ખેડૂતો માટે ખુશીના સમાચાર, કમોસમી વરસાદને લઇ હવામાન વિભાગે શું કરી આગાહી?
અરેબિયન સીમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશનની અસર ગુજરાત પર નહીં પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. તેમ છતાં 4 દિવસ સુધી દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
અર્પણ કાયદાવાલા/અમદાવાદ: ગુજરાતના ખેડૂતો માટે આજે હવામાન વિભાગ દ્વારા રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ ટળી ગયું છે. જેના કારણે હવે ગુજરાતમાં કમોસમી વરસાદ નહીં પડે. અરેબિયન સીમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશનની અસર ગુજરાત પર નહીં પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. તેમ છતાં 4 દિવસ સુધી દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતના અમરેલી-જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ હજુ લગાડેલું છે. તેમ છતાં ડિપ્રેશનના કારણે વાદળછાયું વાતાવરણ જોવા મળશે પરંતુ વરસાદ નહીં પડે.
રાજ્યમાં હવે શિયાળો ધીમી ગતિએ પ્રવેશ કરી રહ્યો છે, અને તેની અસરો વર્તાવા લાગી છે. વહેલી સવારે ફૂલગુલાબી ઠંડીનો ચમકારો લોકોને અનુભવાઈ રહ્યો છે. જો કે, હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડશે તવી આગાહી કરી હતી. જેમાં જૂનાગઢ, રાજકોટ, દ્વારકા અને જામનગરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. પરંતુ હાલ આ ખતરો ટળી ગયો છે.
હવામાન વિભાગે શું કરી હતી આગાહી?
અગાઉ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે અરબી સમુદ્રમાં સક્રીય થયેલાં લો-પ્રેશરની અસરથી માવઠું થવાની શક્યતાઓ છે. 10 નવેમ્બર સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં માવઠું થાય તેવી સંભાવનાઓ દર્શાવવામાં આવી હતી, જ્યારે ઉત્તર-મધ્ય ગુજરાતમાં માવઠાની શક્યતા નહિવત હતી. લો-પ્રેશરની અસરથી આગામી બે દિવસમાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી.
વેરાવળ બંદર પર 1 નંબરનું ભયસુચક સિગ્નલ
હવામાન વિભાગની આગાહીના પગલે વેરાવળ બંદર પર 1 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ખરાબ હવામાન અને તોફાની દરિયાની આગાહી કરતા આ સિગ્નલને પગલે માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે તાકીદ કરી છે. પોર્ટ વિભાગ દ્વારા માછીમારોને ખરાબ હવામાનની અગાહીના પગલે દરિયો ન ખેડવા જણાવ્યું છે.
જામનગરના નવા બંદર પર 1 નંબરનું સિગ્નલ
જામનગરના નવા બંદર ઉપર પણ હવામાન વિભાગની આગાહીના પગલે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે.અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતાં સિગ્નલ લગાવવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે 7 નવેમ્બરથી 11 નવેમ્બર સુધી હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની ચેતવણી જાહેર કરાઈ છે. જેના કારણે આગામી 5 દિવસ દરિયામાં માછીમારોને સતર્ક રહેવા હવામાન વિભાગે સુચના આપી છે.
અમરેલીના જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ
હવામાન વિભાગની કમોસમી વરસાદ અને ખરાબ વાતાવરણની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય હોવાથી જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અરબ સાગરમાં ફરી ડિપ્રેશન ઉભું થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.