ભાવિન ત્રિવેદી/જૂનાગઢ :કહેવત છે કે, સિંહ કભી ઘાસ નહિ ખાતા, ત્યારે ગીરના જંગલમાં સિંહના ઘાસ ખાતા દ્રશ્યો પણ જોવા મળ્યા છે. ત્યારે ફરી એકવાર ગીર જંગલમા અદભૂત ઘટના બની છે. ક્યારેય વાંદરાનો શિકાર ન કરનાર સિંહે એક ઝાટકે કપિરાજને કાપી નાંખ્યો હતો. જેનો પુરાવા રૂપે વીડિયો પણ સામે આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાસણ ગીર જંગલ મા ભાગ્યેજ જોવા મળતી ઘટના સામે આવી છે. ગીરના સાવજે કપિરાજનો શિકાર કર્યો છે. આ ઘટના ગીર અભ્યારણના કમલેશ્વર ડેમ જવાના રસ્તે રૂટ નંબર 4 પર બની હતી. સામાન્ય રીતે સિંહ કોઇ દિવસ કપિરાજનો શિકાર નથી કરતો, પરંતુ કપિરાજની મસ્તીથી અકળાયેલા સાવજે કપિરાજનો શિકાર કરી નાંખ્યો હતો. બન્યુ એમ હતુ કે, જંગલમાં કપિરાજનું ટોળું મસ્તીએ ચડયું હતું અને વનના રાજાની મસ્તી કરી હતી, પરંતુ કપિરાજને આ મસ્તી ભારે પડી ગઈ હતી. વનના રાજાને ખલેલ પહોંચતા અકળાયેલા સાવજે એક ઝાટકે કપિરાજનો શિકાર કર્યો હતો. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. 


સિંહના શિકારની ઘટના 12 મેના રોજ બની હોવાનું કહેવાય છે. ગીર અભ્યારણમાં ટ્રેકર તરીકે ફરજ બજાવતા રહીમ મુરાદ બ્લોચે આ ઘટના નજરે જોઈ હતી, અને પોતાના કેમેરામાં કેદ કરી હતી. ત્યારે આ વીડિયો હાલ ગીરમાં ચર્ચાના ચગડોળે ચઢ્યો છે.