National Institution of Transforming India: હંસલા હાલો રે હવે, મોતીડા નહીં રે મળે આ તો ઝાંઝવાના પાણી... ગુજરાત માટે આ પંક્તિ ફીટ બેસે છે. દૂરથી દેખાય એ બધુ સાચું નથી હોતું, મોટી મોટી બિલ્ડીંગો, રોડ રસ્તા અને ઈન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ એ ગુજરાતનો વિકાસ નથી.  ગુજરાતએ મોડેલ રાજ્ય અને વિકસિત રાજ્ય હોવાના ગુણગાન દેશભરમાં ગવાય છે પણ નીતિ આયોગે ગુજરાત સરકારની પોલ ખોલી દીધી છે. ગુજરાતમાં રોજ નવા વિકાસની વાતો થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારીઓના ભરોસે અને ઓફિસોમાં પ્રેઝન્ટેશનોથી વિકાસના દાવાઓ કરતા ગુજરાતની મોદી સરકારે પોલ ખોલ દીધી છે. નીતિ આયોગના રિપોર્ટ સાબિત કરી રહ્યાં છે કે દેખાય છે એ બધુ વાસ્તવિક નથી. આંકડાઓની માયાજાળમાં ગુજરાતનો નબળો વિકાસ છુપાવી સરકારના ગુણગાન ગવાઈ રહ્યાં છે. શિક્ષણ, ખેડૂતોની આવક, રોજગારી, મજૂરો અને ભૂખમરા અને કુપોષણમાં તો ગુજરાત મેડલ લાવે એવી સ્થિતિ છે. સરકારી બાબુઓ નેતાઓને અંધારામાં રાખી રહ્યાં છે પણ સ્થિતિ કંઈક અલગ છે. નીતિ આયોગના રિપોર્ટે દેશભરમાં ગુજરાતના વિકાસની કીરકીરી કરી દીધી છે. 


ભૂખમરા અને કુપોષણમાં મેડલ મેળવશે ગુજરાત-
તમને યકીન નહીં થાય પણ ભૂખમરા સૂચકાંકમાં ય ગુજરાત દેશમાં 25માં ક્રમે રહ્યું છે. સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ- 2નો મૂળભૂત હેતુ ઝીરો હંગર ઈન્ડેક્ષ હાંસલ કરવાનો છે પણ ભાજપના રાજમાં ગુજરાતે માત્ર 41 પોઈન્ટ મેળવ્યા છે. ભૂખમરા સામેની લડાઈમાં ગુજરાત એ ઓડિશા, મધ્યપ્રદેશ સહીત અન્ય 23 રાજ્યો કરતા પાછળ રહ્યું છે. ગુજરાતમાં સરેરાશ 12 લાખ બાળકોના જન્મ સમયે 30 હજારથી બાળકોના મોત થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં 7,15,515 બાળકો કુપોષિત છે. સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ 2 પ્રદર્શનમાં ગુજરાતની સ્થિતિ સતત કથળી રહી છે. સિવિયર એક્યુટ માલન્યુટ્રીશનને લીધે વર્ષ 2020-21માં 9606, વર્ષ 2021-22માં 13,048 અને વર્ષ 2020-23માં 18,978 બાળકો ન્યુટ્રીશન રિહેબિલિટેશન સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. 


મજૂરોનું શોષણ, 280 રૂપિયા ચૂકવાય છે મજદૂરી-
ગરીબોની હાલત પણ ગુજરાતમાં સૌથી બદતર છે. નેશનલ રૂરલ એમ્પલોયમેન્ટ ગેરન્ટી યોજના હેઠળ શ્રમિકોને રોજગાર પ્રદાન કરવામાં આવી રહ્યુ છે. પરંતુ સવાલ માત્ર લઘુ્ત્તમ વેતનનો જ નથી. કેન્દ્ર સરકારે લોકસભામાં માહિતી આપી છે કે, સિક્કીમ, તામિલનાડુ, તેલંગાના, પોંડીચેરી, આંદામાન, ગોવા, પંજાબ, હરિયાણા, કર્ણાટક, કેરાલા, લક્ષદીપ અને દાદરા નગર હવેલી એવા રાજ્યોમાં જ્યાં મનરેગા યોજના હેઠળ મજૂરીને લઘુત્તમ વેતન 300 રૂપિયાથી વધુ ચૂકવવામાં આવે છે. ગુજરાત આ મામલે પણ ઘણું પાછળ છે. ગુજરાતમાં ગરીબ શ્રમિકને માત્ર 280 રૂપિયા વેતન ચૂકવાય છે.


