દિલ્હીથી અમદાવાદ લાવી બનાવ્યા પોલીસ કમિશ્નર, જાણો કેમ મલિક પર મહેરબાન થઈ ગુજરાત સરકાર
Ahmedabad New Police Commissioner GS Malik: અમદાવાદના પોલીસ કમિશનર તરીકે આજથી જીએસ મલિકે ચાર્જ સંભાળી લીધો છે. જીએસ મલિક આ પહેલા ગુજરાતના અનેક જિલ્લામાં પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવી ચુક્યા છે. કોણ છે જીએસ મલિક અને ગુજરાત સરકારે કેમ તેમને આપી અમદાવાદની જવાબદારી..... જાણો....
અમદાવાદઃ Ahmedabad New Police Commissioner GS Malik: દિલ્હીથી અમદાવાદ... તમને જાણીને નવાઈ લાગશે કે આ બાહોશ અધિકારીને ગુજરાત સરકાર દિલ્હીથી ડેપ્યુટેશન પરથી પરત લાવીને અમદાવાદના નવા પોલીસ કમિશ્નર તરીકે ચાર્જ આપ્યો છે. . મલિકે કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના ADG (APS) તરીકેની ફરજનો ચાર્જ ગત શુક્રવારે છોડી દીધો હતો. આસામ મણીપુર બંદોબસ્તમાં ગયેલા જીએસ મલિકને ત્વરિત અમદાવાદ જવા મળેલી સૂચનાને પગલે મણીપુરની ટ્રીપ રદ કરી તેઓ સીધા અમદાવાદ આવ્યા હતા. જ્ઞાનેન્દ્ર સિંહ મલિક ગુજરાત કેડરના 1993 બેચના IPS અધિકારી છે. તેઓ હરિયાણા રાજ્યના વતની છે અને તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જીનીયરીંગમાં બી. ટેક. કર્યું છે અને ગુજરાત યુનિવર્સિટીમાંથી એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે.
IPS તરીકે ગુજરાત કેડરમાં જોડાઇ તાલીમ બાદ તેઓ એએસપી ભુજ તરીકે નિમણુંક પામ્યા હતા. તેમણે છ જિલ્લાઓ (ડાંગ, પોરબંદર, સુરેન્દ્રનગર, અમદાવાદ ગ્રામ્ય, ભરૂચ અને કચ્છ)માં પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવેલી છે અને 4 રેન્જના વડા (બોર્ડર, અમદાવાદ, વડોદરા અને સુરત રેન્જ) તરીકે સેવાઓ આપી છે. તેઓ ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહેરમાં ડીસીપી તરીકે તથા અમદાવાદ અને વડોદરા શહેરમાં એડિશનલ પોલીસ કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. ઉપરાંત સીઆઈડી (ક્રાઈમ), સીઆઈડી (ઈંટેલિજન્સ), ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો, પ્રોહીબીશન અને આબકારી વિભાગ જેવા એકમોમાં તથા ગૃહ વિભાગ, ગાંધીનગર ખાતે ગુહ સચિવ તરીકે પણ ફરજ બજાવેલ છે.
જ્યારે 1990 ના દાયકામાં પોરબંદરને ગુજરાતના શિકાગો તરીકે ઓળખવામાં આવતા હતું ત્યારે આ અધિકારીએ 1997-98માં પોરબંદરના એસપી તરીકે ગેરકાયદેસર હથિયારોનો વિશાળ જથ્થો શોધી કાઢ્યો હતો અને કુખ્યાત ગોડમધર સંતોકબેન જાડેજા સહિત કુખ્યાત અસામાજિક ટોળકીની પ્રવૃત્તિઓને તોડી પાડી હતી.
આ પણ વાંચોઃ 'આવી ગઈ નવી આગાહી...', વરસાદને લઇ ગુજરાતને રાહત કે પછી ધોધમાર? જુઓ શું કહે છે હવામાન
1998-2000માં એસપી સુરેન્દ્રનગર તરીકે તેમણે અસરકારક રીતે વિવિધ જ્ઞાતિઓ વચ્ચેના સંઘર્ષોને નિયંત્રિત કરી અને ઘણી ગુનાહિત ગેંગોને અંકુશિત કરી હતી.
