ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસાની સીઝનમાં અનેક જગ્યાએ ભારે વરસાદ પડ્યો હતો. ખાસ કરીને શ્રાવણ મહિનામાં પડેલા ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. અનેક જગ્યાએ ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા. ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો ખેડૂતોને અતિ નુકસાન થયું છે. સૌરાષ્ટ્રમાં લીલો દુષ્કાર જાહેર કરવાની માંગ પણ કરવામાં આવી હતી. વરસાદને કારણે જમીનનું ધોવાણ પણ થયું હતું. તેવામાં ખેડૂતો માટે સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતો માટે જાહેર કરાશે રાહત પેકેજ
ગુજરાતમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયું હતું. ઘણી જગ્યાએ જમીનનું ધોવાણ થયું હતું. તેવામાં સરકાર દ્વારા ખેડૂતો માટે પાકને નુકસાન થયું તે માટે એક હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવી શકે છે. આ પેકેજમાં આશરે ચાર લાખ જેટલા ખેડૂતોને આવરી લેવામાં આવશે. ખેડૂતોને રાહત પેકેજ આપવાની ફાઈનલને મંજૂરી મળવાની બાકી છે. ટૂંક સમયમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. 


કૃષિ વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજ્યમાં ભારે વરસાદને કારણે પાકને નુકસાન થયું છે તેનો સર્વે થઈ ગયો છે. આ રિપોર્ટ મુખ્યમંત્રી કાર્યાલયમચાચં મોકલી આપવામાં આવ્યો છે. સૂત્રો પ્રમાણે ભારે વરસાદને કારણે ખરીફ સિઝનમાં મોટું નુકસાન થયું છે. રાજ્યના 14 જેટલા જિલ્લાઓમાં તેની અસર થઈ હતી. જેથી ખેડૂતોને રાહત આપવા માટે આગામી દિવસમાં સરકાર દ્વારા પેકેજ જાહેર કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે કેન્દ્ર સરકારે પણ ગુજરાત માટે 600 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે. 


સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ ખેડૂતોએ લીલો દુષ્કાળ જાહેર કરવાની પણ માંગ કરી હતી. આ વર્ષે ચોમાસું લાંબુ ખેંચાતા તાજેતરમાં પણ વરસાદ પડ્યો હતો. તેવામાં ખેડૂતોની સ્થિતિ વધુ મુશ્કેલ બની છે. એક તરફ ચોમાસામાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાતા પાક બરબાદ થઈ ગયો હતો. હવે ખેડૂતો સરકારની સહાયની રાહ જોઈ રહ્યાં છે.