હડતાળ પર ઉતરેલા રેસીડેન્ટ ડોક્ટરોને સરકારનું અલ્ટીમેટમ, કહ્યું- ફરજ પર હાજર થાવ નહીં તો....
Resident Doctors On Strike : ગુજરાતમાં રેસીડેન્ટ ડોક્ટરો સ્ટાઈપેન્ડમાં વધારાની સાથે હડતાળ પર ઉતર્યા છે. તબીબોની હડતાળને કારણે દર્દીઓએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. હવે સરકારે હડતાળ પર ઉતરેલા ડોક્ટરોને અલ્ટીમેટમ આપી દીધું છે.
અમદાવાદઃ ગુજરાતમાં હોસ્ટિપલોમાં કામ કરતા રેસીડેન્ટ હોક્ટરો પોતાની વિવિધ માંગ સાથે હડતાલ પર ઉતરી ગયા હતા. તબીબોની હડતાળને કારણે દર્દીઓએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. રેસિડન્ડ તબીબોનો આરોપ છે કે સ્ટાઈપેન્ટમાં અપાયેલો વધારો ઓછો છે. 5 વર્ષે 40 ટકા વધારવાની જગ્યાએ 20 ટકા જ વધાર્યા હોવાની તબીબોની ફરિયાદ છે. ત્યારે 3 વર્ષે આપવાનું સ્ટાઈપેન્ડ 5 વર્ષે આપ્યું, અને તે પણ ઓછુ હોવાથી રેસિડન્ટ તબીબો હડતાળ પર ઉતરી ગયા છે.
હવે સરકારે તબીબોને અલ્ટીમેટમ આપી દીધું છે.
સરકારે આપ્યું અલ્ટીમેટમ
રાજ્ય સરકારે હડતાળ પર ઉતરેલા રેસીડેન્ટ ડોક્ટરોને અલ્ટીમેટમ આપી દીધું છે. સરકારે કહ્યું કે સ્ટાઈપેન્ડમાં વધારા સામે અસંતોષને કારણે હડતાળ પર ઉતરેલા તબીબો સામે કાર્યવાહી થઈ શકે છે. સરકારે તબીબોને અલ્ટીમેટમ આપતા કહ્યું કે આવતીકાલે સવારે 9 કલાક સુધી ફરજ પર ન જોડાનાર રેસીડેન્ટ ડોક્ટરો સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. હવે તે જોવાનું રહ્યું કે સરકારના અલ્ટીમેટમ બાદ રેસીડેન્ટ ડોક્ટરોની હડતાળનો અંત આવે છે કે નહીં.
સ્ટાઈપેન્ડમાં વધારો જાહેર કરાયો
સરકારે એક અખબારી યાદીમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ઈન્ટન્સ અને રેસિડેન્ટ તબીબોના સ્ટાઈપેન્ડમાં ગઈકાલ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ મળતા સ્ટાઈપેડ થી ૨૦ ટકા જેટલો વધારો કરાયો છે. જેને પગલે જુનિયર ડોક્ટર્સ એસોસિએશન દ્વારા આવતી કાલથી ૪૦% ટકા સ્ટાઈપેંડ વધારા માટે હડતાલ કરવાની રાજ્ય સરકારને ચીમકી અપાઇ છે જે સંપૂર્ણપણે ગેરવ્યાજબી છે. દર્દીઓની સારવારના ભોગે તેમનો આ નિર્ણય અમાનવીય છે. આ ચીમકી દ્વારા દર્દીઓને બાનમાં લેવાની પ્રવૃતિ બિલકુલ સાંખી લેવાય તેમ નથી. ખરી પરિસ્થિતિ તો એ છે કે, રેસીડેન્ટ તબીબોને દેશમાં સૌથી વધુ સ્ટાઈપેંડ આપનાર રાજ્યોમાં ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્રેસર છે.
આ પણ વાંચોઃ હજુ ખતરો ટળ્યો નથી, આગામી પાંચ દિવસ આ જિલ્લામાં એલર્ટ, જાણો તારીખો સાથે નવી આગાહી
ગુજરાતમાં ઇન્ટર્ન અને રેસીડન્ટ તબીબોને અપાતું સ્ટેપેન્ડ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે જ્યારે આ રેસીડન્ટ તબીબોને ભણાવતા પ્રોફેસરના પગાર ઉપર પણ લાગે છે ટેક્સ. રૂ.૧ લાખ થી વધુની રકમનું સ્ટાઇપેન્ડ લાંબા સમયથી રેસીડેન્ટ ડોક્ટરોને આપવામાં આવે છે.તેમાં પણ સરકારે ૨૦% નો વધારો કરીને ૧,૩૦,૦૦૦ સુધીનું કર્યું છે. દેશમાં અનેક રાજ્યો માં ૪૦ હજારથી ૭૦ હજાર સ્ટાઈપેંડની સામે ગુજરાતમાં રેસીડેન્ટ તબીબોને અપાતું સ્ટાઈપેંડ રૂ.૧ લાખ થી વધુ છે. વધુમાં અન્ય રાજ્યોમાં ત્રણ વર્ષના બોન્ડ જેની સામે ગુજરાતમાં એક જ વર્ષના બોન્ડ છે. આ ઈન્ટર્ન અને રેસીડેન્ટ તબીબોને ભણાવતા કરાર આધારિત પ્રોફેસરો કરતા વધુ રકમ સ્ટાઇપેન્ડ રુપે આ રેસીડેન્ટ તબીબોને અપાય છે. રેસીડેન્સી તબીબોને ભણાવતા પ્રોફેસર કરતાં પણ વધુ સ્ટાઇપેન્ડ થાય તેવી આ રેસિડેન્ટ તબીબોની માંગણી સંપૂર્ણપણે ગેરવ્યાજબી છે.
અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં મળતુ સ્ટાઈપેન્ડ વધારે
ગુજરાતની સરખામણીએ રેસિડન્ટ ડોક્ટરોને અન્ય રાજ્યોના તબીબોને મળતું સ્ટાઇપેન્ડ ખૂબ ઓછું છે. સૌથી વધુ સ્ટાઇપેન્ડ ચૂકવનાર રાજ્યોમાં ગુજરાત મોખરે છે. છતાં રાજ્યના 8 હજાર તબીબો વધુ સ્ટાઇપેન્ડની માંગ સાથે આજથી હડતાળ ઉપર ઉતર્યાં છે. ગુજરાતમાં રેસીડેન્ટ તબીબોને 1 લાખથી વધુ સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે.