• ડિપ્લોમાથી લઈને પી.એચડી. સુધીના વિવિધ 40 કોર્સના સર્ટીફિકેટ અપલોડ કરીને દેશની ટોપ-10 યુનિવર્સિટીમાં જીટીયુએ સ્થાન પ્રાપ્ત કર્યું

  • વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટીના વેરીફિકેશનથી લઈને તમામ પ્રકારની ઓનલાઈન સવલત મળી રહે તેવો પ્રયાસ

  • ડોક્યુમેન્ટ વેરીફિકેશન સંદર્ભે દેશ-વિદેશમાં અભ્યાસ અને નોકરી કરતાં વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે


ઝી મીડિયા/બ્યૂરો :દેશની તમામ યુનિવર્સિટીઓ અને શૈક્ષણીક સંસ્થાના વિદ્યાર્થીઓએ મેળવેલ ડિગ્રીનો યોગ્ય રીતે સંગ્રહ થઈ શકે તથા વિદ્યાર્થીઓ તેમની અનુકૂળતાએ પોતાના ડિગ્રી સર્ટીફિકેટ્સનો જરૂરીયાત પ્રમાણે ઉપયોગ કરી શકે તે માટે, કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના (યુજીસી) સંલગ્ન પ્રયાસથી તાજેતરમાં ડિજીલોકરમાં ડિગ્રી સર્ટી અપલોડ કરવા માટે દરેક શૈક્ષણીક સંસ્થાઓને જણાવ્યું હતું. જેના ઉપલક્ષે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ) શૈક્ષણીક વર્ષ 2011 થી 2020 સુધીના જુદાં-જુદાં 40 કોર્સના ડિપ્લોમાથી લઈને પી.એચડી સુધીના કુલ 707041 વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટીફિકેટ ડિજીલોકર પર અપલોડ કરનાર જીટીયુ રાજ્યની એકમાત્ર યુનિવર્સિટી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઉપરાંત બહોળી સંખ્યામાં ડેટા અપલોડ કરીને દેશની ટોપ-10 યુનિવર્સિટીમાં પણ જીટીયુએ અગ્રગણ્ય હરોળમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના ડિજીટલ ભારત અભિયાનમાં સહભાગી થઈને વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટીના વેરીફિકેશનથી લઈને તમામ પ્રકારની ઓનલાઈન સવલત મળી રહે, તે હેતુસર જીટીયુ હંમેશા કાર્યરત રહે છે. જીટીયુના આઈટી વિભાગની આ ઉમદા કામગીરી બદલ જીટીયુના કુલસચિવ ડૉ. કે.એન. ખેરે આઈટી હેડ  કેયુર શાહ અને પ્રોગ્રામર રૂપેન્દ્ર ચૌરસીયા તેમજ સમગ્ર આઈટી ટીમને અભિનંદન પાઠવ્યા હતાં.


જીટીયુ દ્વારા એન્જીનિયરીંગ, મેનેજમેન્ટ, ફાર્મસી, આર્કિટેક્ચર, કૉમ્પ્યુટર એપ્લિકેશન અને આઈપીઆર જેવી વિવિધ વિદ્યાશાખાના ડિપ્લોમાંથી લઈને પી.એચડી સુધીના અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. જેમાં જુદાં-જુદાં 40 કોર્સના 707041 વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટી જીટીયુ દ્વારા ડિજીલોકર પર અપલોડ કરવામાં આવ્યાં છે. જેમાંથી ડિપ્લોમાના 253184, બેચલર ડિગ્રીના 336876, માસ્ટર ડિગ્રીના 90114, હોટલ મેનેજમેન્ટના 200, આર્કિટેક્ચરના 1049 અને પી.એચડીના 269 વિદ્યાર્થીઓ સહિત અન્ય કોર્સના 25369 ડિગ્રી સર્ટીફિકેટ્સનો સમાવેશ થાય છે. 


જીટીયુના આ સરાહનીય કાર્યથી વિદ્યાર્થીઓ દુનિયાના કોઈ પણ ખૂણામાંથી તેમણે મેળવેલ ડિગ્રી સર્ટીફિકેટને પોતાની અનુકૂળતાએ  ડાઉનલોડ કરી શકશે. નોકરીના સ્થળે ડૉક્યુમેન્ટ વેરીફિકેશનમાં પણ સરળતા રહશે. ડિજીલોકર આઈટી એક્ટ-2000 અંતર્ગત વૈશ્વિક માન્યતા પ્રાપ્ત હોવાના કારણોસર તેની ખરાઈ સંદર્ભે કોઈ પ્રશ્ન ઉદ્દભવશે નહી. આ ઉપરાંત ડિજીલોકરમાં ખોટી ડિગ્રીધારકના સર્ટીફિકેટ્સ અપલોડ નહીં થઈ શકે. જ્યારે અપલોડ કરેલા તમામ પ્રકારના સર્ટીફિકેટ્સનો યોગ્ય સંગ્રહ કરી શકાશે. વિદ્યાર્થી સરળતાથી ડોક્યુમેન્ટ શેર પણ કરી શકશે. નિજતા અને ચોરી થવાની બાબતે પણ સંપૂર્ણ સુરક્ષીત  છે. વિદેશમાં ઉચ્ચતર અભ્યાસ અર્થે જતાં વિદ્યાર્થીઓને એડમિશન પૂર્વે તેમની ડિગ્રી સર્ટીનું યુનિવર્સિટીમાંથી હાર્ડ કોપીમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવું પડતું હતું. જેના કારણે વિદ્યાર્થીઓના સમય અને નાણાનો વ્યય થતો હતો. ડિજીલોકર પર અપલોડ કરવામાં આવેલા ડેટાના કારણે  ટૂંકા ગાળામાં જ ડોક્યુમેન્ટનું ડિજીટલી વેરિફિકેશન કરી શકાશે. જેથી વિદ્યાર્થીનો સમય અને નાણાનો વ્યય થતાં પણ અટકાવી શકાશે. આમ જીટીયુએ બહોળી સંખ્યામાં ડેટા અપલોડ કરીને ખરા અર્થમાં ટેક્નોલોજીકલ યુનિવર્સિટીનું નામ ચરીતાર્થ કર્યું છે.


વાર્ષિક અપલોડ કરાયેલ ડિગ્રી સર્ટીફિકેટની સંખ્યા...


વર્ષ        ડિગ્રીસર્ટીની સંખ્યા


2011        18157


2012        48170


2013        62686


2014        77807


2015        73827


2016        95716


2017        77889


2018        76829


2019        69327


2020        106633


વિદ્યાર્થીઓ કેવી રીતે ડાઉનલોડ કરી શકશે?


  • સ્ટેપ 1 - ડિજીલોકરમાં એકાઉન્ટ બનાવવું પડશે.

  • સ્ટેપ 2 - ગેટ ધ ડૉક્યુમેન્ટ ફ્રોમ યુનિવર્સિટી પર ક્લિક કરવાનું  રહશે.

  • સ્ટેપ 3 - ત્યારપછી એનરોલમેન્ટ નંબર અને પાસ થયેલ વર્ષ સિલેક્ટ કરવું

  • સ્ટેપ 4 - ડાઉનલોડ કરો