ઝી મીડિયા/બ્યૂરો :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળશે, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આજની કેબિનેટ બેઠકમાં પોલીસકર્મીઓના ગ્રેડ-પે મુદ્દે પણ ચર્ચા થશે. ગ્રેડ-પે સહિતના વિવિધ મુદ્દા પર પોલીસકર્મીઓ આંદોલન ચલાવી રહ્યા છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસકર્મીઓના પરિવાર સાથે મુલાકાત પણ કરી હતી, ત્યારે આ મુદ્દે મહત્વની ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં તહેવારોના સમયે કોવિડ પ્રોટોકોલ અને છૂટછાટ આપવા સંદર્ભે તથા હાલમાં ચાલી રહેલા વેક્સીનેશન મામલે પણ વિચારણા કરવામાં આવશે. તથા બાળકોને કોરોના રસી આપવા સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવી શકે છે. કેબિનેટ બેઠકમાં વીજ સંકટ સંદર્ભે અને ટેકાના ભાવે મગફળીની ખરીદી અને ખેડૂત સહાય પેકેજ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રેડ-પે સહિતની માગ પર પોલીસકર્મીઓનું આંદોલન યથાવત છે. હવે ગ્રેડ-પેના આંદોલનમાં પોલીસકર્મીના પરિવારજનો પણ જોડાયા છે. ત્યારે પોલીસના પરિવારજનોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી પોતાની માગ તેમની સમક્ષ મૂકી હતી. મુલાકાત બાદ પોલીસ પરિવારે કહ્યું કે, ગૃહ રાજ્યમંત્રીએ અમને મદદની ખાતરી આપી છે અને અમને પોલીસે કોઇ ધમકી આપી નથી. ગ્રેડ પે અને SRPના મુદ્દે ચર્ચા થઇ છે. તો ગૃહ રાજ્યમંત્રી પોલીસ પરિવારો સાથે ફરીથી બેઠક પણ કરશે અને આ કોઇ રાજકીય આંદોલન નથી.


પોલીસકર્મીના પરિવારે કહ્યું કે, જ્યાં સુધી પ્રશ્નો નહી ઉકેલાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ મુદ્દે મહત્વની બેઠક પણ યોજાઈ હતી, જેમાં ગૃહ રાજ્ય મંત્રીને પોલીસ ગ્રેડ-પે અને પોલીસના પગાર તથા ભથ્થા અંગે માહિતી આપવામાં આવી હતી. તો આજે પોલીસ કોન્સ્ટેબલ હાર્દિક પાંડ્યા પણ મીડિયા સમક્ષ આવ્યો અને ગ્રેડ-પે મુદ્દે નિવેદન આપ્યું. વિધાનસભા સામે ધરણા પર બેસેલો હાર્દિક પંડ્યા ગાયબ થયો હોવાની ચર્ચા ઉઠી હતી, પરંતુ આજે તે મીડિયા સામે આવ્યો અને ગ્રેડ-પે મુદ્દે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને વિનંતી કરી છે.