આજે ધનતેરસઃ આજના દિવસે કેમ ખરીદવામાં આવે છે સોનું-ચાંદી? પૂજા-મૂહુર્ત પણ જાણો
બુલિયન અને વેપારીઓએ આપેલી માહિતી મુજબ 150 કિલો સોનું અને 700થી 800 કિલો ચાંદીનું વેચાણ થવાનો અંદાજ, 60 ટકા લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિ દેવી લક્ષ્મી અને કુબેર ભંડારીની પૂજા કરવામાં આવે છે. ધનતેરસના દિવસે ખરીદી માટે અનેરો ઉત્સાહ જોવા મળે છે. નવી વસ્તુઓ ખરીદવા માટે આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે જે પણ સ્થાવર અને જંગમ મિલકત ખરીદવામાં આવે છે તે તેરગણી વધી જાય છે. જેથી લોકો ધનતેરસના દિવસે સોના-ચાંદીથી બનેલી વસ્તુઓની ખરીદી કરતા હોય છે. ધનતેરસના દિવસે સૌથી વધારે ચાંદીનું વેચાણ થતું હોય છે. જેના કારણે શહેરના સોનીઓ ચાંદીના સિક્કાઓ આ દિવસે વધારે પ્રમાણમાં વેચાણ કરતા હોય છે. ચાંદીના વાસણો, ચાંદીની પૂજા સામગ્રી, ચાંદીનું છત્ર, માતાજીના સિક્કા ઉપરાંત લગડીઓનું વેચાણ સારું થતું હોય છે.
ધનતેરસના શુભ મુહૂર્ત-
મંગળવારે સવારે 11.32થી ધન્વંતરિ જયંતી, દીપદાન,ધનપૂજા, શ્રીયંત્રપૂજા ચોપડા ખરીદવા ગાદી બિછાવાનું મૂહુર્ત
ચલ સવારે 9.31 થી 11.03
લાભ સવારે 11.03 થી 12.35
અમૃત બપોરે 12.35 થી 14.07
શુભ બપોરે 15.39 થી 17.11
લાભ રાત્રે 20.11 થી 21.39
ધનતેરસ એટલે ચાંદીની વસ્તુઓની ખરીદી માટેનો શુભ દિવસ છે. શહેરમાં ધનતેરસના દિવસે અંદાજે રૂ. 700થી 800 કરોડની ચાંદીનું વેચાણ થવાની શક્યતા રહેલી છે. જ્યારે સોનાનું 150 કિલો સોનાનું વેચાણ થવાનો જ્વેલરોનો અંદાજ છે. ઝવેરીઓને ધનતેરસના 60 ટકા જેટલા એડવાન્સ બુકિંગ મળી ગયા છે. જ્યારે દિવસ દરમિયાન 40 ટકા જેટલું વેચાણ થવાની આશા છે. ચાંદીની ખરીદી વધારે થતી હોવાથી 5 ગ્રામથી માંડી 500 ગ્રામ સુધીના સિક્કામાં નવી ડિઝાઈન આવી છે.
સોના-ચાંદીના વેપારીઓનું કહેવું છેકે, ધનતેરસના દિવસે સૌથી વધારે ખરીદી ચાંદીની થતી હોય છે. જેમાં ચાંદીની સિક્કા, પૂજના સમાગ્રી, છત્ર, ઝાંઝરી તેમજ લગડીઓનું વેચાણ થતું હોય છે. આ વર્ષે સૌથી વધારે સિક્કા તેમજ લગડીઓનું એડવાન્સ બુકિંગ થયું છે. સામાન્ય પરિવાર પણ હવે ઓછા વજનની લગડી લેવા લાગ્યા છે. અમદાવાદમાં ધનતેરસના દિવસે અંદાજે 700થી 800 કિલો ચાંદી અને 150 કિલો સોનાનું વેચાણ થવાની આશા છે. ગુરુપુષ્ય નક્ષત્રના દિવસે પણ શહેરમાં 100 કરોડના અંદાજ સામે 150 કરોડનું સોનું વેચાયું હતું.
અમદાવાદમાં સોમવારે ચાંદી રૂ. 76, 000 પ્રતિકિલો અને સોનું 24 કેરેટ 49,400 તેમજ 22 કેરેટ રૂ. 45,250નો ભાવ રહ્યો હતો. આમ હવે લોકો ચાંદીમાં પણ રોકાણ કરતા થયા છે. છેલ્લા દસ વર્ષના આંકડા જોવામાં આવે તો ચાંદીમાં કરેલા રોકાણથી અત્યારે રૂ. 30 હજારનું વળતર મળી રહ્યું છે.