2000-01માં અમદાવાદ ગ્રામ્યના એસ પી. તરીકે તેમણે આ વિસ્તારમાં ઓએનજીસીની પાઈપલાઈનમાં પંક્ચર કરી ઓઈલ ચોરી કરતી ગેંગના નેટવર્કને સંપૂર્ણ રીતે તોડી નાખ્યું હતું.
2001માં અમદાવાદ શહેરના ડીસીપી (કાઇમ) તરીકે, તેમણે વહાબ ગેંગ સહિત વિવિધ કુખ્યાત ગેંગની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણ રીતે કાબૂમાં લઈ એકલા હાથે સુભાષ સિંહ ઠાકોર ગેંગના સભ્ય બચ્ચી સિંહની અત્યંત સંવેદનશીલ હત્યા કેસ શોધી કાઢ્યો હતો. (દાઉદ ઇબ્રાહિમની ભૂતપૂર્વ ટોચની ગેંગ સભ્ય) સેલ્યુલર ફોન વિશ્લેષણનો ઉપયોગ કરીને અમદાવાદ શહેરમાં કાર્યરત ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જનો પર્દાફાશ કર્યો હતો.
આ પણ વાંચોઃ શું ગુજરાત લવમેરેજ પર બનશે નવો કાયદો?, માતા પિતાની સહીને લઈને કોંગ્રેસ પણ મેદાનમાં
2002માં કોસોવો (યુગોસ્લાવિયા) માં સંયુક્ત રાષ્ટ્રના મિશનમાં સેન્ટ્રલ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન યુનિટના એક ઉત્કૃષ્ટ અને સંપૂર્ણ વ્યાવસાયિક યુદ્ધ અપરાધ તપાસકર્તા તરીકે તેમના કાર્યની ખૂબ પ્રશંસા થઈ હતી.
2003-04માં ડીસીપી પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ, રાજકોટ ડિવિઝન તરીકે, તેમણે માદક દ્રવ્યોના ઘણ કેસો શોધીને નાર્કોટિક ડ્રગ્સના દુરુપયોગને અસરકારક રીતે નિયંત્રિત કર્યું હતું.
2004-05 થી ભરૂચના એસ.પી. તરીકે તેમણે ઓન-શોર ઓઇલ ચોરીની ગેંગને સંપૂર્ણપણે તોડી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે તે સમયે વોન્ટેડ ધારાસભ્ય છોટુભાઈ વસાવાની પણ ધરપકડ કરી હતી, અને તેમને લગભગ બે મહિના જેલમાં ધકેલી તેની પ્રવૃત્તિઓ પર અંકુશ રાખ્યો હતો. તેમના પુત્ર મહેશભાઈ વસાવા, ધારાસભ્યની પણ એક કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
2007માં એસ.પી. કચ્છ તરીકેના કાર્યકાળ દરમ્યાન તેઓએ પાકિસ્તાની ISI સંસ્થા દ્વારા કચ્છ દરિયા કાંઠેથી પાકિસ્તાની ફીશીંગ બોટ દવારા નકલી નોટો, હથિયારો, દારૂગોળો વગેરે મધદરિયે ઇન્ડીયન બોટમાં હેરાફેરી કરવાની ગેરકાયદેસર દેશવિરોધી ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. તેઓએ ISI સંસ્થા દવારા પાકિસ્તાનમાં છપાતી ભારતીય ચલણી નોટો (FICN)ના રાષ્ટ્રવ્યાપી નેટવર્કનો પર્દાફાશ કરી તેમાં સંડોવાયેલ આરોપીઓની ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાંથી ધરપકડ કરી હતી. તેમના દ્વાર આપવામાં આવેલા ઇનપુટના આધારે આંધ્રપ્રદેશ પોલીસે હૈદરાબાદથી રૂપિયા 2.36 કરોડની નકલી ભારતીય ચલણી નોટો જપ્ત કરી હતી.
