હિતલ પરીખ/ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર અને સભ્ય પદેથી પ્રવીણ પટેલનું રાજીનામુ આપતા કોર્પોરેશનમાં પ્રવાહી પરિસ્થિતિ સર્જાઈ છે. પાલિકાના વોર્ડ નં 3ની એક બેઠક ખાલી પડતા ત્યાં પેટા ચૂંટણી આપવી પડશે. સાથે જ શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે માત્ર એકનો જ તફાવત રહ્યો છે. હવે ભાજપના 16 અને કૉંગ્રેસના 15 કોર્પોરેટર મનપામાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરૂઆતથી જ મનપાનું શાસન ઉતારચઢાવમાં રહેલું છે. કૉંગ્રેસના સિમ્બોલ પર ચૂંટાયેલા પ્રવીણ પટેલે પક્ષ પરિવર્તન કરી ભાજપમાં ગયા હતા અને ત્યાં મેયર પદ મેળવ્યું. એ પહેલાં કુલ 32 માંથી બંન્ને પક્ષને 16 - 16 બેઠક મળી હતી. પ્રવીણ પટેલના ભાજપમાં આવવાથી 17 ભાજપ પાસે, જ્યારે કૉંગ્રેસ 15 પર આવી ગઈ હતી. પરંતુ મામલો પહેલા પક્ષણતર ધારાને લઈ નામો નિર્દિષ્ટ અધિકારી અને ત્યારબાદ હાઇકોર્ટમાં પોહોંચ્યો હતો. એનો ચુકાદો આવે તે પહેલા જ પ્રવીણ પટેલનું રાજીનામુ પડ્યું છે. 


આ પ્રક્રિયા ચાલતી હતી તે દરમિયાન કોર્પોરેશનની મળેલી સામાન્ય સભામાં આગામી અઢી વર્ષની ટર્મ માટે મહિલા મેયરની રીટા પટેલ તરીકે વરણી કરી હતી. જો કે કોર્ટની કાર્યવાહીને કારણે તેઓ સત્તાવાર રીતે હોદ્દો ગ્રહણ કરી શકતા ન હતા, જેથી હવે સ્થિતિ બદલાઈ શકે છે. પોતે પક્ષના દબાણવશ રાજીનામુ નથી આપ્યું તેવી સ્પષ્ટતા સાથે પ્રવીણ પટેલે તેવી પણ જાહેરાત કરી કે, તેઓ મનપાની ચૂંટણી નહિ લડે. તો સામે વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બીહોલાએ આક્ષેપ કર્યો કે ભાજપની આ આંતરિક લડાઈનું પરિણામ છે. સતત અપમાનનો સામનો કરી રહેલા પ્રવિણભાઈએ મજબૂરીવશ રાજીનામુ આપવું પડ્યું. 


રાજીનામા બાદ પ્રવીણ પટેલે ઝી ન્યૂઝને કહ્યું કે, તેમણે વ્યક્તિગત કારણોસર રાજીનામુ આપ્યું છે. બીજુ કોઈ જ કારણ નથી. જોકે, બીજી તરફ પ્રવીણ પટેલ પક્ષ સાથેના મનદુખની વાત પર ઢાંકપીછોડો કરી રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.