યોગેન દરજી, ખેડા: ખેડાના કપડવંજમાં રહેતા અને ટ્રેકીંગનો શોખ ધરાવતા છ જેટલા મિત્રોએ હિમાલય પર્વત પર દેશનો તિરંગો લહેરાવ્યો છે. હિમાલય પરના ચઢાણને સૌથી કપરૂ ચઢાણ માનવામાં આવતુ હોય છે. પરંતુ છ મિત્રોની આ ટીમે 13 હજાર ફુટ ઉંચે ટ્રેકીંગ કરી ભારત દેશનો ઝંડો લહેરાઇ આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે ખેડાના કપડવંજ શહેરમાં અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા આ છ મિત્રોએ હિમાલય પહાડ પર 13 હજાર ફુટ ઉંચે ભારત દેશનો ઝંડો લહેરાવ્યો છે. આ છ મિત્રો દરરોજ સવારે બેડમિંટન રમવા માટે ભેગા થતા હોય છે. તેઓએ દર વર્ષે એક નવી જગ્યા પર ટ્રેકીંગ કરવાનો નિયમ બનાવ્યો છે. જેના ભાગરૂપે હાલમાં આ છ મિત્રો હિમાલયની ગોદમાં પહોંચી ગયા હતાં. અહીં 13 હજાર ફુટ ઉપર બરફાચ્છાદીત વિસ્તારમાં ટ્રેકીંગ કરીને તિરંગો લહેરાવ્યો.



નીતિનભાઈ  પટેલ નામના એક યુવકે કહ્યું કે 'કુલ છ લોકોની ટીમે સરપાસનો ટ્રેક પાસ કર્યો છે. મુશ્કેલીમાં તો એવું છે કે, ગુજરાત જેવા વિસ્તારમાંથી આવા ઠંડા પ્રદેશમાં જવું તે જ એક ચેલેન્જ છે. એકદમ ગરમીમાંથી માયનસ ડિગ્રીમાં જઇને રહેવું તે જ એક ચેલેન્જ હતી. તેમ છતાં અમે છ મિત્રોએ પાંચ દિવસમાં 70 કિમીનું ચઢાણ ચઢીને આ ટ્રેક સર કર્યો છે. તેમજ અમારી ઇચ્છા હતી કે આ ટ્રેક સર કરવાની સાથે સાથે અમારે ત્યા તિરંગો લહેરાવવો છે. જેથી અમે અમારી જાતને ધન્ય માનીએ છીએ કે અમે ત્યાં પહોચ્યા અને તે જગ્યા પર અમે તિરંગો પણ લહેરાવ્યો.'


અન્ય એક યુવક ચિરાગભાઈએ કહ્યું કે  'ટ્રેકિંગમાં અમે જ્યારે નિકળ્યા ત્યારે અમને ત્યાંના વાતાવરણ વિષે કઇ ખબર ન હતી. અમે ઘણી વાતો ત્યાંના વાતાવરણ વિષે સાંભળી હતી. અમે ત્યાં પહોંચ્યા ત્યારે વરસાદ પણ ચાલુ હતો. પરંતુ અમે જ્યારે ટ્રેકિંગ શરૂ કર્યું ત્યાર બાદ વાતાવરણે પણ અમને ખુબ જ સારો સાથ આપ્યો. અમે ખુબજ ટેન્શન ફ્રી થઇને ત્યાં ટાઈમ ગુજાર્યો. ત્યાં ખુબજ મજા આવી, અને જાણે કે પાછા આવવાની ઇચ્છા જ થતી ન હતી.'



વધુમાં તેમણે કહ્યું કે 'હિમાલય પર્વત પર 13 હજાર ફુટ ઉચે તિરંગો લહેરાવવો તે એક ગર્વની વાત ચોક્કસ છે. પરંતુ આવા કામ કરવા માટે મનની ઇચ્છા સાથે સાથે તનની તંદુરસ્તી પણ જરૂરી છે. કારણ કે જ્યાથી તમે ટ્રેકિંગની નોંધણી કરાવો છો, ત્યાં તમારી પાસે પહેલા ડોક્ટરી સર્ટીફિકેટ માંગવામાં આવશે. અને જો તમે તંદુરસ્ત જાહેર થશો તો જ હિમાલયની આ સુંદર જગ્યા પર જવાનો તમને મોકો મળશે.



હિમાલય પહાડની સુંદરતા જોઈને ઘણા લોકો અહીં ટ્રેકિંગનો વિચાર કરે છે. પરંતુ સુંદર દેખાતી આ જગ્યા એટલીતો ખતરનાક છે કે વર્ષ દરમ્યાન જુજ લોકો જ ત્યાં પહોચવામાં સફળ થતા હોય છે. ત્યારે આવી ખતરનાક અને સુંદર જગ્યા પર તિરંગો લહેરાવવાની આ મિત્રોની હિંમતને દાદ આપવી જ રહી.