2007ની વિધાનસભાની ચૂંટણીઓ પહેલા વિવિધ સંવેદનશીલ મુદ્દાઓને સંભાળવામાં તેમની નિષ્પક્ષતા અને વ્યાવસાયિકતાને કારણે તેમને ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર સીઆઈડી (કાઈમ) થી ડીઆઈજી બોર્ડર રેન્જની અત્યંત મહત્વપૂર્ણ જગ્યા ઉપર નિયુકત કરવામાં આવ્યા હતા. તેઓ જ્યારે ACB માં ફરજ બજાવતા હતા તે દરમ્યાન ફરીવાર ડીસેમ્બર-૨૦૧૨માં ઇલેકશન વખતે ચૂંટણી પંચે તેમને ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સરળ સંચાલન માટે ભરૂચ પોલીસને મદદ કરવા માટે પસંદ કર્યા હતા.
2007-08માં બોર્ડર રેન્જના ડીઆઈજી તરીકેની ફરજ દરમ્યાન તેઓએ પાકિસ્તાનથી કાર્યરત ગેંગ દ્વારા બનાવટી વિઝા આપવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. 2010-11માં વડોદરા શહેરના અધિક પોલીસ કમિશનર તરીકે તેમણે મકરપુરા પોલીસ સ્ટેશનના સનસનાટીભર્યા ત્રણ બોમ્બ બ્લાસ્ટ કેસોને શોધી કાઢવામાં અને મુખ્યાત મુકેશ હરજાણી ગેંગના નવ ગેંગ સભ્યોની ધરપકડ કરવામાં અંગત રીતે મહત્વની ભૂમિકા ભજવી હતી.
2011-12 માં અમદાવાદ રેન્જ ડીઆઈજી તરીકેની તેમની ફરજ દરમ્યાન તેઓએ સાંપ્રદાયિક અને જુથ અથડામણોને અસરકારક રીતે નિયંત્રિત કરવા ઉપરાંત તેઓએ જમીન માફિયાઓ વિરૂધ્ધ પણ કડક કાયદેસરની કાર્યવાહી કરી અનેક ગેંગના સભ્યો સામે ગુન્હો નોંધી 2012-14માં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોના સંયુક્ત અધિક નિયામક તરીકે સરકારના ભ્રષ્ટ કર્મચારી/અધિકારીઓમાં ભય પેદા કરવામાં ખૂબ સફળ રહયા હતા. રાજયની આર.ટી.ઓ.ચેક પોસ્ટ પર તેમની અસરકારક કાર્યવાહીના પરિણામ સ્વરૂપે સરકારની રેવન્યુમાં વધારો થયો હતો.
2014-16માં સચિવ (ગૃહ) તરીકે તેમણે નવા અભિગમના ભાગરૂપે અમદાવાદ શહેર માટે 14 નવા ટ્રાફિક પોલીસ સ્ટેશનની દરખાસ્ત મંજૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગુજરાત પ્રોહિબિશન એક્ટ 1969 ના સુધારા અધિનિયમની કમિટિનું પણ તેમણે નેતૃત્વ કર્યું હતું.
2016-17માં વડોદરા રેન્જના IGP તરીકે તેમણે પારુલ યુનિવર્સિટીના ચેરમેન જયેશ પટેલને સંડોવતા સૌથી સનસનાટીભર્યા બળાત્કારના કેસનું સુપરવીઝન કર્યું હતું અને તે ગુન્હામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપી ચાર વર્ષથી વધુ સમય જેલમાં રહ્યા હતા અને જેલમાં જ મૃત્યુ પામ્યા હતા. આ કેસની તપાસને નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા બિરદાવવામાં આવી હતી. તેમણે ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ સનસનાટીભર્યા પ્રોહીબીશનની રેડ સુપરવાઇઝ કર્યા છે. જેમાં 273 વ્યક્તિઓને ઝડપી લેવામાં આવી હતી.
