અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષે મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું હતું. કથિત ભ્રષ્ટાચારને લઈને સરકાર પર આરોપ પણ લાગ્યા હતા. જો કે સરકારે દોષનો ટોપલો સહકારી સંસ્થા નાફેડ પર ઢોળી દીધો હતો. પરંતુ હવે નાફેડ જે રીતે સામે આવ્યું છે તેને જોતા સરકારની મુશ્કેલી વધી શકે છે. કેમ કે સરકાર અને નાફેડ વચ્ચે શરૂ થઈ ગયું છે મગફળી પર મહાભારત.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મગફળીના ગોડાઉનોમાં લાગેલી આગ હવે સરકારના પગ સુધી પહોંચી ગઈ છે અને સમગ્ર મામલે સરકાર ઘેરાઈ રહી હોય તેવું જણાઈ રહ્યું છે. મગફળીમાં ધૂળ મિક્સ કરાઈ હોવાની વાત સામે આવ્યા બાદ કૃષિમંત્રીએ નાફેડના અધિકારીઓને જવાબદાર ગણાવ્યા હતા તો બીજી તરફ નાફેડના અધિકારીઓએ કૃષિમંત્રીને વળતો જવાબ આપ્યો. સરકારે મગફળીકાંડ માટે નાફેડને જવાબદાર ગણાવી હતી. તો નાફેડે કહ્યું કે ખરીદી કેન્દ્રમાં જ ભ્રષ્ટાચાર થયો છે. નાફેડે કૃષિમંત્રીના આરોપોનો પાયાવિહોણા ગણાવીને કહ્યું કે કૃષિમંત્રીને માર્ગદર્શનની જરૂર છે. સરકારે કહ્યું કે ખેડૂતોની સરળતા માટે મગફળીના ખરીદ કેન્દ્ર ખોલ્યા હતા. તો નાફેડે કહ્યું કે આડેધડ ખરીદ કેન્દ્ર મંજૂર કરાયા હતા. નાફેડનો એવો પણ આરોપ છે કે ગોડાઉન મામલે કેન્દ્ર સરકારના નિયમો નેવે મુકાયા છે અને નિમ્નકક્ષાની મંડળીઓને ખરીદી કરવા અપાઈ હતી તો સામે સરકાર કહી રહી છે કે સરકારી માલની પૂરતી કાળજી લેવાઈ છે અને નાફેડના અધિકારીઓએ જ ધ્યાન નથી આપ્યું.


તો મગફળીની ખરીદીમાં ગોટાળા મામલે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ હાથ ઉંચા કરી દીધા અને જવાબદારી નાફેડ પર ઢોળી દીધી.


નાફેડ અને સરકાર વચ્ચે થઈ રહેલા આરોપ પ્રત્યારોપમાં વિપક્ષે પણ ઝંપલાવ્યું છે. કોંગ્રેસે મગફળીની ખરીદીમાં સરકારે ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આરોપ લગાવ્યો છે અને નાફેડનું સમર્થન કર્યું છે. આ મામલે પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીએ પણ કહ્યું કે દોષિતો સામે પગલાં લેવા જ જોઈએ.



મગફળીના ગોડાઉનમાં આગ લાગ્યા બાદ જે પ્રકારના ગંભીર આરોપો સરકાર પર લાગ્યા હતા તેનું સમર્થન નાફેડે કર્યું છે. જેથી હવે સરકાર અને સહકારી સંસ્થા નાફેડ સામ-સામે આવી ગયા છે. નાફેડના આ ચોંકાવનારા આરોપોથી સરકાર આગામી સમયમાં ભીંસમાં આવી શકે છે. મગફળીની ખરીદીમાં હકીકત શું છે તે તપાસ બાદ જ જાણી શકાશે.