હિતલ પારેખ, ગાંધીનગર: નવી સરકારમાં ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના અધિકારીઓને દિવાળી પહેલાં જ દિવાળીની ખુબ મોટી ભેટ મળી ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લાંબા સમયથી અટકેલાં મહેસૂલ વિભાગના બઢતીના કામને યુદ્ધના ધોરણે મંજૂરી આપીને દિવાળી પહેલાં જ પ્રમોશન ઓર્ડર જાહેર કરી દીધાં છે. જેને કારણે મહેસૂલ વિભાગના અધિકારીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના મહેસુલ વિભાગે કર્મચારીઓના હિતને ધ્યાને લઈ 118 નાયબ મામલતદારોને પ્રમોશન આપી મામલતદાર તરીકે અને 13 મામલતદારોને ડેપ્યુટી કલેકટર તરીકે બઢતી આપવામાં આવી છે. સાથે સાથે 155 મામલતદારોને બદલીમાં હુકમો થઈ કુલ 286 મહેસૂલી અધિકારીઓના હુકમો કરવામાં આવ્યા છે. આ અઠવાડિયામાં અગાઉ 40 જેટલા મામલતદારોની બદલી અંગેના હુકમો કરવામાં આવ્યા હતા.


ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર પ્રજા હિતના નિર્ણયો ઝડપથી લઇને વહીવટી તંત્રને સરળ બનાવી રહી છે તેના ભાગ રૂપે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જનતા માટે મહેસુલ વિભાગમાં બદલી અને બઢતી અંગેના ત્વરિત નિર્ણયો લેવા કમર કસી છે. આ હુકમો સાથે ત્રિવેદીએ એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો કે અધિકારીઓ પણ પોતાની બઢતી આપેલી જગ્યાએ ત્વરિત કામગીરી શરૂ કરી દેશે. અને જે રીતે સરકાર ઝડપથી નિર્ણય લે છે તે ઝડપથી અધિકારીઓ પ્રજાના કાર્યો કરશે.


મહેસુલ વિભાગ અને જિલ્લાની મહેસૂલી કચેરીઓમાં લાંબા સમયથી મામલતદારની ખાલી પડેલી જગ્યાઓ અને નાયબ મામલતદારોની બઢતી બાબતે ઘણા સમયથી રજૂઆતો હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વહીવટી તંત્ર ને વધુ જીવંત અને સરળ બનાવવા માટે દિવાળી અગાઉ રાજાના દિવસોમાં પણ અંગત રસ લઈ સીધી દેખરેખ હેઠળ નિર્ણય લીધો છે.