કલાકો સુધી લાઈનમાં ઉભવાની જરૂર નથી, ઘર બેઠા થઈ જશે e-KYC, આ રીતે કરો પ્રોસેસ
e-KYCમાં વધુ ઝડપ માટે પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત : અત્યાર સુધીમાં ૨.૭૫ કરોડથી વધુ નાગરિકોનું e-KYC પૂર્ણ : અન્ન-નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ માહિતી આપી છે.
ગાંધીનગરઃ રાજ્યભરમાં e-KYC નો કકળાટ ચાલી રહ્યો છે. લોકો e-KYC કરાવવા માટે દિવસભર લાઈનમાં ઉભા રહે છે. સરકારી કચેરીઓમાં જ્યાં e-KYC ની કામગીરી ચાલી રહી છે ત્યાં લોકોને અનેક મુશ્કેલી પડી રહી છે. આ વચ્ચે
રાજ્યના નાગરિકો સરળ અને ઝડપથી e-KYC કરી શકે તે માટે પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત છે. આ વ્યવસ્થા પર બે અધિકારીઓ સતત મોનીટરીંગ કરી રહ્યા છે. રાજ્યમાં ૧.૩૮ કરોડ નાગરિકોએ ઘરે બેઠા માય-રેશન એપ દ્વારા જ્યારે ગ્રામ પંચાયત લેવલે VCE દ્વારા ૧.૦૭ કરોડ નાગરિકોનું e-KYC કરવામાં આવ્યુ છે.
આમ, ‘માય- રેશન એપ’, ગ્રામ પંચાયત, જનસેવા કેન્દ્રો, પોસ્ટ ઓફિસ, બેંક, આંગણવાડી વગેરેના માધ્યમથી અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૨.૭૫ કરોડથી વધુ નાગરિકોનું e-KYC સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યુ છે તેમ અન્ન-નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ આજે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં રાજ્યમાં જનસેવા કેન્દ્રો હસ્તક ૫૪૬, ગ્રામ પંચાયતોમાં ૫૦૬, શિક્ષણ વિભાગ પાસે ૨૨૬, આંગણવાડીમાં ૩૧૧ તેમજ પોસ્ટ-બેંક હસ્તક ૨,૭૮૭ આમ કુલ ૪,૩૭૬ જેટલી આધારકીટ કાર્યરત છે. e-KYCમાં નાગરિકોને વધુ સરળતા રહે તે માટે નવી ૧,૦૦૦ આધારકીટ કાર્યરત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ ખેડૂતો માટે ચિંતાના સમાચાર, ડિસેમ્બરમાં પડશે માવઠા, અંબાલાલ પટેલે કરી આગાહી
મંત્રી કુંવરજીભાઇએ કહ્યું હતું કે, e-KYC પુરવઠા વિભાગ તરફથી થાય છે પરંતુ તેનો સંપૂર્ણ આધાર UID એટલે કે આધારકાર્ડ ઉપર છે. આધાકાર્ડનાં નામ/અટકનાં સુધારા ન થાય ત્યાં સુધી e-KYC થતું નથી. આધારકાર્ડનું કામ GAD પ્લાનિંગ તરફથી થાય છે. આધારકાર્ડની કીટની સંખ્યા વધારવા અને કીટનાં પ્રશ્નો નિવારવા ગાંધીનગર ખાતે કંટ્રોલરૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લા કલેકટરોને પોસ્ટ અને બેંક સાથે સંકલન કરીને આધારકીટ કાર્યરત રાખવા અને સતત મોનીટરીંગ કરવાની આયોજન વિભાગ તરફથી સૂચના આપવામાં આવી છે તેમ, મંત્રીએ ઉમેર્યુ હતું.