ગાંધીનગર: રાજ્યમાં વસતી તમામ જ્ઞાતિ અને પ્રાંતના લોકો પ્રત્યે રાજ્ય સરકાર સંવેદનશીલ છે, તેનું એક ઉત્તમ ઉદાહરણ સરકારે પુરૂ પાડ્યું છે. અમદાવાદમાં જૂન-૨૦૧૮માં મોબ લિન્ચિંગ -ટોળાશાહીનો ભોગ બનેલ રાજસ્થાનની અનુસૂચિત જાતિની મૃતક મહિલાના પરિવારજનોને ગુજરાત સરકારે SC-ST એટ્રોસીટી એક્ટ હેઠળ રૂ.૮ લાખ, ૨૫ હજારની સહાય કરીને પરપ્રાંતિય ભિક્ષુક મહિલા પ્રત્યે પણ સંવેદનશીલતા દાખવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંત્રી ઇશ્વરભાઇ પરમારે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, તા. ૨૬ જુન-૨૦૧૮ના રોજ અમદાવાદના વાડજ ખાતે ટોળાનો ભોગ બનેલા મૃતક શાન્તાદેવી મદારી જ્ઞાતિના ભિક્ષુક મહિલા હતા. મદારી જ્ઞાતિનો ગુજરાતમાં OBCમાં જ્યારે રાજ્સ્થાનમાં કાલબેલીયા જ્ઞાતિનો અનુસૂચિત જાતિમાં સમાવેશ થાય છે. 


આ ઘટના સંદર્ભે અમારા વિભાગ દ્વારા રાજસ્થાનના પાલી જિલ્લાના સુમેરપુર પ્રાન્ત અધિકારીનો સંપર્ક કરતા ધ્યાનમાં આવ્યું કે, આ જ્ઞાતિનો  રાજસ્થાનમાં અનુસૂચિત જાતિમાં સમાવેશ થાય છે. આ અંગે સુમેરપુર પ્રાંત અધિકારી દ્વારા મૃતક મહિલા SC હોવાનું પ્રમાણપત્ર પ્રાપ્ત થતાં ગુજરાત સરકારે SC-ST એટ્રોસિટી એકટ હેઠળ કેસ નોંધીને જોગવાઇ અનુસાર આ મૃતક મહિલાના પતિને ગાંધીનગર ખાતે રૂ.૮.૨૫ લાખનો સહાય રૂપે ચેક અર્પણ કર્યો હતો. ગુજરાત સરકારે તમામ જ્ઞાતિના અને પરપ્રાંતિય લોકો પ્રત્યે પણ સમાન ભાવ પ્રદર્શિત કર્યો છે. 


રાજસ્થાનથી આવેલા મૃતક મહિલા શાન્તાદેવીના પતિ ચુનીનાથ કાલબેલીયા અને પરિવારજનોને મંત્રીના હસ્તે સહાયનો ચેક અર્પણ કરાયો હતો. અતિ ગરીબ પરિવારને યોગ્ય ન્યાય અપાવતી આ માનવીય પહેલ બદલ મંત્રી ઇશ્વરભાઇ પરમારે બિરદાવીને અભિનંદન આપ્યા હતા.