પાક વીમો ન હોય તેમને પણ રાજ્ય સરકાર આપશે સહાય, સર્વેની કામગીરી શરૂઃ નીતિન પટેલ
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, જેમણે પાક વીમો લીધો નથી તેમને પણ સહાય આપવાનો સરકારે નિર્ણય લીધો છે. મહા વાવાઝોડના કારણે પડેલા કમોસમી વરસાદના કારણે જ્યાં પણ તૈયાર પાકને નુકસાન થયું છે ત્યાં સર્વેની કામગીરી ચાલી રહી છે.
ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં પાક વીમા અને પાક નુકસાન અંગે એક બેઠક યોજાઈ હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કૃષિ મંત્રી આર.સી ફળદુ અને ઉર્જા મંત્રી સૌરભ પટેલ હાજર રહ્યા હતા. આ બેઠક પછી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્યમાં આ વર્ષે વધુ પ્રમાણમાં થયેલા વરસાદના કારણે ખેડૂતોને પાકમાં થયેલા નુકસાન મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
સરકાર સર્વેની કામગીરી કરી રહી છે
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, જેમણે પાક વીમો લીધો નથી તેમને પણ સહાય આપવાનો સરકારે નિર્ણય લીધો છે. મહા વાવાઝોડના કારણે નુકસાનની ભીતિ હતી, પરંતુ આ વાવાઝોડું ટળી ગયું છે અને તેનાથી કોઇ નુકસાન થયું નથી. આ વાવાઝોડાના કારણે પડેલા કમોસમી વરસાદના કારણે જ્યાં પણ તૈયાર પાકને નુકસાન થયું છે ત્યાં સર્વેની કામગીરી ચાલી રહી છે.
નીતિન પટેલે વધુમાં કહ્યું કે, કપાસ અને મગફળીના પાકમાં વ્યાપક નુકસાન થયું છે. સરકારે ખેડૂતોને પાકમાં નુકસાન મુદ્દે સહાય આપવાનો નિર્ણય લીધો છે. તેના માટે સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરી વળતર ચુકવવા મુખ્યમંત્રીએ આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી રૂપાણીએ અગાઉ જ આ મુદ્દે જાહેરાત કરી હતી. આજે રિવ્યુ બેઠક યોજાઇ હતી. કૃષિ વિભાગને 5 લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં નુકસાન થયું હોવાની ખેડૂતોની અરજી મળી છે. કૃષિ વિભાગ દ્વારા 3 લાખ હેક્ટર જમીન પર સર્વે પૂર્ણ થઇ ચૂક્યો છે.
મહા વાવાઝોડાનું સંકટ ટળતા હવે સોમનાથનો કાર્તિકી પૂનમનો મેળો યોજાશે, જાહેર થઈ તારીખ
પાક વીમાનું રક્ષણ મેળવવાનો ખેડૂતનો અધિકાર છે. વાવેતર ન થયું હોય તેવા કિસ્સામાં પણ સહાય મળશે. ક્રોપ કટિંગમાં ઉત્પાદનની ઘટમાં પણ સહાય મળે છે. પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને લાભ મળે તે જરૂરી છે. વીમા કંપનીઓ સાથે સરકાર સંપર્કમાં છે.
નીતિન પટેલે આગળ કહ્યું કે, 22 જિલ્લાઓમાં સરકાર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આગામી 7 દિવસમાં ખેડૂતોની અરજી પર સરવે પૂર્ણ કરાશે. ખેડૂતોને ઝડપથી વળતર આપવા માટે કટિબધ્ધ છીએ. મગફળી ભીંજાયેલી હોવાથી હાલ ખરીદી બંધ રાખી છે. ખેડૂતોની રજૂઆતો મળ્યા બાદ ખરીદી બંધ કરાઇ હતી. મગફળી સુકાશે ત્યાર બાદ ખરીદી શરૂ કરાશે. એસટીઆરએફના નિયમો મુજબ ખેડૂતોને નુકસાનીની રકમ ચૂકવવામાં આવશે.
જુઓ LIVE TV....
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube