ગાંધીનગર : ગુજરાતીઓમાં અમેરિકા જવાનું ઘેલુ ઓછું થતુ નથી. કલોલના ડિંડોચાના એક જ પરિવારના ચાર લોકોના મોતની ઘટના હજી તાજી છે, ત્યાં અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરતા ગુજરાતી યુવકનું મોત નિપજ્યું છે. અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરતા કલોલના યુવાનનું મોત નિપજ્યું છે. 30 ફૂટ ઊંચી દિવાલ પરથી પટકાતા કલોલના બ્રિજકુમાર નામના યુવકનું મોત થયું છે. બ્રિજકુમાર તેની પત્ની અને પુત્ર સાથે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશી રહ્યા હતા. કલોલનો આ પરિવાર વાયા મેક્સિકો થઈને અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ કરી રહ્યો હતો. ત્યારે આ ઘટના બની હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દર વર્ષે અનેક ગુજરાતીઓ વિદેશોમાં સ્થાયી થવા માંગે છે. જેમાં ગુજરાતીઓની સૈૌથી વધુ ઘેલુ અમેરિકાનું હોય છે. અમેરિકા સ્થાયી થવા માટે હવે ગુજરાતીઓ એવા રસ્તા અપનાવવા લાગ્યા છે, જ્યાં તેઓ સીધા મોતને ભેટે છે. દર વર્ષે અનેક ગુજરાતીઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ મેળવે છે. હજી ગત વર્ષે જ કલોલનો એક પરિવાર આ રીતે કેનેડામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા જતા મોતને ભેટ્યો હતો. ત્યારે હવે કલોલનો બીજો એક પરિવાર હણાયો છે. કલોલની જીઆઈડીસીમાં નોકરી કરતા બ્રિજકુમાર નામના યુવકને યેનકેન પ્રકારે અમેરિકા પહોંચવુ હતું, જેથી તેઓએ એજન્ટનો સંપર્ક કર્યો હતો. એજન્ટ દ્વારા તેઓ પરિવાર સાથે અમેરિકા જવા નીકળી ગયા હતા. બ્રિજકુમાર, તેમના પત્ની અને પુત્ર તેમની સાથે હતા.



શું બન્યું હતું
હાલ ડિસેમ્બરનો મહિનો હોવાથી હિમવર્ષનો માહોલ છે. આવામાં એજન્ટ વાયા મેક્સિકો થઈને અમેરિકામાં પ્રવેશ કરાવે છે. અમેરિકા અને મેક્સિકો વચ્ચે આવેલી ટ્રમ્પ વોલ પર આ ઘટના બની હતી. બ્રિજકુમાર અને તેનો પરિવાર વોલ પરથી જઈ રહ્યો હતો, ત્યારે તેઓ નીચે પટકાયા હતા. આ ઘટનામાં બ્રિજકુમારનું મોત નિપજ્યુ છે. તો બ્રિજકુમારની પત્ની અને 3 વર્ષનો પુત્ર મેક્સિકોની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 


સમગ્ર મામલે ગાંધીનગર અધિક નિવાસી કલેક્ટરે નોંધ લીધી છે. કલેક્ટર ભરત જોશીએ ગેરકાયદેસર પ્રવેશની ઘટનાને લઈને તપાસના આદેશ આપ્યા છે. કલોલમાં સતત બની રહેલી આ ઘટનાઓ હવે મોટો પ્રશ્ન ઉભો કરે છે.