ખેડૂતો માટે સરકારે બજેટમાં 30 હજાર કરોડની જોગવાઈ કરી છેઃ સૌરભ પટેલ
સરકારે ટેકાના ભાવ પણ વધાર્યા છે અને હાર્દિકની સારવાર માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે
ગાંધીનગરઃ હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને લઈને બુધવારે બપોરે ઊર્જા મંત્રી સૌરભ પટેલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, સરકાર દ્વારા બજેટમાં ખેડૂતો માટે રૂ.30 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સરકારે પાક માટેના લઘુત્તમ ટેકાના ભાવ પણ વધારેલા છે. ખેડૂતોની તમામ બાબતોનું સરકારે ધ્યાન રાખ્યું છે.
પત્રકારો દ્વારા જ્યારે સૌરભ પટેલને પુછવામાં આવ્યું કે, પાટીદાર સમાજના આગેવાનો સરકારને મધ્યસ્થી બનીને મળવા આવ્યા હતા, જેના અંગે પાસે જણાવ્યું છે કે, તેઓ અમને પુછ્યા વગર આવ્યા હતા. સૌરભ પટેલે જણાવ્યું કે, આ પીટાદાર સમાજ અને પાસના નેતાઓ વચ્ચેની અંગત બાબત છે. તેની સાથે સરકારને કોઈ લેવાદેવા નથી.
શત્રુધ્ન સિંહા અને યશવંત સિંહાની હાર્દિક પટેલ સાથેની મુલાકાત અંગે તેમણે જણાવ્યું કે, તેઓ એમની રીતે મળવા ગયા હતા. યશવંત સિંહા મોટા અર્થશાસ્ત્રી છે, તેમણે હાર્દિકને સમજાવવો જોઈએ.
હાર્દિક અંગે સૌરભ પટેલે જણાવ્યું કે, સરકારે તો હાર્દિકને પારણા કરવા માટે વિનંતી કરી છે. સરકાર દ્વારા તેમની સારવારની પુરતી વ્યવસ્થા કરાઈ છે.