આ ચહેરાને ઓળખો, ગમે ત્યારે છેતરી જશે! દરેક વખતે જામીન પર છૂટીને નકલી પોલીસ બની જાય છે આ મહાઠગ
પંચમહાલ અને અમદાવાદમાં નકલી પોલીસ બનીને છેતરતા ગઠિયાએ ડીસામાં નકલી પોલીસ બનીને ઠગાઈનો ધંધો શરૂ કર્યો. દરેક વખતે જામીન પર છૂટીને નકલી પોલીસ બની જાય છે આ મહાઠગ.
અલ્કેશરાવ/બનાસકાંઠા: રાજયમાં નકલી ધારાસભ્ય, નકલી પી.એ. અને નકલી ઘી, નકલી ટોળનાકુ બાદ હવે ડીસા પોલીસે નકલી પોલીસકર્મી ઝડપયો છે. આ શખ્સ બનાસકાંઠાના ડીસામાં પોલીસનું નકલી આઈ. કાર્ડ બતાવીને લૂંટતો હતો. દરમ્યાન ડીસા શહેર દક્ષિણ પોલીસને તેની હકીકત મળતા તેને દબોચી લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસનું નકલી ઓળખ કાર્ડ બતાવીને છેતર્યા
ડીસામાં છેલ્લા કેટલાક સમયથી પોલીસના નામે એક યુવક લોકોને હેરાન કરતો હોવાની વાત પોલીસના ધ્યાને આવી હતી. જેથી ડીસા શહેર દક્ષિણ પોલીસે ખાનગી રાહે તપાસ શરૂ કરી હતી અને તપાસ કરતા બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલા ટોભા ગામનો આ શખ્સ ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ જગ્યા પર પોલીસ કર્મચારીની ઓળખાણ આપીને લોકો પાસે છેતરપિંડી કરી રહ્યો હતો. જેથી પોલીસે તેને શહેરમાંથી દબોચી લીધો છે. 20 વર્ષની ઉંમર ધરાવતા અશોક ચૌધરીએ અત્યાર સુધી અનેક લોકોને પોલીસનું નકલી ઓળખ કાર્ડ બતાવીને છેતર્યા છે.
અશોક ચૌધરીએ 16 જગ્યાઓએ ઠગાઇ કરી
આ ઉપરાંત તેની ઠગાઇ કરવાની મોડસ ઓપરેન્ડી પણ એક જ પ્રકારની રહી હોવાનું તેને કબૂલ્યું છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અશોક ચૌધરી નામના આ શખ્સે જણાવ્યુ છે કે તેને પોલીસનું નકલી ઓળખ કાર્ડ બનાવ્યું હતું. અને લોકોને પોલીસની ઓળખ આપીને નાણાં અને સમાન લઈ જતો હતો. અશોક ચૌધરી અત્યારે પોલીસ હીરાસતમાં છે અને તેને કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના પોલીસે રિમાન્ડ મેળવ્યા છે. પોલીસને આશા છે કે રિમાન્ડ દરમ્યાન અશોક ચૌધરી દ્વારા અલગ અલગ 16 જગ્યાઓએ ઠગાઇ કરી હોવાની હકીકતો પણ સામે આવી છે.
લારી ગલ્લા વાળાઓ અને રીક્ષા ચાલકોને ધમકી આપી પૈસા પડાવતો
લોકોને લૂંટતો અશોક ચૌધરી સામે અગાઉ પણ ચોરી અને નકલી પીએસઆઇ બની લોકો સાથે છેતરપિંડી હોવાની ફરિયાદ નોંધાયેલી છે અને તે જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે. તેમ છતાં પણ જેલમાંથી બહાર નીકળ્યા બાદ આ જ પ્રવૃતિ ચાલુ રાખતા ડીસા શહેર દક્ષિણ પોલીસે તેને ફરીથી પકડી લઈ વધુ તપાસ હાથ ધરી છે. જોકે અશોક ચૉધરી નામના આ સાતીર મહાઠગે અગાઉ અમદાવાદ અને પાલનપુરમાં નકલી પીએસઆઇ બનીને છેતરપીંડી આચરી હતી. જેમાં તે અમદાવાદના ગીતા મંદિર બહાર ઉભા રહીને નકલી પીએસઆઇ બનીને લારી ગલ્લા વાળાઓ અને રીક્ષા ચાલકોને ધમકી આપી રોફ જમાવી પૈસા પડવાતો હતો. તો પાલનપુરના એક શોરૂમમાંથી તેને પીએસઆઈની ઓળખ આપી એકટીવા લઈ છેતરપીંડી આચરી હતી, જેનો ગુનો પણ નોંધાયો હતો. જોકે હવે ડીસા પોલીસે આ નકલી પોલીસકર્મીને લઈને વધુ તપાસ હાથ ઘરી છે.
