Surat News ચેતન પટેલ/નવનીત દલવાડી/અમદાવાદ : મોંઘવારી એટલી વધી રહી છે, જેમાં ગેસા સિલિન્ડર પણ દિવસને દિવસે મોંઘા થઈ રહ્યાં છે. આવામાં ચોરી કરનારાઓએ ગેસ સિલિન્ડરને ટાર્ગેટ બનાવ્યા છે. સુરત અને ભાવનગરથી બે ચોંકાવનારા કિસ્સા સામે આવ્યાા છે. સુરતમાં કાપોદ્રા પોલીસે બંધ મકાનમાંથી ગેસના બાટલાની ચોરી કરતા શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપીએ ચોરી કરેલા 25 જેટલા ગેસના સિલિન્ડર પોલીસે જપ્ત કર્યા છે. આરોપી શહેરના કાપોદ્રા સહિત અલગ અલગ વિસ્તારમાં બંધ મકાનને ટાર્ગેટ કરી તેમાંથી ગેસના બાટલાની ચોરી કરતો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના PSI પી.જી. ડાયરા અને તેમની ટીમના માણસો અનડીટેકટ ગુના શોધવા માટે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે બાતમીના આધારે કાપોદ્રા પોલીસે રમેશ પરમાર નામના એક ઈસમને ઝડપી પાડ્યો હતો. રમેશ પરમાર બંધ મકાનમાંથી ગેસના બાટલાની ચોરી કરતો હતો. પોલીસે જ્યારે આરોપીને ઝડપી પાડ્યો ત્યારે તેની પાસે એક ગેસની બોટલ હતી. જેથી પોલીસે ગેસના બાટલાના ઓરીજિનલ બિલ, ચલણ કે પછી અન્ય માલિકીના પુરાવા માગતા આરોપી રમેશ પરમાર પાસે કોઈ પણ પુરાવો મળી આવ્યો ન હતો. તેથી પોલીસે આરોપી રમેશ પરમારની ધરપકડ કરી હતી.


રમેશ પરમારની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, તે સુરતના અલગ અલગ વિસ્તારમાંથી બપોરે તેમજ રાત્રિના સમયે બંધ મકાનના દરવાજા ચાવી વડે ખોલી ઘરની અંદરથી ગેસના બાટલાની ચોરી કરતો હતો. પોલીસે ચોરી કરેલા 25 સિલિન્ડર કબ્જે કર્યા હતા. કાપોદ્રા પોલીસ દ્વારા આરોપી રમેશ પરમાર પાસેથી 25 જેટલા ગેસના બાટલા કબજે કરવામાં આવ્યા હતા. જેની કિંમત 63,500 રૂપિયા થવા પામે છે. આ ઉપરાંત આરોપી ચોરી કરતા સમયે જે મોટર સાયકલનો ઉપયોગ કરતો હતો તે મોટર સાયકલ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી હતી. આમ પોલીસે 25 ગેસની બોટલ અને મોટર સાયકલ કુલ મળીને 88,500ના મુદ્દામાલ સાથે આરોપી રમેશ પરમારની ધરપકડ કરી છે તેવું એસીપી વીઆર પટેલે જણાવ્યું.


ભાવનગરમાં 1 સિલેન્ડરમાંથી 2 કરતા ઝડપાયા 
તો બીજી તરફ, ભાવનગર શહેરના બોરડીગેટ વિસ્તારમાંથી ગેસના ડબલ સિલિન્ડર કરતા બે શખ્સ ઝડપાયાં છે. ભાવનગર એસઓજી પોલીસે એક ગેસ સિલિન્ડરમાંથી ડબલ સિલિન્ડર કરતા બે ઇસમોને ઝડપી લીધા છે. શહેરના પ્રભુદાસ તળાવથી બોરડીગેટ રોડ પર ખાલી ભરેલો ગેસ સિલિન્ડર સામસામે રાખી ડબલ કરતા હતા. એસઓજી પોલીસને બાતમી મળતા સ્થળ તપાસમાં બંનેને પકડી લેવામાં આવ્યા છે. એસ.ઓ.જી પોલીસે હિતેશ ગોહીલ અને મુસા શેખને ગેસના 20 સિલિન્ડર, રિક્ષા સહિત 1 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.