દિવાળીએ માણસો પરથી ગાયના ટોળાને દોડાવવાનો તહેવાર આ વર્ષે ગુજરાતમાં નહિ યોજાય
આગામી વર્ષ સારું નીકળે તે માટે નવા વર્ષના દિવસે ગાયને શરીર પર દોડાવવાની પ્રથા પાળવામાં આવે છે, જેને આ વર્ષે કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે
હરીન ચાલીહા/દાહોદ :દાહોદ જિલ્લામા પ્રાચીન કાળથી ઉજવાતા ગાય ગોહરીનો તહેવાર આ વર્ષે કોરોનાને કારણે નહિ ઉજવાય. આ તહેવાર નવા વર્ષના દિવસે ઉજવાય છે. જેમાં લોકો પોતાની માનતા પૂરી કરવા તેમજ આવનારૂ વર્ષ સારું નીકળે તે માટે ગાયોના ટોળા નીચે સૂવાની પરંપરા છે. ત્યારે ગરબાડા, ગાંગરડી, દાહોદ અને લીમડીમાં તહેવાર નહિ ઉજવાય તેવી સ્થાનિકો દ્વારા જાહેરાત કરાઈ છે. ગરબાડા સરપંચે પણ આ અંગે જાહેરાત કરી છે.
પ્રાચીનકાળથી ચાલી આવતી આ પરંપરા હજી પણ પંચમહાલ-દાહોદ જિલ્લામાં ઉજવાય છે. આ પરંપરામાં પશુઓનું વધુ મહત્વ હોય છે. આ પર્વ ને નિહાળવા માટે જિલ્લા સહિત વડોદરા, અમદાવાદ, નડિયાદ, આણંદ સહિત ગુજરાત ભરમાંથી હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે. હૈયે હૈયુ દળાય તેટલી માનવમેદનીમાં ઢોલ, ત્રાસાં અને ફટાકડાની આતાશબાજીની વચ્ચે ધરતીપુત્ર એક નહિ પણ અનેક પશુધનના ગો હા ની નીચે ગોહરી પાડવામાં આવતી હોય છે. અલબત્ત આ નજારો ખરેખર જોવાલાયક હોય છે.
આ પણ વાંચો : ડ્રાઈવરને ઝોકું આવી જતા બેકાબૂ ટ્રક ખાનગી બસને ટકરાઈ, અકસ્માત બાદની તસવીરો જોઈ કાળજું કંપી જશે
ગરબાડા, ગાંગરડી, દાહોદ અને લીમડીના દરેક તાલુકામાં આ તહેવાર ધૂમધામથી ઉજવાય છે. નવા વર્ષના દિવસે ઉજવાતા ગાય ગોહરીના તહેવારમાં કુંવારી વાછરડીની પૂજા કરવામાં આવે છે. તેના બાદ ઉત્સવની શરૂઆત કરવામાં આવે છે. જેના બાદ હજારો પશુઓને ઢોલ નગારા ત્રાસા વગાડીને તથા ફટાકડા ફોડીને દોડાવવામાં આવે છે. પશુઓની નીચે ખેડૂતો દંડવત પ્રણામ કરીને ઊંધા સૂઈ જાય છે. પશુઓના ટોળા ખેડૂતોના શરીર પરથી પસાર થતા હોય છે. વર્ષ દરમિયાન પશુ પાસેથી કરાવેલ કામ અને તેની જોડે કરેલ મારપીટ ના પ્રાયશ્ચિતરૂપે નવા વર્ષના દિવસે પશુઓ પાસે કામ ન લઈ અને તેઓને દંડવત પ્રણામ કરી આ રીતે પ્રાયશ્ચિત કરવામાં આવે છે જે ઉત્સવ ને નિહાળવા માટે હજારોની સંખ્યામાં હૈયે હૈયુ દળાય તેટલી માનવ મહેરામણ દેશ-પરદેશથી અહીંયા આવતી હોય છે તો કેટલાક પ્રકૃતિ પ્રેમીઓ આ મેળાનો નજારો માણવા ખાસ આવતા હોય છે.
જોકે, આ વર્ષે આ તહેવારને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. મોટી સંખ્યામાં લોકો એકઠા થવાથી કોરોના સંક્રમણ ફેલાય તેવો ડર રહેલો છે. તેથી સ્થાનિક આગેવાનો દ્વારા ગાય ગોહરીના તહેવાર પર પ્રતિબંધ મૂકાયો છે.