા ઉમેદવારોમાં જે 8 મિનિટમાં 1600 મીટર દોડ પૂર્ણ કરશે એમને 50 માર્ક આપવામાં આવશે, ત્યારે 15 ગણા જ ઉમેદવાર લેવાનો કોઈ તલબ નથી. માર્કિંગ સિસ્ટમ ભરતી બોર્ડ દ્વારા બનાવાઈ છે, તો જે તે સમયમાં જે દોડ પૂર્ણ કરશે એમનો એ જ રીતે મેરિટમાં સમાવેશ થવાનો છે તો ક્રાઇટેરિયા મુજબ નિશ્ચિત સમયમાં જે દોડ પુરી કરે તેમને તક આપવી જ જોઈએ.
ઉમેદવારોએ જણાવ્યું કે, અગાઉ દોડમાં જે નિશ્ચિત સમયમાં પાસ થતા હતા તે તમામનો આગામી કસોટીમાં સમાવેશ થતો હતો, પરંતુ હાલ જે પાસ થશે એમાં પણ મેરીટ બનાવાશે એવો બદલાવ કરાયો છે, જે યોગ્ય નથી. સરકારને વિનંતી છે કે એમાં વિચારણા કરી નિયમમાં બદલાવ કરે, આ અંગે અમને હાઇકોર્ટથી પણ મદદની અપેક્ષા છે.
આ પણ વાંચો : ગંભીર બીમારી હોવા છતા આ અમદાવાદી દીકરીના જુસ્સાને સલામ, દિવાળીમાં કરશે લોકોના ઘર રોશન
ઉમેદવારોએ કહ્યું કે, કોરોનાને કારણે અમારી પ્રેક્ટિસમાં વિક્ષેપ પડ્યો, પરંતુ ફરી એકવાર અમે સવારે 4 વાગ્યાથી પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. આશા છે કે હવે આ ભરતી ઝડપથી કોઈ વિવાદ વગર પુરી કરવામાં આવે. તો કેટલાક ઉમેદવારોએ કહ્યું કે ભરતી બોર્ડ દ્વારા જે જાહેરાત કરાઈ હતી એ મુજબ અમે સતત ઓછામાં ઓછા સમયમાં દોડ પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ 15 ગણાના નિયમથી હોશિયાર ઉમેદવારો સાથે અન્યાય થશે.
ઉમેદવારોએ કહ્યું કે કોરોનાકાળને કારણે ભરતીની જાહેરાત બાદ પ્રક્રિયા શરૂ ના થતાં અમે પરેશાન છીએ, સરકાર અને હાઇકોર્ટ દોડ મામલે 15 ગણા ઉમેદવારોને જ સિલેક્ટ કરવા અંગેના નિયમ અંગે સ્પષ્ટતા કરે અને અમારી કસોટી ઝડપથી પૂર્ણ કરે.