`સાહેબ હાંસોટ રોડ પર તળાવમાં તપાસ કરો`, નનામા કોલથી ખળભળાટ, પછી ખૂલ્યો એવો હત્યાકાંડ કે....
સાહેબ હાંસોટ રોડ પર તળાવમાં તપાસ કરો. અનનોન કોલને ગંભીરતાથી લઇ ધનંજયસિંહે પોતાના ઉપરી અધિકારી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટને જાણ કરી હતી. પોલીસે તુરંત તળાવમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
ભરત ચુડાસમા/ભરૂચ: અંકલેશ્વરમાં લિવ ઈનમાં રહેતી મહીલાની તળાવમાંથી લાશ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટનામાં એક અજાણ્યા કોલથી સમગ્ર હત્યાકાંડ ઉજાગર થયો હતો. જેમાં યુવતીની હત્યા બાદ પોટલાને પથ્થર વડે બાંધી ફેંકી દેવાયેલી લાશને તળાવમાંથી બહાર કાઢી પોલીસે હત્યારાઓની તપાસ શરૂ કરી હતી. આ ઘટનાને પગલે એલસીબી સહિત અંકલેશ્વર પોલીસનો કાફલો તપાસમાં જોડાયો હતો.
નાનામાં કોલ દ્વારા ચોંકાવનારી માહિતીનો ઘટસ્ફોટ
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે અંકલેશ્વર-હાંસોટ રોડ પર તળાવમાં તપાસ કરતા એક અજાણી વ્યક્તિના ફોનથી સનસની હત્યાનો મામલો બહાર આવ્યો છે. ભરૂચ LCB કોન્સ્ટેબલ ધનંજયસિંહ ઓફિસમાં હતા ત્યારે એક વ્યક્તિએ ઓળખ જાહેર ન કરવાની શરતે નાનામાં કોલ દ્વારા તેમને ચોંકાવનારી માહિતી આપી હતી.
એકાદ કલાકની જહેમત બાદ તળાવમાંથી કોથળાનું પોટલું મળ્યું
કોલરે કહ્યું હતું કે, સાહેબ હાંસોટ રોડ પર તળાવમાં તપાસ કરો. અનનોન કોલને ગંભીરતાથી લઇ ધનંજયસિંહે પોતાના ઉપરી અધિકારી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટને જાણ કરી હતી. પોલીસે તુરંત તળાવમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અંકલેશ્વર મામલતદાર, DYSP ચિરાગ દેસાઈ, ક્રાઇમ બ્રાન્ચ અને અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર આર એચ વાળાની ઉપસ્થિતિમાં ટીમ તળાવમાં ઉતારવામાં આવી હતી. તરવૈયાઓની ટીમ સાથે સામાજિક આગેવાન ધર્મેશ સોલંકી સહિતને એકાદ કલાકની જહેમત બાદ તળાવના તળિયામાંથી એક કોથળાનું પોટલું મળી આવ્યું હતુ. જેની સાથે એક મોટો પથ્થર પણ બાંધેલો હતો.
યુવતીની હત્યા કરી લાશનું પોટલું બનાવી તળાવમાં ફેંકાયું
પોટલું બહાર કાઢવામાં આવતા હાજર સૌ કોઈ ચોકી ગયા હતા. આ પોટલામાંથી એક મહિલાની લાશ મળી આવી હતી. જેને પથ્થર બાંધી ફેંકી દેવાઈ હતી. પોલીસે આ યુવતી કોણ છે તેની હકીકત તપાસતા તે લીવ ઇન રિલેશનમાં રહેતી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી હતી. લગભગ 22 થી 23 દિવસ પૂર્વે યુવતીની હત્યા કરી લાશનું પોટલું બનાવી તેને પથ્થર બાંધી તળાવમાં ફેંકી દેવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. યુવતીની ભાળ મેળવવા સાથે, FSL ની મદદ મેળવાઈ છે. હત્યામાં સંડોવાયેલા હત્યારાઓ સુધી પોહચવા વિવિધ ટીમ બનાવી તપાસ શરૂ કરાઇ છે.
20 થી 22 દિવસ પહેલા હત્યા કરાઈ હોવાનું અનુમાન
અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે, આ મહિલાની 20 થી 22 દિવસ પહેલા હત્યા કરાઈ હોવાનું લાગી રહ્યું છે. સ્પષ્ટ ઓળખ માટે પ્રયાસ કરાઈ રહ્યા છે. કરપીણ હત્યા કરી લાશ કોથળમાં બાંધી ફેંકી દેવાઈ હતી. મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે સુરત મોકલાશે. સનસની હત્યામાં પોલીસ દ્વારા હાલ તો ગુના અને ગુનેગારોના મૂળ સુધી પોહચવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે. જે બાદ જ સમગ્ર હત્યાકાંડની હકીકત બહાર આવશે.