રવિ અગ્રવાલ/વડોદરા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનને વડોદરા કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓ ગંભીરતાથી લઈ રહ્યા નથી તેવું લાગી રહ્યું છે, કારણ કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 2016માં ખરીદાયેલી કચરાની હજારો ડોલ આજદિન સુધી લોકોને આપવામાં આવી નથી, જે ડોલ ધૂળ ખાઈને નકામી થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા કોર્પોરેશને વર્ષ 2016માં સ્વરછ ભારત મિશન અંતર્ગત લોકોના ઘરે ઘરે કચરાની લીલી અને લાલ કલરની ડોલ વિતરણ કરી હતી, જેમાં જે વ્યક્તિ વ્યવસાય વેરો ભરશે તેને ડોલ આપવામાં આવશે તેવી જાહેરાત કોર્પોરેશને કરી હતી. કોર્પોરેશને તમામ વોર્ડ દીઠ કરોડો રૂપિયાની કચરાની ડોલ ખરીદી હતી, જેમાંથી કેટલાક લોકોને ડોલ આપવામાં પણ આવી, પરંતુ જે લોકો બાકી રહી ગયા તેમને કચરાની ડોલ આપવાના બદલે પાલિકાના અધિકારીઓએ કોર્પોરેશનના ગોડાઉનમાં મૂકી દીધી.


આજે નાગરવાડા સ્થિત કોર્પોરેશનના ગોડાઉનમાં કચરાની ઢગલો ડોલ ધૂળ ખાતી જોવા મળી. કોર્પોરેશનનું ગોડાઉન તોડવાનું હોવાથી ડોલને અન્ય જગ્યા પર શિફ્ટ કરવામાં આવી રહી છે પણ સવાલ એ છે કે પ્રજાના ટેકસના રૂપિયાથી ખરીદાયેલી ડોલ કેમ આટલા વર્ષો સુધી પ્રજામાં વિતરણ ન કરવામાં આવી. સામાજિક કાર્યકર કમલેશ પરમારે કોર્પોરેશનની પોલ ખોલી નાંખી અને કોન્ટ્રાકટરને ફાયદો કરાવવા અને કટકી કરવા વધુ ડોલ ખરીદીને ભંગારમાં મૂકી દેવાઈ હોવાનો આક્ષેપ કર્યો.


વડોદરા કોર્પોરેશનનો ચાલુ વર્ષે સ્વરછતા સર્વેક્ષણમાં 14મો ક્રમાંક આવ્યો છે, જે અત્યાર સુધીનો સૌથી ખરાબ પ્રદર્શન છે. તાજેતરમાં કોર્પોરેશને સાફ સફાઈ માટે ખરીદેલી ઈ-રિક્ષા ભંગાર હાલતમાં મળી આવી, હવે કચરાની ડોલ ધૂળ ખાતી મળી આવી ત્યારે શું વડોદરા પાલિકાના અધિકારી શાસકો સફાઈ પ્રત્યે ગંભીર છે? તે સવાલો ઉઠવા પામી રહ્યા છે. કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનએ સમગ્ર ઘટનામાં કોર્પોરેશનની ભૂલ સ્વીકારીને દુઃખ વ્યક્ત કર્યું, સાથે જ જે તે જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી.


વડોદરામાં કોર્પોરેશને કચરાની ડોલ લોકોને આપવાના બહાને મસ્ત મોટું કૌભાંડ આચર્યું હોય તેવી ગંધ આવી રહી છે. એક તરફ પ્રધાનમંત્રી લોકોને સ્વરછતા પ્રત્યે જાગૃત કરી રહ્યા છે, બીજી તરફ વડોદરા કોર્પોરેશનના શાસકો અને અધિકારી પ્રધાનમંત્રીની વાતને ગંભીરતા નથી લઈ રહ્યા, ત્યારે શું આવી રીતે વડોદરા સ્વરછ થશે તે સવાલ ઉઠી રહ્યો છે.


જુઓ આ પણ વીડિયો: