ભારે આગાહી વચ્ચે આજે ગુજરાતના 37 તાલુકામાં વરસાદ: જાણો કયા કેટલો વરસ્યો મેઘો
ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલ વરસાદનું આગમન થયું છે. ખાસ કરીને અમરેલીના સાવરકુંડલામાં વરસાદ વરસ્યો છે. લીખાળા, વીજપડી, છાપરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. સારો વરસાદ આવતા ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા છે.
ઝી બ્યુરો/અમદાવાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે ગુજરાતના 37 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સુરતના ઓલપાડમાં સૌથી વધુ 2 ઈંચ ઈંચ વરસ્યો છે. હજુ આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સાંબેલાધાર વરસાત વરસતા નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. સાવરકુંડલાના આંબરડી ગામની બજારમાં નદીની માફક પાણી વહેતા થયા હતા.
ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલ વરસાદનું આગમન થયું છે. ખાસ કરીને અમરેલીના સાવરકુંડલામાં વરસાદ વરસ્યો છે. લીખાળા, વીજપડી, છાપરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. સારો વરસાદ આવતા ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા છે. બીજી તરફ જૂનાગઢના સાસણગીરમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે. ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. જૂનાગઢ શહેરમાં પણ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસ્યો. ત્યારે વલસાડના ઓલપાડ બાદ ઉમરપાડામાં ભારે વરસાદ આવતા રોડ પર પાણી વહેતાં થયા. વહેલી સવારથી જ સમગ્ર વલસાડ જિલ્લામાં મેઘમહેર થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ ફેલાયો છે.
પોરબંદર જિલ્લામાં ધીમીધારે વરસાદ
પોરબંદર જિલ્લામાં ભારે બફારા બાદ વરસાદનું આગમન થયું છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. સતત બીજા દિવસે મેઘમહેર થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. સતત વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળ્યા. આ સાથે ગરમીમાંથી બચવા બાળકોએ વરસાદમાં ન્હાવાની મજા માણી. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
બીજી બાજુ ગોંડલ પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સવારે અસહ્ય બફારા બાદ બપોરે વાતાવરણમાં પલ્ટો આવ્યો અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. ત્યારબાદ ભારે પવન ફૂંકાવાનું શરૂ થતા ધૂળની ડમરી બાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. હાલ બાંદરા અને દેવચડી ગામમાં વીજળીના કડાકા ભડાકા સાથે અડધા કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજકોટમાં વરસાદી માહોલ જામ્યો છે અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું છે.
આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પડવાની સંભાવના છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં બફારા વચ્ચે છૂટછવાયો વરસાદ થઈ શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં 4-5 દિવસ ભારે વરસાદની આગાહી છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદરમાં પણ વરસાદની આગાહી છે. નવસારી, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી હોવાથી 3 દિવસ દરિયો ના ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી છે.
પંચમહાલ પવન સાથે વરસેલા વરસાદે કરી તબાહી
પંચમહાલમાં પડી રહેલા વરસાદે વિનાશ વેર્યો છે. ઘોઘંબામા ધોધમાર વરસાદથી ભારે તબાહી મચી છે. ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદ થતાં મોટું નુકસાન થયું છે. ગોયાસ સુંડલ ગામે 35 મકાનોના છાપરા ઉડ્યા અને અનેક વૃક્ષ પણ ધરાશાયી થયા છે. બીજી તરફ સરકારી સસ્તા અનાજના સ્ટોરનું અનાજ પણ પલળી ગયું છે. વીજ થાંભલા ધરાશાયી થતા વીજપુરવઠો ખોરવાયો છે. ત્યારે આ સ્થિતિમાં સ્થાનિકોએ તંત્ર અને સરકાર પાસે વળતરની માગ કરી છે. વરસાદની શરૂઆતમાં જ આવી સ્થિતિ સર્જાતા લોકો ચિંતામાં મૂકાયા છે.
ભાવનગર શેત્રુંજી ડેમમાં પાણીની આવક
ચોમાસાની શરૂઆત થતાં જ ભાવનગરમાં વરસાદનું આગમન થઈ ગયું છે. ભાવનગરમાં મેઘમહેર થતાં મુખ્ય જળાશય શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ છે. નવા નીર આવતા ડેમની જળસપાટી 20.9 ફૂટે પહોંચી છે. ડેમમાં નવા નીર આવતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. વરસાદ આવતા માલણ, રોઝકી અને બગડ ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે. ડેમમાં પાણી આવતા ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે. ગત વર્ષે સારા વરસાદથી અનેક વખત શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો હતો. ત્યારે આ વર્ષે પણ સારો વરસાદ પડે તેવી લોકોને આશા છે.
મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં વરસાદ
મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં વરસાદ પડ્યો છે. મોરબી વાવડી, શનાળા, મહેન્દ્રનગર બાજુ વરસાદ પડી રહ્યો છે. મોરબી પંથકમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે.
તાપીના વ્યારા સહિત આસપાસના વિસ્તારમાં ઝરમર વરસાદ છે. જેમાં પાનવાડી, તાડકુંવા, ભાતપુર, મુસા ગામમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. બપોર પછી તાપીના વ્યારા સહિત આસપાસના વિસ્તાર વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદથી ઠંડક પ્રસરી ગઈ છે. ધીમા વરસાદને કારણે ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે.
મહત્વનું છે કે, રાજ્યના 37 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં અમરેલીના સાવરકુંડલામાં વરસાદ પડ્યો છે. આ સિવાય લીખાળા, વીજપડી, છાપરી જૂનાગઢમાં સાસણ ગીરમાં મેઘ મહેર થઈ છે. ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. વલસાડના ઓલપાડ બાદ ઉમરપાડામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube