ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં ડૉકટર બનવા માંગતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના તમામ જિલ્લામાં મેડિકલ કોલેજ બનશે તેવી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં ખાતરી આપી છે. કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીના સવાલમાં સરકારે મેડિકલ કોલેજ અંગે જાહેરાત કરી છે. ગૃહમાં ઋષિકેશ પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, જિલ્લા દીઠ મેડિકલ કોલેજ બનવી જોઈએ. આ દિશામાં રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


અમદાવાદની સરકારી જનરલ હોસ્પિટલમાં સ્ટાફની અછત હોવાનું સામે આવ્યું છે. યુ.એન. મહેતા હોસ્પિટલમાં વર્ગ-1ની બસોથી વધુ જગ્યા ખાલી છે. જ્યારે વર્ગ-2ની 439, વર્ગ-3ની 846 અને વર્ગ-4ની 55 જગ્યા ખાલી છે. તો કિડની હોસ્પિટલ અને કેન્સર હોસ્પિટલમાં પણ તમામ વર્ગની જગ્યાઓ ખાલી છે. યુ.એન. મહેતા અને કિડની હોસ્પિટલમાં કેટલીક જગ્યા આઉટસોર્સથી ભરવામાં આવી છે.


અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરનો મુદ્દે વિધાનસભામાં ઉછળ્યો હતો. ટ્રોમા સેન્ટર પર લાંબી લાઈનો લાગતી હોવાની કોંગ્રેસના ધારાસભ્યએ અર્જુન મોઢવાડિયાએ ગૃહમાં રજૂઆત કરી. જો કે આરોગ્યમંત્રીએ મોઢવાડિયાની વાત સાચી હોવાનો સ્વીકાર કર્યો અને કહ્યું--ટ્રોમા સેન્ટરમાં આવતા દર્દીઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે. અકસ્માત થવાની સંભાવના વધુ છે ત્યાં 25 જેટલા ટ્રોમા સેન્ટર બનાવવાનું સરકારનું આયોજન છે.