ગુજરાત ખેડૂતોની આવક મામલે 11માં નંબરે-
વાઇબ્રન્ટ ગુજરાત અને વાઈબ્રન્ટની વાતો કરતું સરકારી તંત્ર ખેડૂતોની આવક પણ વધારી શક્યું નથી. ખેડૂતોની માસિક આવક માત્રને માત્ર 12,631 રહી છે. જોકે, મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ય ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઘણી ઓછી છે. ગુજરાતના ખેડૂતોને આંબલી પીપળી દેખાડાઈ રહી છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે કે, મેઘાલયમાં  ખેડૂતોની માસિક આવક રૂ. 29348 રહી છે. જયારે રૂ.26701 માસિક આવક સાથે પંજાબ બીજા નંબરે રહ્યું છે. ત્રીજા ક્રમે હરિયાણા રહ્યુ છે જયાં ખેડૂતો મહિને રૂ.22841 મેળવી રહ્યા છે. જોકે, વિકસીત રાજ્ય ગુજરાતના ખેડૂતો આવક દ્રષ્ટિએ 11માં ક્રમે રહ્યા છે.


સરકારની વાહવાહી પણ કેન્દ્રએ પોલ ખોલી-
નીતિ આયોગના એસડીજી રીપોર્ટ પ્રમાણે, દેશના દરિયાકાંઠે આવેલાં રાજ્યોમાંથી ગુજરાત જ એક માત્ર એવું રાજ્ય છે કે જ્યાં 2020-21ની સરખામણીમાં 2023-24મા મેન્ગ્રુવ જંગલો ઘટ્યા છે. ગુજરાતમાં એસડીજીના બે રીપોર્ટ વચ્ચેના સમયગાળામાં મેન્ગ્રુવ જંગલોના વિસ્તારમાં 0.17 ટકાનો જ ઘટાડો થયો છે. ગુજરાત સરકારે ગત સપ્તાહે જ દાવો કરેલો કે, ગુજરાતમાં 1991માં 397 ચોરસ કિલોમીટર વિસ્તારમાં મેન્ગ્રુવ જંગલો હતાં જ્યારે 2021માં 1175 ચોરસ કિલોમીટર વિસ્તારમાં મેન્ગ્રુવના જંગલો છે. ગુજરાત સરકારે મેન્ગ્રુવ જંગલ વિસ્તાર વધારીને જોરદાર કામગીરી કરી હોવાનો દાવો કરીને જાતે જ પોતાની પીઠ થપથપાવી હતી પણ આ દાવાની પણ પોલ ખૂલી ગઈ છે. 


ફ્રન્ટ રનર સ્ટેટ ગુજરાત પરફોર્મર સ્ટેટ બની ગયું...
નીતિ આયોગના રિપોર્ટે ગુજરાતના શિક્ષણની પણ પોલ ખોલી દીધી છે. રાજ્યમાં શિક્ષણ અધોગતિ તરફ જઈ રહ્યું છે. ફ્રન્ટ રનર સ્ટેટ ગુજરાત છેક 18માં ક્રમે પહોંચી ગયું છે. 2024માં ફક્ત પરફોર્મર સ્ટેટ બની રહ્યું છે. દેશ કરતાં રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયો વધુ હોવાની સાથે પ્રવેશોત્સવ, ભણે ગુજરાત જેવા કાર્યક્રમો માત્ર તાયફા બની રહ્યાં છે અને શિક્ષણની સ્થિતિ ચિંતાજનક છે. ગુજરાતમાં શિક્ષણ પાછળ સૌથી વધારે બજેટ ફાળવાય છે. નીતિ આયોગના રિપોર્ટ ગુજરાત સરકારની પોલ ખોલી દીધી છે. આમ ગુજરાત સરકાર માત્ર વાહવાહી કરે છે પણ નીતિ આયોગના રિપોર્ટોએ સરકારની પોલ ખોલી દીધી છે.