સિંહોના વાયરલ થતા વીડિયોનો સિલસિલો ક્યારે અટકશે, વન વિભાગનું મૌન
ગીરના જંગલોમાં ગેરકાયદે સિંહદર્શન, સિંહોને પજવણી કરતા વીડિયો ક્યાં તો સિંહો દ્વારા મારણ કરવામાં આવતા જેવા અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે
અમદાવાદ: સિંહની જો વાત કરીએ તો દુનિયાભરમાં સિંહ જોવા મળે છે પરંતુ એશિયાટિક સિંહની એક ખાસ પ્રજાતી જે માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. આ પ્રજાતિનું સંરક્ષણએ સરકાર, વનવિભાગ તેમજ આપણા લોકોનું કર્તવ્ય બને છે. પરંતુ છેલ્લા કેટલા સયથી ગુજરાતના ગીરના જંગલોમાં ગેરકાયદે સિંહદર્શન, સિંહોને પજવણી કરતા વીડિયો ક્યાં તો સિંહો દ્વારા મારણ કરવામાં આવતા જેવા અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે. જેને લઇ સિંહોની સુરક્ષાને લઇ અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે. ત્યારે આ અંગે વન વિભાગે જાણે મૌન ધારણ કર્યું હોય તેમ જોવા મળી રહ્યું છે.
બે મહિના પહેલા દખણિયા રેન્જમાં એકસાથે 23 સિંહના મોત થયા બાદ વનતંત્ર કડક બન્યું હતું. ગેરકાયદે સિંહદર્શન કરાવતા લોકો પર પણ રોક લાવવામાં માટે તંત્રએ લાલ આંખ કરી હતી. પરંતુ ત્યારબાદ આજે પણ સિંહોના કોઇને કોઇ કારણ સર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે હાલમાં વન વનિભાગ દ્વારા આ શખ્સો સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી છે તે જોવાનું રહ્યું છે.
સિંહોના વાયરલ થતા વીડિયોની વાત કરીએ તો 28 નવેમ્બેર 2018 અમરેલીના રાજુલાના ધારેશ્વર નજીક 2 સિંહણ બે બચ્ચા સાથે દેખાઈ હતી. 2 સિંહણ સાથે બે બચ્ચા ખેતરમાં લટાર મારતા જોવા મળી હતી. સિંહણ સાથે સિંહબાળનો આ વીડિયો વાઈરલ થયો છે. ધારેશ્વર આસપાસ આવેલા વાડી વિસ્તારનો આ વીડિયો હોવાનું અનુમાન છે. ધારેશ્વર આસપાસ 2 સિંહણ અને 7 જેટલા સિંહબાળનો વસવાટ હોવાનું જાણવા મળ્યું છે.
ત્યારે આ આગાઉ પણ 16 નવેમ્બર 2018 સિંહોની પજવણી કરતો વધુ એક વીડિયો વાયરલ થયો હતો. જ્યારે આ વાયરલ થયેલા વીડિયોમાં એક સિંહ સામેથી આવી રહેલો દેખાતાં કારચાલક તેની કાર ઊભી રાખીને વીડિયો ઉતારવા લાગ્યો હતો. સિંહ કારની નજીક આવી ગયા બાદ આગળ વધી જતાં કારને રિવર્સમાં સિંહની સાથે-સાથે ચલાવવામાં આવી હતી. સિંહ જ્યાં સુધી રસ્તો પાર કરીને બીજા છેડે જતો ન રહ્યો ત્યાં સુધી સિંહની સાથે-સાથે કાર દોડાવામાં આવી હતી.
12 નવેમ્બર 2018 ખાંભા નજીક આવેલા પાતળા ગમમાં રહેણાંક વિસ્તારમાં સિંહ ધૂસી જતા ઘરના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘરમાં મગફળીના ઢગલાને સિંહે સિંહાસન બનાવ્યું હતું. આસપાના વિસ્તારના લોકોનું ટોળુ સિંહેને જોવા માટે એકઠા થઇ ગયા હતા. સિંહ રૂમમાં ધૂસ્યા બાદ તેની જાણ થતા ઘરના લોકો દ્વારા દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો અને સિંહનો વીડિયો બનાવવા લાગ્યા હતા.
સિંહોના વાયરલ થતા વીડિયોને સોશિયલ મીડિયા પર વધુ પસંદ કરવામાં આવી રહ્યાં છે. જેને કારણે અસામાજીક તત્વો દ્વારા વારંવાર આ પ્રકારના વીડિયો બનાવી વાયરલ કરાવમાં આવી રહ્યાં છે. ત્યારે સરકાર અને વન વિભાગ દ્વારા આ અસામાજીક તત્વો કડક પગલા લેવા જોઇએ.
ગુજરાતના અન્ય સમાચાર વાંતવા માટે અહીં ક્લિક કરો...