વિદ્યાર્થીઓના ભાવિ સાથે સરકારની રમત : GPSC પરીક્ષાની તારીખ બદલી, પણ ચૂંટણીઓ તો થશે જ!!!
- જો વિદ્યાર્થીઓના પરીક્ષાઓની તારીખ બદલી શકાય છે તો પછી ચૂંટણીઓની તારીખ કેમ નહિ. સરકારના આ બેવલા વલણથી અનેક સવાલો પેદા થાય છે
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં કોરોના અને ચૂંટણી ફરીથી સાથે આવ્યા છે. પણ લાગે છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ સરકારે કોઈ બોધપાઠ ન લીધો. સરકાર ભલે ન સ્વીકારે પણ ગુજરાતમાં ચૂંટણી બાદ કોરોના વકર્યો હતો. જોકે, કોરોનાના વકરતા કહેર વચ્ચે ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખ પાછી ઠેલાઈ છે. પરંતુ જોકે, આગામી દિવસોમાં આવી રહેલી બે મોટી ચૂંટણીઓ મામલે સરકાર મૌન પાળીને બેસી છે. જો વિદ્યાર્થીઓના પરીક્ષાઓની તારીખ બદલી શકાય છે તો પછી ચૂંટણીઓની તારીખ કેમ નહિ. સરકારના આ બેવલા વલણથી અનેક સવાલો પેદા થાય છે.
પરીક્ષાથી કોરોના થશે, પણ ચૂંટણથી નહિ
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વધુ સ્ફોટક બનતી જઈ રહી છે. લોકો બિનજરૂરી બહાર ન નીકળે તે માટે રાત્રિ કરફ્યૂ પણ લગાવવામાં આવ્યો છે. તો સાથે જ આજે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત કરવામાં આવી કે, એપ્રિલ મહિનાની gpsc ની પરીક્ષાઓમાં ફેરફાર કરાયો છે. એપ્રિલ-મે માસની પરીક્ષાની તારીખ બદલાઈ છે. જેમાં પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ-2 પરીક્ષાની તારીખ બદલાઈ છે. તો સાથે જ નાયબ સેક્શન અધિકારી વર્ગ-3ની પરીક્ષાની તારીખ બદલાઈ છે. આસિસ્ટન્ટ સહાયક વર્ગ-3ની પરીક્ષાની પણ તારીખ બદલાઈ છે. જો સરકાર, કોરોના વાયરસને કારણે પરીક્ષાઓની તારીખ બદલી શકે છે તો ચૂંટણીની તારીખ કેમ નહિ એ સવાલ છે.
આ પણ વાંચો : વિદ્યાર્થીઓ ખાસ વાંચે આ સમાચાર, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખ બદલાઈ
બે દિવસમાં બે ચૂંટણીઓ
આગામી 17 એપ્રિલના રોજ મોરવા હડફની પેટાચૂંટણી યોજાવાની છે. તો 18 એપ્રિલના રોજ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે શું ચૂંટણીથી કોરોના નથી ફેલાતો, અને પરીક્ષાઓથી ફેલાય છે તેવું સરકારનું માનવું છે. હાલ બંને ચૂંટણીઓમાં પક્ષ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. રેલીઓ અને સભામાં કોરોના ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે. હાલમાં જ ગાંધીનગરમાં બૂથ સંવાદ કાર્યક્રમમાં ભાજપના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવ્યા હોવાનું સામે આવ્યું છે. તો સાથે જ અનેક નેતાઓ માસ્ક વગર સભામાં જોવા મળ્યા હતા. આવામાં શું ચૂંટણી યોજવી યોગ્ય છે ખરું ?
આ પણ વાંચો : ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં 17 વર્ષ બાદ સત્યનો વિજય : તરુણ બારોટ સહિત 2 અધિકારીઓને CBI કોર્ટે મુક્ત કર્યાં
ગાંધીનગરવાસીઓ ચૂંટણીની તારીખ બદલવા કરી ચૂક્યા છે અપીલ
જોકે, ગાંધીનગર શહેર વસાહત મહાસંઘે ગાંધીનગર મનપાની ચુંટણીનો વિરોધ કર્યો છે, છતા સરકારના પેટનું પાણી હલ્યું નથી. મહાસંઘ દ્વારા રાજ્યના મુખ્યચુંટણી અધિકારીને મનપાની ચુટંણીઓ મોકૂફ રાખવા રજુઆત કરવામાં આવી છે. કોરોનાનુ સંક્રમણ દિવસે દિવસે વધતું હોવાથી ચુટંણી મોકૂફ રાખવાની માંગ ગાંધીનગરવાસીઓ દ્વારા કરવામાં આવી છે. ગાંધીનગરમાં નિવૃત કર્મચારીઓની સંખ્યા વધારે હોવાથી જો ચૂંટણી થાય તો તેમને કોરોના થવાનો ભય રહે છે. ચુટણીમાં મોટી સંખ્યામાં જાહેરસભા, સરઘસ, લોકસંપર્ક અને બેઠકો થતી હોઈ કોરાનાનુ સંક્રમણ વધવાનો ભય લોકોમાં છે. તેથી ગાંધીનગરમાં ચુટંણી મોકૂફ રાખી વહીવટદાર મૂકવાની માંગ કરાઈ છે. સાથે જ મહાસંઘ દ્વારા ચીમકી આપવામા આવી હતી કે, જો તેમની માંગ નહી સ્વીકારાય તો મનપાની ચુંટણીને હાઇકોર્ટમાં પડકારશે. ગાંધીનગરના તમામ સેક્ટરમાં લોકોને મતદાનનો બહિષ્કાર કરવા અપીલ કરશે. તમામ વોર્ડ અને સેક્ટરમાં ચુંટણી બહિષ્કારના બેનર લગાવશે.
તો બીજી તરફ, ગુજરાતમાં વેક્સિનેશન ધીમી ગતિએ ચાલતું હોવાથી પીએમઓમાં નારાજગી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આથી જ હવે વડાપ્રધાનના ખાસ ગણાતા કૈલાસનાથન સહિતના અધિકારીઓની ટીમને સમગ્ર કામગીરી સોંપી દેવાઇ છે. આગામી દિવસોમાં કોઇપણ ભોગે ગુજરાતમાં કોરોનાને ફરી કાબૂમાં લઇ લેવા તથા વેક્સિનેશનને ઝડપી બનાવવા વડાપ્રધાન દ્વારા ખાસ સૂચના અપાઈ છે.
આ પણ વાંચો : ‘હું પણ રાજપૂત છું, અને પત્નીને ઘરકામમાં મદદ કરું છું...’ રિવાબાના સમર્થનમાં સોશિયલ મીડિયા પર વાવાઝોડું આવ્યું