ગુજરાતના ખેડૂતો આનંદો! આ 4 પાકોના ટેકાના ભાવ જાહેર, જાણો ક્યારથી શરૂ થશે રજીસ્ટ્રેશન?
ર્ષ 2022-23માં ટેકાના ભાવે ખરીદી માટે સેન્ટ્રલ નોડલ એજન્સીને મદદરૂપ થવા રાજ્ય નોડલ એજન્સી તરીકે ગુજકોમાસોલની નિમણૂંક કરવામાં આવી છે
ગાંધીનગર: ગુજરાત સરકાર લાભ પાંચમથી વર્ષ ૨૦૨૨-૨૩માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરશે. તા.29 ઓકટોબર-2022થી 90 દિવસ સુધી કરવાનો રાજ્ય સરકારે ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય કર્યો છે.
આ અંગે વધુ વિગતો આપતાં મંત્રીએ કહ્યું કે, ખેડૂતોના હિતને ધ્યાને રાખી ખરીફ ઋતુમાં પાકનું ટેકાના ભાવે ખરીદીનું રાજ્ય સરકારનું સઘન આયોજન છે. વર્ષ 2022-23માં ટેકાના ભાવે ખરીદી માટે સેન્ટ્રલ નોડલ એજન્સીને મદદરૂપ થવા રાજ્ય નોડલ એજન્સી તરીકે ગુજકોમાસોલની નિમણૂંક કરવામાં આવી છે. ખેડૂતોએ તા.25 સપ્ટેમ્બર થી તા.24 ઓકટોબર, 2022 દરમિયાન નોંધણી કરાવવાની રહેશે. ખેડૂતોની નોંધણી ગ્રામ્ય કક્ષાએથી ઇ-ગ્રામ કેન્દ્રો પરથી VCE મારફતે કરવામાં આવશે.
મંત્રીએ ઉમેર્યું કે, નોંધણી થયેલ ખેડૂતોને ક્રમાનુસાર SMS મોકલી અથવા ટેલીફોનિક જાણ કરાશે. જાણ કરાયેલા ખેડૂતોએ FAQ ગુણવત્તાવાળા પાકોના નિયત જથ્થા સાથે નિયત ખરીદ કેન્દ્ર ખાતે વેચાણ માટે હાજર રહેવાનું રહેશે. સોમવારથી શુક્રવાર દરમિયાન સંજોગોવસાત નિયત દિવસે હાજર ન રહી શક્યા હોય તેવા ખેડૂતોને શનિવારના દિવસે વેચાણ માટે તક આપવામાં આવશે. વેચાણ કરેલ જણસીનું ખેડૂતોને ચુકવણું સીધા ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા ખરીફ વર્ષ 2022-23 માટે મગફળીનો ટેકાનો ભાવ રૂ.5,850, મગનો રૂ. 7,755, અડદનો રૂ.6,600 અને સોયાબિનનો રૂ.4,300 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021-22માં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે કુલ 2,65,558 ખેડૂતોએ નોંધણી કરાવી હતી. જે પૈકી કુલ 49,899 ખેડૂતોએ લાભ લીધો હતો. લાભાર્થી ખેડૂતો પાસેથી કુલ 558.53 કરોડ મૂલ્યના 95,230 મે.ટન મગફળીના જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. ખરીફ વર્ષ 2021-22માં ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે કુલ 18,535 ખેડૂતોએ નોંધણી કરાવેલ હતી. જે પૈકી કુલ 10,288 ખેડૂતોએ લાભ લીધો હતો.
લાભાર્થી ખેડૂતો પાસેથી કુલ 126.03 કરોડ મૂલ્યના 20,004 મે.ટન તુવેરના જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી જ્યારે રવિ સિઝન દરમિયાન વર્ષ 2021-22માં ચણાની ખરીદી માટે કુલ 3,38,777 ખેડૂતોએ નોંધણી કરાવી હતી જે પૈકી કુલ 2,83,043 ખેડૂતોએ લાભ લીધો હતો. લાભાર્થી ખેડૂતો પાસેથી કુલ 2921.60 કરોડ મૂલ્યના 5,58,623 મે.ટન ચણાના જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube