મોગેંબો ખુશ હુઆ: ઢગલાબંધ સરકારી નોકરીઓ, ચોટલી બાંધી શરૂ કરી દો તૈયારીઓ
GPSC EXAM: ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જીપીએસસી દ્વારા આ વર્ષે લેવામાં આવનાર પરીક્ષા માટે કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે.
ગાંધીનગરઃ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જીપીએસસી દ્વારા વિવિધ પરીક્ષાઓ ક્યારે યોજાશે તેનું સંપૂર્ણ કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. વર્ષ 2023માં યોજાનારી તમામ ભરતી માટે જીપીએસસી દ્વારા આ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જીપીએસસીએ આપેલી માહિતી પ્રમાણે મે મહિનાથી વિવિધ પરીક્ષા લેવામાં આવશે.
આ છે પરીક્ષાનો કાર્યક્રમ
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે મે 2023માં કુલ 12 પરીક્ષાનું આયોજન થશે. જેમાં નાયબ નિયામક, કાયદા અધીક્ષક, ટેક્નિકલ ઓફિસર સહિત અનેક ભરતી છે. તો જૂન 2023માં કુલ 15 જુદી-જુદી જગ્યાઓ પર પરીક્ષા લેવામાં આવશે. જ્યારે જુલાઈ મહિનામાં 19 જેટલી વિવિધ જગ્યાઓ પર પરીક્ષા લેવામાં આવશે.
ઓગસ્ટ મહિનામાં 6 જગ્યાઓ પર પરીક્ષાનું આયોજન થવાનું છે. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં 14 જેટલી પરીક્ષા લેવામાં આવશે. ઓક્ટોબર મહિનામાં આયોગ દ્વારા 14 પરીક્ષા લેવાશે. જ્યારે નવેમ્બર મહિનામાં કુલ સાત પરીક્ષાનું આયોજન થશે. જ્યારે ડિસેમ્બર મહિનામાં 13 જેટલી પરીક્ષા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવામાં આવશે.
જીપીએસસીએ પરીક્ષા કેલેન્ડર જાહેર કરતા સરકારી ભરતીની તૈયારી કરતા યુવાનોને મોટો ફાયદો થશે. જે યુવાનો સરકારી નોકરીની પરીક્ષાની રાહ જોતા હતા તેમણે હવે તૈયારી પર ધ્યાન આપવું પડશે. કારણ કે જીપીએસસી દ્વારા અનેક ભરતીઓ કરવામાં આવશે. આ વર્ષે કુલ 62 જેટલી જુદી-જુદી પરીક્ષા લેવાની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube