શ્રીકાર વર્ષા : 11 ઈંચ વરસાદથી સૂત્રાપાડામાં પૂર, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ
Gir Somnath Rain Update : ગીર સોમનાથ અને ઉનામાં મેઘરાજાની દે ધના ધન બેટિંગ... અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા... વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો...
ભાવિન ત્રિવેદી/ગીરસોમનાથ :ગીર સોમનાથ અને ઉનામાં શ્રીકાર વર્ષા થઈ રહી છે. ગઈકાલથી શરૂ થયેલો વરસાદ સતત વરસી રહ્યો છે. જેને કારણે આખો જિલ્લો પાણીમય બન્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ તરફ સૂત્રાપાડામાં આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ છે. સૂત્રાપાડામાં મેઘરાજા મન મૂકીને વરસતા સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે. સતત વરસેલા 11 ઈંચ વરસાદથી ગીર સોમનાથનું સૂત્રાપાડા પાણીમાં ગરકાવ થયુ છે.
વરસાદથી ગીર સોમનાથ જિલ્લો ત્રસ્ત બન્યો છે. એક રાતની અંદર 11 ઇંચ જેટલો વરસાદ સુત્રાપાડામાં ખાબક્યો છે. તો છ થી આઠ ઇંચ વરસાદ વેરાવળ અને કોડીનાર તાલુકામાં નોંધાયો છે. જેને કારણે સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ભારે વરસાદ વચ્ચે જ્યારે માર્ગો નદી બન્યા છે.
આ પણ વાંચો : ‘એક નેતા ધમકી આપે છે, પર ઝૂકેગા નહિ સાલા’ પોસ્ટ મૂકનાર ASI રાતોરાત સસ્પેન્ડ
સુત્રાપાડાનું વાવડી ગામ બેટમાં ફેરવાઈ ગયુ છે. બસ સ્ટેન્ડથી વાવડી ગામ જતો મુખ્ય માર્ગ નદીમાં ફેરવાયો છે. વાવડી ગામ ફરતે પાણી ફરી વળ્યા છે. આવામાં ગામમાં દર્દી લઈ જતી એમ્બ્યુલન્સ મહા મુશ્કેલીએ પસાર થઈ શકી હતી. તો વેરાવળ બાયપાસનો ગંભીરા વિસ્તાર પણ જળમગ્ન થયો હતો. રસ્તા ઉપર પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર અશક્ય બન્યો હતો. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા ન કરાતા આ વિસ્તાર દર વર્ષે ભારે વરસાદ બાદ બેટમાં ફેરવાઈ જાય છે. સૂત્રાપાડા હાથાદેવ વાડી વિસ્તારમાં પાણી ભરાયા છે. જ્યારે સૂત્રાપાડાથી ઉંબરી ગામ તરફ જતો રસ્તો પણ બંધ થયો છે.