અલ્કેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠાની ધરોહર સમાન કાંકરેજ ગૌવંશ સુધારણા માટે બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીના નેતૃત્વમાં બનાસડેરી દ્વારા ભારતમાં સૌ પ્રથમવાર એન.ડી.ડી.બીના સહયોગથી એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં આ ટેક્નોલોજીમાં બનાસડેરીને એક સાથે બે સફળતા મળી છે. થરાદ તાલુકાના ચાંગડા ગામે કાંકરેજ ગર્ભ પ્રત્યારોપણ થકી બે તંદુરસ્ત વાછરડીઓનો જન્મ થયેલ છે. બનાસડેરી વૈજ્ઞાનિક ઢબે ખેતીના વ્યવસાયને તો વિકસાવે છે, પરંતુ સાથે પશુપાલન વ્યવસાયમાં પણ વૈજ્ઞાનિક પદ્ધતિને અપનાવીને આ વ્યવસાયને વિકસાવવામાં આવી રહ્યો છે તે અત્યંત મહત્વપૂર્ણ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 કાંકરેજ વાછરડાનો જન્મ કરાવવામાં બનાસડેરીને મોટી સફળતા
આગામી સમયમાં પશુદીઠ દૂધ ઉત્પાદનમાં વધારો કરી પશુપાલકોને આર્થિક રીતે મજબુત બનાવવા અને વધુ દૂધ આપતી કાંકરેજ ગાયની નવીન પેઢી ઉભી કરવાનાં ઉદેશ્ય સાથે બનાસડેરીના ચેરમેન  શંકરભાઇ ચૌધરીએ 22-07-2021ના રોજ રૈયા ખાતેથી એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજીનો શુભારંભ કરાવ્યો હતો. જેનો પ્રથમ પ્રયોગ ધાનેરા તાલુકાના સોતવાડા ગામમાં કરવામાં આવ્યો હતો. ત્યાંની 25 લીટર દૂધ આપતી ગર્ભ વાળી ગાય અને 25 લિટર ઉપર વાળા સાંઢના બીજથી કાંકરેજ ગાયમાં 1 મહિના પહેલા તૈયાર કરાયેલ ગર્ભ એચ.એફ ગાયમાં ટ્રાન્સફર કરીને સ્વસ્થ કાંકરેજ વાછરડાનો જન્મ કરાવવામાં બનાસડેરીને મોટી સફળતા મળી હતી. 



એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજી
આજે વર્તમાન સમયમાં એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજીનાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 412 કાંકરેજ ગાયોમાં ગર્ભ પ્રત્યારોપણ કરેલ છે, જેમાંથી 54 ગાયો ગાભણ થયેલ છે અને 34 ગાયોનું વિયાણ થયેલ છે, તેમાં 19 કાંકરેજ વાછરડી તથા 15 વાછરડા જન્મેલ છે. તે ઉપરાંત ગર્ભ પ્રત્યારોપણ (એમ્બ્રીઓ ટ્રાન્સફર) યોજના (એ.બી.આઈ.પી.ઈ.ટી.) અંતર્ગત કુલ 263 ગર્ભ પ્રત્યારોપણ કરવામાં આવેલ છે, જેમાંથી 34 પશુ ગાભણ થયેલ છે. એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજીમાં બનાસડેરીને ભવ્ય સફળતા પ્રાપ્ત થઇ રહી છે. 


વૈજ્ઞાનિક અભિગમનો મળી રહ્યો છે ફાયદો
તે ઉપરાંત ભારત સરકાર, ગુજરાત સરકાર, ફેડરેશન અને બનાસ ડેરીના સહયોગથી ખેડૂતના ઘરે સેક્સ શોર્ટેડ સીમેન ડોઝથી બનાવેલ ગર્ભ પ્રત્યારોપણ (એમ્બ્રીઓ ટ્રાન્સફર) યોજના (એ.બી.આઈ.પી.ઈ.ટી.) અંતર્ગત અમલમાં મુકેલ છે. નિકટ ભવિષ્યમાં ગર્ભપ્રત્યારોપણ પદ્ધતિથી પશુસંવર્ધન દ્વારા 5 લીટરવાળી ગાયમાંથી પણ દૈનિક 20 લીટરથી વધુ દૂધ આપી શકે તેવા ભારતીય નસ્લના બચ્ચા પેદા કરીને ખેડુતોને વધુ પગભર કરી શકાશે. બનાસડેરીએ પોતાના નવા નવા સહકારી વ્યવસાયોમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને આગળ વધી રહી છે, જેનો ફાયદો પશુપાલકો, ખેડૂતો અને જિલ્લાને મળી રહ્યો છે. 


સ્વદેશી જેવી ઝુંબેશને વેગ મળશે
બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પશુ સંવર્ધનની દિશામાં બનાસ ડેરીની કામગીરી સંદર્ભે જણાવ્યું હતું કે પશુપાલન વ્યવસાયમાં ઝડપી પ્રગતિ અને દૂધ ઉત્પાદનમાં વધારો કરવાના ઉમદા હેતુ બનાસ ડેરી દ્વારા આધુનિક ટેક્નોલોજી અપનાવવામાં આવી છે. પશુ સંવર્ધનમાં ટેક્નોલોજીનો ઉપયોગ આશીર્વાદરૂપ સાબિત થશે, કારણ કે તેના લીધે ઉત્કૃષ્ટ ઓલાદો પેદા થશે, જે વધુ દૂધ આપશે અને પશુપાલકો વધુ દૂધ ભરાવીને આર્થિક રીતે સદ્ધર બનશે. તે ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ડેરી ઉદ્યોગ થકી રાષ્ટ્રને વિકસાવવા માટે આપેલ “ સહકારથી સમૃદ્ધિ” નો મંત્ર સાકાર થશે, આત્મનિર્ભરતા અને સ્વદેશી જેવી ઝુંબેશને વેગ મળશે. 



હકારાત્મક પરિણામ મળી રહ્યાં છે 
ભારત દેશમાં એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજીનો ઉપયોગ કોઈપણ સંસ્થા અથવા તો કોમર્શિયલ ફાર્મમાં કરવામાં આવ્યો હોય તેવું તો જોવા મળેલ છે, પરંતુ કાંકરેજ એમ્બ્રિયો ટ્રાન્સફર અને તે પણ ખેડૂતના ફાર્મ ઉપર કરવામાં આવેલ હોય અને તેના દ્વારા બચ્ચાનો જન્મ થયો હોય એ ઘટના સૌપ્રથમ બનાસકાંઠામાં બની છે, જે ના માત્ર ખેડૂતો કે પશુપાલકો માટે, પરંતુ દેશ અને પશુપાલન ક્ષેત્રે ગર્વની વાત છે. જે હકારાત્મક પરિણામ મળી રહ્યાં છે તે દર્શાવે છે કે બનાસડેરી આ ટેકનોલોજીની મદદથી ભારત દેશમાં ઉત્કૃષ્ટ અને વધુ દૂધ ઉત્પાદન આપતી કાંકરેજ ગાયની નવીન પેઢી મેળવશે. આજે બનાસડેરીએ પોતાના નવા નવા સહકારી વ્યવસાયોમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને આગળ વધી રહી છે, જેનો ફાયદો પશુપાલકો, ખેડૂતો અને જિલ્લાને મળી રહ્યો છે.