વડોદરા ગેંગરેપ મુદ્દે નવો વિચિત્ર ફણગો ફુટ્યો: યુવતી કહ્યું કંઇ થયુ જ નથી
બોયફ્રેંડનો બર્થડે મનાવવા નવલખી મેદાનમાં ગયેલી યુવતી પર ગેંગરેપની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ હતી
વડોદરા : શહેરમાં ગેંગરેપનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. બોયફ્રેન્ડ સાથે બર્થડે મનાવવા માટે ગયેલી યુવતી પર અવાવરૂ સ્થળ પર કેટલાક લુખ્ખા તત્વોએ ગેંગરેપ કર્યો હોવાની ઘટના સામે આવી હતી. જો કે ભારે ચકચાર જગાવનારા આ કેસમાં અચાનક નવો વળાંક આવી ગયો છે. પોલીસ પુછપરછ દરમિયાન યુવતીએ જણાવ્યું કે, તેની સાથે ગેંગરેપ થયો જ નથી. જેનાં પગલે પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર વડોદરા શહેરનાં નવલખી મેદાનમાં ગત્ત સોમવારે પોતાનાં પુરૂષ મિત્રની બર્થડે મનાવવા માટે યુવતી ગઇ હતી. ત્યાર બાદ બંન્ને સાથે બેસીને વાતો કરી રહ્યા હતા ત્યારે અચાનક સિક્યુરિટી ગાર્ડ હોવાનું કહીને ત્રણ યુવકો ઘસી આવ્યા હતા. તેઓએ બંન્નેને ધમકાવ્યા હતા અને યુવતી તથા યુવક પાસેનાં મોબાઇલ ફોન તથા દાગીનાં કુલ મળીને 16 હજાર રૂપિયાની લૂંટ કરી હતી. ઉપરાંત યુવતીએ અગાઉ દાવો કર્યો હતો કે તેની સાથે ગેંગરેપ પણ થયો હતો.
યુવતીએ કેફીયત આપતા જણાવ્યું હતું કે, બોયફ્રેન્ડ સાથે બેઠી હતી ત્યારે અચાનક આવેલા ત્રણ શખ્સોએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ યુવતી અને તેનો બોયફ્રેંડ રોડ પર આવી પહોંચ્યા હતા. જ્યાં યુવકને તેનો મિત્ર મળ્યો હતો. જેથી તેમણે અન્ય એક મિત્રને ફોન કર્યો હતો. તેણે પોલીસ ફરિયાદ કરવા જણાવ્યું હતું. જો કે ગભરાઇ ગયેલા બંન્નેએ તે જ દિવસે ફરિયાદ ટાળી હતી. ત્યાર બાદ લક્ષ્ય ટ્રસ્ટ પાસે આ કિસ્સો પહોંચતા તેમણે યુવતીને સાંત્વના આપી રાવપુરા પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવવા માટે મનાવી હતી.
જો કે ગેંગરેપની ઘટના સામે આવતા ચોંકી ઉઠેલ પોલીસ તંત્રએ તાબડતોબ આ મુદ્દે કાર્યવાહી કરવા માટે દબાણ કર્યું હતું. યુવતીનાં બોયફ્રેંડ સહિત યુવતીનાં પરિવારની પણ બોલાવીને પુછપરછ હાથ ધરાવામાં આવી હતી. જો કે અચાનક યુવતીએ બોયફ્રેંડ સાથે બેઠી હતી ત્યારે માત્ર લૂંટ જ થઇ હતી બળાત્કાર નહી થયો હોવાની વાત કરી હતી. જેનાં કારણે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આખરે માત્ર લૂંટનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.