માતાના આંખમાં આંસુ આવી ગયા
નકલી પોલીસ બની અનેક લોકોને ઠગનાર અશોક ચૉધરી માટે નકલી પોલીસ બની ગુન્હો કરવો કોઈ મોટી વાત નથી. કેમ કે તેનો ભૂતકાળ ખુબ જ ખરાબ હોવાની વાત મળતાં અમારી ટીમ વાવ તાલુકાના ટોભા ગામના અઠંગ ઠગ અશોક ચૉધરીના ગામ પહોંચી તો તેના જ ગામના અનેક લોકો તેના ગુનાહિત પ્રવૃત્તિથી બાઝ આવી ગયાની હકીકત સામે આવી. જોકે ઠગ અશોક ચૌધરીના ઘર વિશે પૂછતાં તે ખેતરમાં રહેતો હોવાનું સામે આવતા અમારી ટીમ તેના ખેતરમાં આવેલા ઘરે પહોંચી હતી અને ત્યાં પગમાં ફેક્ચર થયેલી હાલતમાં બેઠેલી તેની માતાને મળી હતી અને તેની સાથે વાતચીત કરતા તેની માતાના આંખમાં તેના કપુતર પુત્ર અશોક ચૉધરીના ગુનાહિત ઇતિહાસ વિશે વાત કરતા આંસુ આવી ગયા હતા.
'હવે તે મારો દીકરો છે જ નહીં...'
તેની માતાનું કહેવું છે કે અશોક અમારા ઘરમાં પણ અનેકવાર તોડફોડ કરતો હતો. હવે અશોકને પુત્ર કહેવો પણ મને ગમતો નથી. તે અનેક ગુનાહ આચરીને લોકોનું ચિટિંગ કરે છે. જેથી અનેકવાર પોલીસ અમારા ઘરે આવતા અમે ત્રાસી ગયા છીએ. તે 2 વર્ષ સુધી જેલમાં રહ્યો હતો અને અમે તેને જેલ માંથી છોડાવ્યો હતો, અને ત્યારે તેને અમને તે સુધરી જશે તેવી વાત કરી હતી. જોકે તે બાદ તે સુધર્યા નહિ, બે વખત પોલીસ તેને ઘરેથી આવીને પકડી ગઈ છે. જોકે અનેક લોકો પાસેથી તેને પૈસા પડાવ્યા છે. જેથી તેના ઉપર અનેક ફરિયાદો નોંધાઇ છે. હવે તે મારો દીકરો છે જ નહીં, તે પથરો છે ભલે હવે સરકાર તેને ફાંસી આપે તે હવે મારો દીકરો નથી અને હું તેની માતા નથી.
સરકાર ફાંસી આપે તો પણ અમારે કોઈ લેવાદેવા નથી
તેની માતાએ વધુમાં જણાવ્યું હતું કે, અનેક લોકો સાથે તે ચિટિંગ કર્યું છે. જેથી અનેક લોકો અમારા ઘરે આવે છે. અમે પરેશાન થઈ ગયા છીએ. અશોક કપાતર હોવાથી મારો દીકરો નથી. હવે તે અમારા માટે મરી ગયો છે. હવે એ ઘરે આવે તો અમે તેને રાખવા તૈયાર નથી. સરકાર હવે તેને ફાંસી આપે તો પણ અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી.