રાજકોટ એઈમ્સમાં બોગસ લેટરથી નોકરી આપવાનું કૌભાંડ, યુવતી જોઈનિંગ કરવા પહોંચી તો સામે આવી હકીકત
રાજકોટના પડધરી પાસે એઈમ્સ હોસ્પિટલ બની રહી છે. હજુ તો આ હોસ્પિટલ સંપૂર્ણ રીતે કાર્યરત પણ થઈ નથી. ત્યાં બોગસ લેટરના આધારે નોકરી આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.
ગૌરવ દવે, રાજકોટઃ ગુજરાતના લોકોને સારૂ આરોગ્ય મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને પ્રથમ એઈમ્સ હોસ્પિટલની ભેટ આપવામાં આવી છે. રાજકોટમાં બની રહેલી એઈમ્સ હોસ્પિટલમાં હાલ ઓપીડી વિભાગ કાર્યરત છે. આ ઓપીડી વિભાગમાં જરૂરીયાત પ્રમાણે કર્મચારીઓની ભરતી કરવામાં આવી રહી છે. પરંતુ અહીં ભરતી કૌભાંડ શરૂ થઈ ગયું છે. અહીં એક યુવતીને બોગસ જોઈનિંગ લેટર આપી દેવામાં આવ્યો હતો. આ યુવતી જ્યારે જોઈનિંગ કરવા પહોંચી ત્યારે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટમાં રહેતા જયદેવસિંહ બનેસિંહ વાળાએ પડધરી પોલીસને કરેલી ફરિયાદમાં આરોપી તરીકે ડો. અક્ષય જાદવનું નામ આપ્યું છે. ફરિયાદ કરનાર વ્યક્તિ રાજકોટમાં બની રહેલી એઈમ્સમાં એડમીન વિભાગમાં ફરજ બજાવે છે. 20 ફેબ્રુઆરીએ તેઓ સવારે ઓફિસ પહોંચ્યા હતા. ત્યારે સિક્યોરિટી સુપરવાઇઝરે તેમને કહ્યું કે, કોઈ યુવતી તમને મળવા આવી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ધોરણ 5થી 8માં હવે નહીં મળે માસ પ્રમોશન, સરકારે બદલ્યા નિયમો
ત્યારબાદ આ યુવતીએ ત્યાં એક લીલા કલરનું કવર આપ્યું હતું. આ યુવતીએ કહ્યું કે તે નોકરી પર હાજર થવા આવી છે. જ્યારે આ કવર ખોલવામાં આવ્યું તો તેમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાન્યસ, રાજકોટ ગુજરાત લખેલું હતું. આ એમ્સના લોગોવાળો જોઈનિંગ લેટર હતો. લેટર લઈને આવેલી યુવતીનું નામ નિકિતા પંચાલ હતું અને તે લેબ ટેક્નિશિયન તરીકે હાજર થવા આવી હતી.
યુવતીને 36 હજારના પગારવાળો લેટર 16 ફેબ્રુઆરીએ આપવામાં આવ્યો હતો. આ યુવતીને પૂછપરછ કરતા તેણે કહ્યું કે ડો. અક્ષય જાદવે તેને આ લેટર આપ્યો હતો. યુવતીએ કહ્યું કે વીડિયોગ્રાફીથી મારૂ ઈન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યું હતું. ત્યારબાદ આ બોગસ લેટર હોવાની વાત સામે આવી હતી. ત્યારબાદ ડો. અક્ષય જાદવ સામે પડધરી પોલીસમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. હાલ તો પોલીસ આ સમગ્ર કૌભાંડ મામલે તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ ઈમ્પેક્ટ ફીની મુદ્દતમાં ચાર મહિનાનો વધારો કરાયો, વિધાનસભામાંથી પસાર થયું સુધારા બિલ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube