મળો ગોંડલના આ 6 સુપર કિડ્સને, જેમણે ગણિતના દાખલાઓને બનાવી દીધી છે રમત
- આ બાળકો 16 મી યુસીમાસની સ્ટેટ લેવલ કોમ્પિટિશનમાં ભાગ લેવા જઈ રહ્યાં છે
- ઓનલાઈન સ્ટડી કરતા બાળકોએ એબેક્સ મેથડ પર ગજબની પકડ મેળવીને ગણિતને જાણે રમત બનાવી દીધી
જયેશ ભોજાણી/ગોંડલ :‘મંઝિલે ઉન્હી કો મિલતી હૈ, જીનકી જાન મેં જહાં હોતી હૈ, પાંખો સે કુછ નહિ હોતા હોંસલો સે ઉડાન હોતી હૈ...’ આ ઉક્તિને સાર્થક કરી રહ્યાં છે ગોંડલના નાનકડા બાળકો. કોરોનાકાળમાં સમય ઝડપથી બદલાઈ ગયો અને ખાસ કરીને શિક્ષણના ક્ષેત્રમાં જે પેરેન્ટ્સ બાળકોને હમેશા મોબાઈલ અને કોમ્પ્યુટર કે ટેકનોલોજીથી દુર રહેવાની સલાહ આપતા તેમને પણ હવે ઓનલાઇન શિક્ષણ માટે ફરજીયાત રીતે પોતાના બાળકને મોબાઈલ, લેપટોપ, ટેબલેટ કે કોમ્પ્યુટર આપવું પડ્યુ છે. ત્યારે આવામાં ગોંડલના સુપર કિડ્સના ટેલેન્ટ ઝળકી રહ્યાં છે.
ગોંડલના બાળકોએ ગણિતના દાખલાને બનાવી રમત
ગોંડલના પરફેક્ટ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટરના 6 બાળકોએ નાની ઉંમરમાં પોતાની પ્રતિભા બતાવીને ઓનલાઈન સોફ્ટવેર પર પોતાની અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. ઓનલાઈન સ્ટડી કરતા બાળકોએ એબેક્સ મેથડ પર ગજબની પકડ મેળવીને ગણિતને જાણે રમત બનાવી દીધી છે. ધ્વનિ ભાવેશભાઈ વેંકરિયા, મુદ્રિકા શૈલેષભાઇ ગોંડલીયા, પાર્થ ભાવેશભાઈ જગડા, સમર્થ મનીષભાઈ જોશી, ધૈર્ય વિનોદભાઈ ધાધલ, અને સર્વાંગ રાકેશભાઈ કાલરીયાના ટેલેન્ટ જોઈ કોઈ પણ મોઢામાં આંગળા મૂકી દે.
નંબર જોઈને બાળકો જવાબ આપે છે બાળકો
આ બાળકો 16 મી યુસીમાસની સ્ટેટ લેવલ કોમ્પિટિશનમાં ભાગ લેવા જઈ રહ્યાં છે. ગણિતનો પાયો કહી શકાય એવા સરવાળા બાદબાકી કે ગુણાકાર, ભાગાકાર શીખવા તે બાળકો અને માતા પિતા માટે માથાનો દુખાવો થઈ જાય છે, ત્યારે આ બાળકોએ કૉપ્યુટર કે લેપટોપ પર રેન્ડમ કોઈ પણ નંબર જોઈને સીધો જ જવાબ આપી દે છે. કોઈ પણ 10 આંકડાનો મોબાઈલ નંબર બોલો અને બોલવાનું પૂરું થાય ત્યાં તો તરત જ આ બાળકો પાસે જવાબ હાજર હોય છે.
હાથની જગ્યા કમ્પ્યૂટરે લીધી
સમયની સાથે બદલાતા ટેકનોલોજીના પ્રવાહના ઓનલાઈન સૉફ્ટવેર પર છેલ્લા 3 મહિનાથી આ તમામ વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે અને હવે યુસીમાસની 16 મી મેન્ટલ એરિથમેટિક ઓનલાઈન સ્ટેટ લેવલ સ્પર્ધામાં ભાગ લઈ અને પોતાની પ્રતિભા સિદ્ધ કરશે. આ બાળકોને તૈયાર કરનાર પરફેક્ટ ક્લાસિસના માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેનર રજનીશ રાજપરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, શિક્ષણ પદ્ધતિમાં સમય સાથે બદલાવ આવ્યો છે. સમયની સાથે તાલમેલ મીલાવીને બાળકોને હવે તૈયાર કરવા જ પડશે. માત્ર ગણિતની દ્રષ્ટિએ ન જોતા કોઈ પણ વિચારે તો ખ્યાલ આવે કે 8 મિનિટમાં 200 દાખલા ગણવા માટે કોઈ પણ બાળકે પોતાની ઝડપ, એકાગ્રતા, લોજિક, નિરીક્ષણનો પણ ઉપયોગ કરવો પડશે. અને એવું પણ બનશે કે ભવિષ્યમાં દરેક તબક્કે કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ બાબતોની દરેક બાળકને જરૂર પડવાની છે, ત્યારે આ બાળકોએ નાની ઉંમરે આ મહારથ મેળવીને લોકોને અચંબિત કર્યાં છે અને સાબિત કર્યું છે કે, કોઈ પણ કાર્ય માટે ઉંમર હમેશા એકમાત્ર માપદંડ નથી. આ પહેલા પણ ગોંડલની માત્ર સાડા 6 વર્ષની ધ્વનિ વેંકરિયા કમ્બોડીયા ખાતે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ચેમ્પિયન થઈ હતી અને 2020 માં 11
વર્ષના સૌમ્યએ 1 મિનિટમાં 89 ભાગાકાર કરીને રેકોર્ડ બનાવ્યા છે.