ગાંધીનગરઃ ગુજરાતમાં રસ્તાઓ પર રખડતા ઢોરે અત્યાર સુધી ઘણા લોકોના જીવ પણ લઈ લીધા છે. ત્યારે રાજ્ય સરકાર વિધાનસભામાં રખડતા પશુઓ અંગે એક બિલ લાવી હતી. પરંતુ આ બિલ આવવાની સાથે રાજ્યભરના માલધારી સમાજે વિરોધ પ્રદર્શનો કર્યા હતા. માલધારી સમાજ દ્વારા આ બિલને પરત લેવાની માંગ કરવામાં આવી રહી હતી. માલધારી સમાજની વિવિધ રજૂઆતોને જોતા રાજ્ય સરકારે ઢોર નિયંત્રણ કાયદાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના મંત્રી અને પ્રવક્તા જિતુ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજીને આ માહિતી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય
રાજ્ય સરકારના મંત્રી અને પ્રવક્તા જિતુ વાઘાણીએ કહ્યુ કે, ઢોર નિયંત્રણ બિલ પર કોઈને મુશ્કેલી પડે તેવું રાજ્ય સરકાર કરશે નહીં. તેમણે કહ્યું કે, માલધારી સમાજના આગેવાનો સાથે આજે પણ બેઠક થઈ હતી. ત્યારબાદ મુખ્યમંત્રીએ કાયદાને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, આ અંગે કોઈને તકલીફ ન પડે એટલે તમામ ચર્ચાના અંતે બિલ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


આ પણ વાંચોઃ રાજ્યના લોકોએ ક્યાં સુધી માસ્ક પહેરવું પડશે? આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપ્યો જવાબ


માલધારી સમાજના પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી કાયદો સ્થગિત
રાજ્ય સરકારે આ બિલ વિધાનસભામાં રજૂ કર્યું હતું. પરંતુ સમગ્ર રાજ્યમાં માલધારી સમાજ આ બિલનો સતત વિરોધ કરી રહ્યો હતો. માલધારી સમાજની માંગ પણ આ બિલને રદ્દ કરવાની હતી. સરકારે માલધારી સમાજ સાથે બેઠકો પણ કરી હતી. જિતુ વાઘાણીએ કહ્યુ કે, સમૂહના પ્રશ્નોનો યોગ્ય ઉકેલ ન આવે ત્યાં સુધી કાયદો સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


શું હતું સરકારના નવા બિલમાં
રાજ્ય સરકારે જાહેર કરેલા બિલમાં પહેલા 10 હજારથી 50 હજાર રૂપિયાના દંડની જોગવાઈ હતી. ચર્ચા બાદ દંડની રકમ 5 હજારથી 25 હજાર કરવામાં આવી હતી. આ સાથે શહેરી વિસ્તારમાં ઢોર રાખવા માટે લાયસન્સ લેવું પડશે, તેવી જોગવાઈ પણ કરવામાં આવી હતી. તો મંજૂરીથે જે પશુ રાખવામાં આવશે તેને ટેગ પણ લગાવવો પડશે. તો કાયદાનો ભંગ કરવા બદલ સજાની પણ જોગવાઈ કરવામાં આવી હતી. લાયસન્સ મેળવ્યાના 15 દિવસની અંદર પશુને ટેગ લગાવવાની જોગવાઈ હતી. તો જો કોઈ કર્મચારીઓ પશુ પકડવા જાય અને તેના પર હુમલો કરવામાં આવે તો કાર્યવાહી કરવાની જોગવાઈ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube