ગોધરા: સંતાન સુખને પામવા માટે લોકો કઈ પણ કરી છૂટવા તૈયાર હોય છે.પરંતુ તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે સંતાન પ્રાપ્તિ માટે અપહરણ કરવું પડે? વાત સાંભળવા અને સમજવા માં અજુગતું લાગે પરંતુ આવો જ કંઈક વિચિત્ર અને સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં બન્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોધરામાં લાલબાગ બસ સ્ટેન્ડ પાસે વાહનની રાહ જોઈ ઉભેલા દાદા અને પૌત્રીને લિફ્ટ આપવાના બહાને બાઇક પર ઉપાડી જઈ અવાવરું જગ્યા એ ઉતારી માર મારી પૈસા લૂંટી બાળકીનું અપહરણ કરી જવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી.


શહેરાના હોટેલ વ્યવસાય સાથે જોડાયેલ આધેડ પ્રવીણભાઈ શાહ ગોધરા ખાતે પોતાની 7 વર્ષીય પૌત્રી સાથે કામ અર્થે આવ્યા હતા.પ્રવિણભાઈ ગોધરા ના લાલબાગ બસસ્ટેન્ડ પાસે વાહનની રાહ જોઈ પોતાની 7 વર્ષીય પૌત્રી સાથે ઉભા હતા તે દરમ્યાન જ એક ઈસમ બાઇક લઇને આધેડ પાસે આવીને જણાવ્યું કે હું તમારા દીકરા ને ઓળખું છું અને તમારે જ્યાં જવું હોય ત્યાં છોડી દઉ. ઈસમની વાત સાંભળી પ્રવીણભાઈ વિશ્વાસ કરી પોતાની પૌત્રી સાથે બાઇક પર બેસી ગયા. થોડે દુર અવાવરું જગ્યા તરફ બાઇક જતા પ્રવીણભાઈ સ્થિતિ પારખી જતા બુમાબુમ કરવા લાગ્યા ત્યારે બાઇક સવાર ઇસમે ચૂપ રહેવા નહીં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 


આગળ જતાં પ્રવીણભાઈ ને ધક્કો મારી બાઇક પર થી ખેંચી કાઢી તેમની સાથે મારા મારી કરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલત માં છોડી તેમની પાસે રહેલા રૂપિયા લૂંટી લઈ 7 વર્ષીય બાળકી ને બાઇક પર ઉપાડી લઈ ભાગી છૂટ્યો હતો.


ઘટનાને પ્રત્યક્ષ જોનારા ઇસમે ઇજાગ્રસ્ત પ્રવીણભાઈને સિવિલ હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. બીજી તરફ અપહરણ અને લૂંટની ઘટના ગોધરા ખાતે સોશિયલ મીડિયામાં ભોગ બનનાર બાળકીના ફોટો સાથે ભારે વાયરલ થતા એક સમયે સમગ્ર શહેરમાં અજંપા ભરી સ્થિતિ ઉભી થઇ હતી !


દરેક ના મુખે એક જ ચર્ચા હતી કે આખરે બાળકીનું અપહરણ ક્યાં ઇરાદે થયું છે? સાંપ્રત સમય માં બનતી ઘટના ને લઈ અનેક તર્ક વિતર્ક ફેલાઈ રહ્યા હતા ત્યારે ઘટના ની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડા તાત્કાલિક એક્શન માં આવી અલગ અલગ ટિમો બનાવી શહેરમાં આવેલ અલગ અલગ સીસીટીવી અને પોલીસ ના નેત્રમ કન્ટ્રોલ સેન્ટર ના સીસીટીવી ચેક કરી ચોતરફ નાકાબંધી કરી બાળકી ને શોધવા ના ચક્રો ગતિમાન કર્યા હતા.


એક તરફ બાળકીના પરિવારજનો પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં બાળકી ના દાદા ગંભીર ઇજાગ્રસ્ત પ્રવીણભાઈ ની હાલત નાજુક બનતી જતી હતી આવી અજંપા ભરી સ્થિતિ વચ્ચે પોલીસ ને બાઇક સવાર ઈસમ બાળકી અને તેના દાદા સાથે બાઇક પર જતો હોય તેના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા.પોલીસ માટે આશા નું મોટું કિરણ ઊગ્યું.


સીસીટીવીમાં દેખાયેલ બાઇક ના નમ્બર ના આધારે બાઇક સવાર ઈસમ નું એડ્રેસ ટ્રેસ કરી તેને શોધવા ના ચક્રો ગતિમાન કર્યા હતાં. દરમ્યાન બાઇક સવાર ના ઘર ના એડ્રેસ ગોધરા તાલુકા ના બેટીયા ગામે પોલીસ ની ટિમ પહોંચી જતા ત્યાં ના દ્રષ્યો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.જે બાળકી નું અપહરણ કરાયું હતું તે બાળકી બાઇક સવાર ઇસમ ના ઘરે સુરક્ષિત હતી.પોલીસ પણ અચંબા માં હતી કે આખરે ઈસમ બાળકી ને પોતાના ઘરે કેમ લઈ આવ્યો હશે !


અપહરણ થયેલ બાળકી ને સીસીટીવી અને ખાનગી સોર્સ ની મદદથી ગણતરીના કલાકોમાં જ સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં પોલીસ ને સફળતા પ્રાપ્ત થઇ હતી.પોલીસની ટિમ આરોપીને ગોધરા પોલીસ સ્ટેશન ખાતે લઈને આવી હતી. જ્યાં સઘન પૂછપરછમાં આરોપી એ પોતાનું નામ રોશન ઉર્ફે નાનાભાઈ નટવરભાઈ ચૌહાણ જણાવ્યું હતું.જે પોતે ગોધરા ના સામલી બેટીયા નો રહીશ હોવા નું જણાવ્યુ.


પરંતુ પોલીસની પૂછપરછમાં અડધી રાત્રે જે ખુલાસો આરોપીએ કર્યો તેની તો કદાચ પોલીસે પણ કલ્પના નહીં કરી હોય.આરોપી એ બાળકી નું અપહરણ કરવાનું કારણ પોલીસ ને જણાવ્યું કે,"પોતાના લગ્ન જીવન ને ઘણા વર્ષો થયા હોવા છતાં સંતાન સુખ નહોતું જેથી આ બાળકી ને જોતા પોતાની પુત્રી બનાવવા માટે ઉઠાવી ગયો હતો." 


પોલીસ કસ્ટડીમાં દોરડે બાંધેલા આરોપી ના કેમેરા સમક્ષ આપેલા આ નિવેદન થી પોલીસ સહિત ઉપસ્થિત સૌ કોઈ આઘાત સાથે અચંબા ની સ્થિતિ માં સ્થિતિ માં હતા.પોલીસ તપાસ માં સામે આવ્યું કે આરોપી સામે અગાઉ શહેરા પોલીસ સ્ટેશનના લૂંટના ગુના પણ નોંધાયેલ હતા.


જો કે ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ બાળકીના દાદા પ્રવીણભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થતાં વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે આરોપી રોશન ચૌહાણ સામે જાનની મારી નાખવાની કોશિશ, લૂંટ અને અપહરણની જોગવાઈ હેઠળ ગુનો નોંધી તેની પાસે લૂંટ કરેલ રૂપિયા 7 હજાર રોકડા અને મોબાઈલ ફોન મુદ્દામાલ તરીકે જપ્ત કરી વધુ કાયદેસર ની તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube