આવતીકાલે રાજકોટમાં GPSC પરીક્ષા : કોરોના પોઝિટિવ ઉમેદવાર પણ આપી શકશે એક્ઝામ
- આવતીકાલે રાજકોટમાં GPSC ની પરીક્ષા યોજાશે. RFOની પરીક્ષામાં 54 કેન્દ્રો પર 12 હાજર કરતા વધુ ઉમેદવારો પરીક્ષા આપશે
- કોરોના પોઝિટિવ ઉમેદવારોએ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન કરાવેલા જ ઉમેદવારો જ પરીક્ષા આપી શકશે
ગૌરવ દવે/રાજકોટ :કોરોનાની બીજી લહેર બાદ સરકારી નોકરી GPSC માં ભરતી માટેની પરીક્ષાઓ નીકળી છે. આવતીકાલે રવિવારે રાજકોટમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર ( RFO) ની પરીક્ષા યોજાનાર છે. સમગ્ર રાજ્યમાંથી વિદ્યાર્થીઓ રાજકોટ પરીક્ષા આપશે. રાજકોટ જિલ્લામાં 54 કેન્દ્રો પર 12 હજાર કરતા વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. ત્યારે કોરોના પોઝિટિવ ઉમેદવારો પણ આવતીકાલે RFO ની પરીક્ષા આપી શકશે તેવી રાજકોટ અધિક કલેક્ટરે માહિતી આપી છે.
પોઝિટિવ ઉમેદવાર માટે અલગ કેન્દ્ર બનાવાશે
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આવતી કાલે ૨૦મી તારીખ ને રવિવારે રાજકોટમાં વન વિભાગમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરની ભરતી કરવા માટેની પ્રીલીમીનરી પરીક્ષાનું આયોજન કરાયું છે. રાજકોટ અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ આ પરીક્ષા વિશે જણાવ્યું કે, આવતીકાલે રાજકોટમાં GPSC ની પરીક્ષા યોજાશે. RFOની પરીક્ષામાં 54 કેન્દ્રો પર 12 હાજર કરતા વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. કોરોના પોઝિટિવ ઉમેદવારો પણ આ પરીક્ષા આપી શકશે. આ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ ઉમેદવારો માટે અલગથી કેન્દ્ર બનાવવામાં આવનાર છે.
કોઈ પોઝિટિવ ઉમેદવાર સીધા કેન્દ્ર પર ન પહોંચે
તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોના પોઝિટિવ ઉમેદવારોએ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન કરાવેલા જ કોરોના પોઝિટિવ ઉમેદવારો જ પરીક્ષા આપી શકશે. સાથે જ કોઈ પણ કોરોના પોઝિટિવ ઉમેદવાર સીધા પરીક્ષા કેન્દ્રો પણ ન પહોંચે તેવી અપીલ કરાઈ છે.
આજે પ્રશ્નપત્ર રાજકોટ પહોંચાડાશે
ઉલ્લેખનીય છે કે, આજે 19 જુને ગાંધીનગરથી રાજકોટ પોલીસ બંદોબસ્ત સાથે વાહન રવાના થશે. સાંજ સુધીમાં વર્ગ-1 અને 2 ના અધિકારીઓ સાથે સિલબંધ કવરમાં પ્રશ્ન પેપરો રાજકોટ આવી જશે. કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે ૧૨૩૬૫ ઉમેદવારોની પરીક્ષા ૫૪ બિલ્ડીંગમાં ગોઠવવામાં આવી છે. એક વર્ગખંડમાં માત્ર ૨૦ ઉમેદવારો પરીક્ષા આપશે. સવારે 9.30 કલાકે દરેક બિલ્ડીંગમાં ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે. કોરોનાની ગાઇડલાઇન મુજબ દરેક કેન્દ્રોમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.