સુરત: પતિ કનુભાઇ ગાંધીના નિધન બાદ સુરતના ભીમરાડમાં છેલ્લા બે વર્ષથી રહેતા ગાંધીજીના પૌત્રવધૂ શિવાલક્ષ્મીનું 95 વર્ષની જૈફ વયે ગ્લોબલ હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. છેલ્લા કેટલાક દિવસની તેમની તબિયત ખરાબ હતી. ત્યારે આજે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિવાલક્ષ્મી ગાંધી પોતાના પતિ કનુભાઇ ગાંધીના નિધન બાદ સુરતના ભીમરાડ ગામમાં એકલા રહેતા હતા. શિવાલક્ષ્મીને કોઇ સંતાન નથી. ગાંધીજીના ત્રીજા નંબરના દીકરા રામદાસને બે દીકરીઓ સુમિત્રાબેન અને ઉષાબેન ઉપરાંત એક દીકરો કનુભાઈ હતા. કનુભાઇના લગ્ન શિવાલક્ષ્મી સાથે થયા હતા. 2013માં કનુભાઈ શિવાલક્ષ્મી સાથે ભારત આવ્યા હતા. તેમને કોઈ સંતાન નથી. શરૂઆતમાં દિલ્હી, બેંગલોર અને મરોલી આશ્રમમાં રહ્યા બાદ 2014માં કનુભાઇ પત્ની સાથે સુરતના શ્રી ભારતી મૈયા આનંદધામ વૃદ્ધાશ્રમમાં આવી ગયા હતા. 


આ પહેલાં તે દિલ્હીથી લગભગ 50 કિમી દૂર કાદીપુર ગામમાં રહેતા હતા. પરંતુ થોડા વર્ષોથી તે સુરતના ભીમરાડ ગામમાં રહેવા લાગ્યા હતા. આ એજ ભીમરાડ ગામ છે જ્યાં દાંડી યાત્રા દરમિયાન મહાત્મા ગાંધી 1930માં એક મુઠ્ઠી મીઠું ઉઠાવીને અંગ્રેજોના મીઠાના કાયદાને તોડ્યો હતો, તે ગામના લોકો તેમની પૌત્રવધુ ડોક્ટર શિવા લક્ષ્મીની સેવા કરતા હતા. 


ભીમરાડ ગામમાં તેમના માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેના ખાવા-પીવાનું પુરતું ધ્યાન રાખવામાં આવતું હતું. 95 વર્ષીય શિવા લક્ષ્મી પોતાના સસરા મહાત્મા ગાંધીની યાદો સાથે જોડાયેલા આ ગામમાં ખુબ ખુશ હતા. તે ભોજનમાં ફળોનો જ્યૂસ, લીલી શાકભાજીનો સૂપ, દહી-કઢી ખાતા હતા. 



લગભગ 56 વર્ષ અમેરિકામાં પસાર કરનાર શિવા લક્ષ્મીને સવારે કસરત કરવાની ટેવ હતી, પરંતુ ઉંમર વધતાં આ ટેવ છૂટી ગઇ હતી. મહાત્મા ગાંધી પૌત્રવધુને કોઇ વસ્તુની તકલીફ ન પડે, એટલા માટે એક સેવાધારી છોકરીને તેમની પાસે 24 કલાક રાખવામાં આવતી, તેમની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખવામાં આવતું હતું. 


ઐતિહાસિક સ્મારક ભૂમિ જાહેર કરવાની કરી હતી માંગ
આ ભીમરાડ ગામમાં જ 9 એપ્રિલ 1930ના રોજ મહાત્મા ગાંધીએ 10 હજાર લોકોની હાજરીમાં એક જનસભાને સંબોધી હતી. આ દરમિયાન મહાત્મા ગાંધીના પૌત્ર કનુભાઇ નાના હતા અને દાંડી માર્ચ દરમિયાન મહાત્મા ગાંધી સાથે સમુદ્ર કિનારે એક ફોટો એકદમ લોકપ્રિય થયો હતો. શિવા લક્ષ્મીએ પણ પોતાના પિતા સાથે મીઠા સત્યાગ્રહમાં ભાગ લીધો હતો, ગાંધીજી અમદાવાદના સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી ગામમાં પગપાળા રવાના થયા હતા. 6 એપ્રિલ 1930ના રોજ તેમણે દાંડી પહોંચી એક જનસભા યોજી હતી. ત્યારબાદ ભીમરાડની મોટી જનસભામાં પહોંચ્યા હતા. ત્યાં પહેલાંથી જ દેશ-વિદેશના મીડિયાની હાજરી હતી. અહીં ગાંધીજીનો જમીન પરથી મીઠું ઉપાડતો ફોટો પાડવામાં આવ્યો હતો જે આખા વિશ્વના સમાચાર પત્રોમાં છપાયો હતો. રાષ્ટ્રપિતા અને આઝાદીની દ્વષ્ટિએ આ ભીમરાડ ગામ ખૂબ મહત્વ ધરાવે છે અને ગામવાળા તેને ઐતિહાસિક સ્મારક ભૂમિ જાહેર કરવાની માંગ કરી હતી.