સુરેન્દ્રનગરના વિખ્યાત તરણેતરના મેળાને મળી મંજૂરી, પરંતુ પશુ મેળો નહિ યોજાય
બે વર્ષ બાદ યોજાશે સુરેન્દ્રનગરનો વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો, સરકારે મેળાના આયોજનને આપી મંજૂરી, લમ્પી વાયરસના ફેલાવાને જોતાં પશુ મેળો નહીં યોજાય
મયુર સાંધી/સુરેન્દ્રનગર :બે વર્ષ કોરોના કહેર વચ્ચે ગુજરાતના લોકમેળાને પણ મંજૂરી અપાઈ ન હતી. ત્યારે આ વર્ષે લોકો લોકમેળાનો થનગનાટ માણવા તૈયાર છે. રાજકોટના લોકમેળાને મંજૂરી અપાયા બાદ ગુજરાતના વધુ એક પ્રખ્યાત મેળાને મંજૂરી અપાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે ૩૦ ઓગસ્ટથી ભાતીગળ લોકમેળાનું આયોજન કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે. સરકાર દ્વારા તરણેતરના મેળાને મંજૂરી આપી દેવાઈ છે.
2 વર્ષ બાદ વિશ્વ જગવિખ્યાત તરણેતરના મેળાનું આયોજન કરવામાં આવશે. તમામ પ્રકારની મેળા અંગેની મંજૂરી તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે. જોકે, લમ્પી વાયરસનાં ચેપને ધ્યાને રાખીને એક નિર્ણય લેવાયો છે કે, તરણેતરરના મેળામાં પશુમેળો નહિ યોજાય. દેશ વિદેશથી પર્યટકો આ મેળામાં મુખ્ય મહેમાન તરીકે ઉમટતા હોય છે, ત્યારે આ વર્ષે વધુ પ્રવાસીઓ આવે તેવી શક્યતા છે. મેળાના આયોજન અંગે ગ્રામ પંચાયત દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો : આવુ સાહસ તો સુરતીઓ જ કરી શકે : ગર્ભનાળ, બાળકના વાળ, નખમાંખી બનાવે છે જ્વેલરી
ક્યારે યોજાય છે તરણેતરનો મેળો
સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતર ગામની સીમમાં ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના સાંનિધ્યમાં આ મેળો યોજાય છે. દર વર્ષે ભાદરવા માસની ત્રીજ, ચોથ, પાંચમ અને છઠ એમ ચાર દિવસ મેળો યોજાય છે. રાજ્ય સરકારે આ મેળાને વર્લ્ડ ફેમસ બનાવ્યો. તેમજ અહી પશુ પ્રદર્શન હરીફાઈ યોજીને તેને ધબકતો કર્યો. પશુપાલન વિભાગ દ્વારા 2008 ના વર્ષથી મેળામાં પશુ પ્રદર્શન અને હરીફાઈનો પ્રારંભ કરવામા આવ્યો હતો.