હિતલ પારેખ, ગાંધીનગરઃ ગુજરાતમાં દિનપ્રતિદિન અનાજ કૌભાંડની ઘટનાઓ સામે આવતી રહે છે. ખાસ કરીને સરકારી અનાજની દુકાનોમાંથી ગરીબોના હક્કનું અનાજ બારોબાર સગેવગે કરવાના કૌભાંડો અનેકવાર સામે આવી ચુક્યા છે. ઝી24કલાક દ્વારા અનેકવાર સ્ટીંગ ઓપરેશન થકી આ પ્રકારના કૌભાંડનો પર્દાફાશ કરાયો છે. અહેવાલની અસરને પગલે આખરે ગુજરાત સરકારે આ મુદ્દે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે અનાજ કૌભાંડ અટકાવવા પુરવઠા વિભાગના જૂના 84 કેસો રિઓપન કરવાનો નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામાન્ય રીતે કોઈ કેસ ચાલતો હોય અને સમય રહેતાં તેનો ચુકાદો આવી ગયા બાદ મામલો પુરો થઈ જતો હોય છે. જોકે, અહીં સરકારની તિજોરીને આ પ્રકારના કૌભાંડ થકી કરોડોનું નુકસાન થયું છે. જેને પગલે સરકારે આ પ્રકારના કુલ 84 જેટલાં જૂના કેસોને રિઓપન કરીને તેની તટસ્થ તપાસ કરાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.  આ પ્રકારે એક સાથે આટલા બધા જૂના કેસો રિઓપન કરવાનો આ પહેલો બનાવ હશે. 


વર્ષ ૨૦૧૮ થી વિવિધ સંસ્થા અનાજની દુકાનોના કેસ રિઓપન કરવામાં આવશે. જે કેસમાં ચુકાદા પણ આવી ગયા છે તે કેસ પણ ફરી તપાસ કરવામાં આવશે. સરકારે પોલીસ વિભાગ ના ઉચ્ચ અધિકારીઓની એસ આઈ ટી ની રચના કરી. સુત્રોના જણાવ્યા મુજબ કરોડો રૂપિયાનું નુકસાન સરકારને થયું હોવાની વાત સામે આવી છે. સરકારના આ નિર્ણયથી પુરવઠા વિભાગમાં હાલ હડકંપ મચી ગયો છે. અને સરકારી બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. 


તંત્રમાં વ્યાપેલાં ભ્રષ્ટાચારને ડામવા માટે સરકારે લાલ આંખ કરી છે. અનાજ કૌભાંડના જૂના કેસોની તપાસ કરાવવા માટે ગુજરાત સરકારે  કાર્યવાહી શરૂ કરી છે. પુરવઠા અધિકારી અને પુરવઠા સચિવ કક્ષાના અધિકારીઓની એસઆઈટી રચવાનો નિર્ણય લીધો છે.  


જે અંતર્ગત ચુકાદા આવી ગયેલાં કેસો પણ રિઓપન કરવામાં આવશે. આ કેસો રિઓપન કરવામાં આવી રહ્યાં છે. આગામી દિવસોમાં ઉર્જા વિભાગના કેસો પણ ઓપન કરવામાં આવશે. ઉર્જા વિભાગના કેસોની પણ તપાસ કરવામાં આવશે. વીજ ચોરીના કેસોની પણ તપાસ કરવામાં આવશે.


ઉલ્લેખનીય છેકે, આપણે કૌભાંડો કોઈ જગ્યા એ ગોતવા જવા પડે તેમ નથી. અમદાવાદ, રાજકોટ, વડોદરા, પોરબંદર, ભાવનગર દરેક જિલ્લામાં આ કૌભાંડીઓએ પોતાનું પોત પ્રકાશ્યું છે. એ પણ એક જ મોડસ ઓપરન્ડી એક જ વસ્તુની છેતરપિંડી. અનેકવાર સરકારી અનાજના ગોડાઉનમાંથી બારોબાર અનાજની ઉઠાંતરી થતી હોવાનું સામે આવ્યું છે. આ પ્રકારની ગેરરીતિને અટકાવવા સરકારે હવે એસઆઈટીની રચના કરી તેની સઘન તપાસ કરીને તેની સામે કડકમાં કડક પગલાં લેવાનું નક્કી કર્યું છે. એજ કારણ છેકે, જુના કેસો પણ રિઓપન કરવામાં આવી રહ્યાં છે.