તેઓએ 2017-18માં IGP/ADGP સુરત રેન્જ તરીકે, ગુજરાતના ઈતિહાસમાં સૌપ્રથમવાર બિનવારસી મૃતદેહોમાંથી ગુમ થયેલા વ્યક્તિઓને મેચ કરવા માટે ટેક્નોલોજીના ઉપયોગ સાથેની એક ખાસ ડ્રાઈવનું આયોજન કર્યું હતું. જે મોડલ ઉપર સમગ્ર રાજ્યમાં કામગીરી શરૂ કરવામાં આવેલી અને જેને ડીજીપી અને રાજય સરકાર દ્વારા બિરદાવવામાં આવી હતી. તેમણે સુરત રેન્જમાં દારૂ માફિયાઓને અસરકારક રીતે નિયંત્રિત કર્યા અને દમણ વિસ્તારમાં પણ વિવિધ જગ્યાઓએ દરોડા પાડી પ્રવૃત્તિઓને અંકુશમાં લીધી હતી.
આ પણ વાંચોઃ પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓને ટામેટાંના છોડ આપી આત્મનિર્ભર બનાવ્યા
સને 2014 થી 2018 દરમિયાન ગુજરાતમાં ISI દ્વારા બનાવેલા ચાર સ્લીપર સેલ પણ શોધી કાઢ્યા અને વધારાના તેમના નિયમિત પોસ્ટિંગ ઉપરાંત, ડાયરેક્ટર ACB/સચિવ (હોમ)/ IGP વડોદરા રેન્જ અને ADGP સુરત રેન્જ તેઓ ત્રણ વખત પોલીસ કોન્સ્ટેબલની ભરતી બોર્ડના અધ્યક્ષ બન્યા હતા. તેમની અધ્યક્ષતા હેઠળ, કુલ 24,000 કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવી હતી જેમાં શારીરિક કસોટીઓ અને લેખિત પરીક્ષાઓ લેવામાં આવી હતી અને પરિણામો 10 મહિનાથી ઓછા સમયમાં સૌથી દોષરહિત અને વ્યાવસાયિક રીતે જાહેર કરવામાં આવ્યા હતા અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કરવામાં આવ્યો હતો. આમ હાલના કુલ ગુજરાત પોલીસ કર્મચારીઓ પૈકી ૨૦ ટકા પોલીસ મલિક દ્રારા પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે હતા ત્યારે ભરતી કરવામાં આવી છે.
તેઓ એક શ્રેષ્ઠ રમતવીર છે. તેઓએ હોર્સ રાઇડિંગ વ્યક્તિગત ટેન્ટ પેરિંગ ઇવેન્ટ, પિસ્તોલ શૂટિંગ, ટેનિસ, ટેબલ ટેનિસ અને ગોલ્ફમાં મેડલ પ્રાપ્ત કર્યા છે. તેઓ બેડમિન્ટન અને ચેસ પણ સારી રીતે રમે છે.
વધુમાં તેઓ વિવિધ પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવાની ક્ષમતા ધરાવે છે, જેમાં તેઓ ખાસ કરીને મોબાઇલ કૌલ ડેટા આધારે ગુન્હો શોધવામાં રાજય સ્તરે નિપૂણ છે. જેના કારણે તેમને 2008ના અમદાવાદ અને સુરત બોમ્બ વિસ્ફોટના કેસોની તપાસમાં મદદ કરવા માટે ખાસ નિયુક્ત કરવામાં આવ્યા હતા.
2018-2022માં BSF ગુજરાત ફ્રન્ટિયરના IG તરીકે, ત્રણ વખત તાલીમ અને રમતગમતમાં શ્રેષ્ઠ BSFફ્રન્ટિયર માટે પ્રતિષ્ઠિત અશ્વિની કુમાર ટ્રોફી એનાયત કરવામાં આવી હતી, બીએસએફના ઇતિહાસમાં તેમના કાર્યકાળ દરમ્યાન જ ગુજરાત ફ્રન્ટીયરે ચાર વખત અશ્વિની ટ્રોફી જીતી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube