લવ ટ્રાયેન્ગલનો કરૂણ અંજામ: પ્રેમિકાને ઝૂંટવી લેનાર મિત્રને વીડિયો બનાવવાના બહાને હત્યા કરી
દુશ્મન ના કરે દોસ્ત ને વો કામ કિયા હે......આ ગીત તો તમે સાંભળ્યું જ હશે ત્યારે આવો જ એક ચોંકાવનારો કિસ્સો વડોદરા શહેરમાં સામે આવ્યો છે.
જયંતિ સોલંકી/વડોદરા: 'ચાલ ઈન્સ્ટાગ્રામ માટે તારા અપહરણ' ની સ્ટોરી બનાવીએ કહી એક મિત્ર એ બીજા મીત્રને મોતને ઘાટ ઉતારી દેવાના મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી નાખી હત્યારા મિત્રની ધરપકડ કરી છે.
દુશ્મન ના કરે દોસ્ત ને વો કામ કિયા હે......આ ગીત તો તમે સાંભળ્યું જ હશે ત્યારે આવો જ એક ચોંકાવનારો કિસ્સો વડોદરા શહેરમાં સામે આવ્યો છે. જે સાંભળીને મિત્રતાના સબંધ પરથી તમારો ભરોસો ઉઠી જશે. વડોદરામાં 19 વર્ષીય કોલેજીયન યુવકની કરપીણ હત્યાના મામલે પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી હત્યારાને ઝડપી પાડ્યો છે.
સમગ્ર ઘટના વિશે વાત કરવામાં આવે તો ગત રોજ સયાજીગંજ પોલીસ સ્ટેશન પાસે આવેલા અલંકાર ટાવરના બેસમેન્ટમાંથી દક્ષ પટેલ નામના વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરતા કેટલાક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. પોલીસ તપાસમાં દક્ષ પટેલનો હત્યારો ખુદ તેનો ખાસ મિત્ર હોવાનું સામે આવ્યું છે. દક્ષ પટેલના ખાસ મિત્ર પાર્થ કોઠારી એ લવ ટ્રાએન્ગલની આશંકાએ તેના ખાસ મિત્રને મોત ને ઘાટ ઉતારી દિધો હતો. જેથી શંકાના આધારે પોલીસે પાર્થ કોઠારીની અટકાયત કરી તેની કડકાઈથી પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસ દ્વારા હત્યારા પાર્થ કોઠારીની કડકાઈથી પૂછપરછ હાથ ધરતા કેટલાક ચોંકાવનારી બાબતો સામે આવી છે. પાર્થ કોઠારીએ તેની કોલેજની મિત્ર સાથેના આડા સબંધની આશંકાએ દક્ષ પટેલની કરપીણ હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ પાર્થ કોઠારીએ છરી અને સેન્ડલ વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધા હતા અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે હત્યારા પાર્થની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે હત્યા કરવા તેણે યુટ્યુબ તેમજ વેબ સિરીઝ જોઈ તાલીમ મેળવી હતી. જેમાં પોલીસ આરોપી સુધી કંઇ રીતે પહોંચે? શું પુછતાછ કરે તેવી અનેક વાતો યુ-ટ્યુબમાં સર્ચ કરી હતી અને ત્યારબાદ ગરબા જોવાના બહાને મૃતક દક્ષ પટેલને સાથે લઈ જઈ હત્યા કરી નાખી હતી.
પાર્થ કોઠારી અને મૃતક દક્ષ પટેલ ખાસ મિત્ર હોવાથી પાર્થ કોઠારી એ દક્ષ પટેલને જણાવ્યું હતું કે ચાલ ઈન્સ્ટાગ્રામ પર તારા અપહરણની સ્ટોરી બનાવી અપલોડ કરીએ, પાર્થ કોઠારી એ અપહરણના શૂટિંગના બહાને મૃતક દક્ષ પટેલના હાથ પગ બાંધી દઈ અચાનક તેના પેટમાં ઉપરા છાપરી છરીનાં ઘા ઝીંકી દીધા હતા અને ફરાર થઈ ગયો હતો. જેથી સયાજીગંજ પોલીસે સીસીટીવી તેમજ શંકાનાં આધારે પાર્થ કોઠારીની અટકાયત કરતા તેને ગુનાની કબૂલાત કરી હતી.
મહત્વનું છે કે હત્યારો પાર્થ કોઠારી પોતે ગુનાઇત માનસિકતા ધરાવે છે, તેમજ તે હાલ પોલીસને ગોળગોળ જવાબ આપી રહ્યો હોવાથી પોલીસે તેને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
જુઓ આ પણ વીડિયો: